Stock Market Today: ભારતીય શેરબજારમાં મંગળવારે કારોબારની શરૂઆત મિશ્ર સંકેતો વચ્ચે લગભગ સપાટ સ્તરે થઈ હતી. વૈશ્વિક બજારોમાંથી મળેલા મિશ્ર સંકેતો અને કેટલાક મોટા શેરોમાં થયેલી બ્લોક ડીલ્સના કારણે રોકાણકારો સાવચેત નજરે પડ્યા હતા. શરૂઆતના કારોબારમાં સેન્સેક્સમાં મર્યાદિત ઘટાડો જોવા મળ્યો હતો જ્યારે નિફ્ટી 24,100ના મહત્વના સ્તરની નીચે સરક્યો હતો. બજાર ખુલતાની સાથે જ આઈટી શેરોમાં દબાણ જોવા મળ્યું, જ્યારે ફાર્મા અને હેલ્થકેર ક્ષેત્રના શેરોએ બજારને ટેકો આપ્યો હતો. બીજી તરફ વેદાંતા, ઇન્ફોસિસ, ટીસીએસ અને એચસીએલ ટેક જેવા શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે ડૉ. રેડ્ડીઝ, અદાણી પોર્ટ્સ, સિપ્લા અને એપોલો હોસ્પિટલ્સ જેવા શેરોએ સકારાત્મક પ્રદર્શન કર્યું હતું.
વેદાંતામાં બ્લોક ડીલ બાદ મોટો ઘટાડો
મંગળવારના કારોબારમાં સૌથી વધુ ચર્ચામાં રહેલો શેર વેદાંતા રહ્યો. કંપનીના લગભગ 7.3 કરોડ શેર બ્લોક ડીલ મારફતે હાથ બદલાયા હોવાના અહેવાલો બાદ શેરમાં ભારે દબાણ જોવા મળ્યું. બજારમાં એવી ચર્ચા છે કે પ્રમોટર ગ્રુપની કંપની ટ્વીન સ્ટાર હોલ્ડિંગ્સ દ્વારા મોટી હિસ્સેદારી વેચાણ માટે ઓફર કરવામાં આવી હતી. આ સમાચાર સામે આવ્યા બાદ વેદાંતાના શેરમાં 5 થી 6 ટકા સુધીનો ઘટાડો નોંધાયો અને શેર રૂ. 289ની આસપાસ ટ્રેડ થતો જોવા મળ્યો. આશરે રૂ. 2,149 કરોડના મૂલ્યની આ ડીલ બજારમાં રોકાણકારોનું ધ્યાન ખેંચી રહી છે.
આઈટી શેરોમાં વેચવાલી, નિફ્ટી IT ઇન્ડેક્સ દબાણમાં
આઈટી સેક્ટરમાં સતત વેચવાલીના કારણે નિફ્ટી IT ઇન્ડેક્સ લગભગ 1 ટકા નીચે સરક્યો હતો. ઇન્ફોસિસમાં 2 ટકાથી વધુનો ઘટાડો નોંધાયો, જ્યારે એલએન્ડટી ટેક્નોલોજી સર્વિસિસ, ટીસીએસ, એચસીએલ ટેક અને ટેક મહિન્દ્રા જેવા શેરો પણ લાલ નિશાનમાં ટ્રેડ થતા જોવા મળ્યા. વૈશ્વિક ટેક્નોલોજી ક્ષેત્રમાં અનિશ્ચિતતા અને વિદેશી રોકાણકારોની સાવચેતીને કારણે આઈટી શેરો પર દબાણ વધ્યું હોવાનું બજાર નિષ્ણાતો માને છે.
આ પણ વાંચો: એરલાઈન કંપનીએ 5% સુધી ઘટાડ્યું ભાડું : હવે પેટ્રોલ-ડીઝલ પર સૌની નજર
ભારતી એરટેલે વધારી Airtel Africaમાં ભાગીદારી
ટેલિકોમ ક્ષેત્રમાંથી મહત્વના સમાચાર સામે આવ્યા છે. ભારતી એરટેલે Airtel Africaમાં લગભગ 16.3 ટકા વધારાની હિસ્સેદારી ખરીદી પૂર્ણ કરી છે. આ સોદા બાદ કંપનીની કુલ અસરકારક ભાગીદારી લગભગ 79 ટકા સુધી પહોંચી ગઈ છે. કંપનીએ પ્રિફરન્શિયલ ઇશ્યૂ દ્વારા નવા શેર ફાળવવાની મંજૂરી પણ આપી છે. આ સમાચાર છતાં એરટેલના શેરમાં ખાસ મોટો ફેરફાર જોવા મળ્યો નહીં અને શેર મર્યાદિત વધારા સાથે ટ્રેડ થતો રહ્યો.
કિર્લોસ્કર ઓઇલ એન્જિન્સમાં જબરદસ્ત તેજી
કિર્લોસ્કર ઓઇલ એન્જિન્સના શેરોમાં સતત બીજા દિવસે જોરદાર ખરીદી જોવા મળી હતી. કંપનીને AI ડેટા સેન્ટર સંબંધિત મહત્વનો ઓર્ડર મળ્યા બાદ રોકાણકારોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. સોમવારે અપર સર્કિટ સ્પર્શ કરનાર આ શેરે બે દિવસમાં કુલ 30 ટકાથી વધુનો ઉછાળો નોંધાવ્યો છે. ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રની કંપની HyperNext તરફથી મળેલા ઓર્ડરે રોકાણકારોનો વિશ્વાસ વધાર્યો છે.
Apar Industries અને Syrma SGS Technologyમાં તેજી
અપર ઇન્ડસ્ટ્રીઝની સાઉદી અરેબિયાની પેટાકંપનીએ Saudi Aramco Base Oil Company સાથે મહત્વપૂર્ણ કરાર કર્યો હોવાના સમાચાર બાદ શેરમાં 2 ટકાથી વધુનો વધારો નોંધાયો હતો. શેરે નવા 52 સપ્તાહના ઉચ્ચ સ્તરને પણ સ્પર્શ કર્યો હતો. બીજી તરફ Syrma SGS Technologyએ જાપાનની Kaga Electronics સાથે ભારતમાં ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ સુવિધા સ્થાપવા માટે કરાર કર્યો છે. આ સમાચાર બાદ કંપનીના શેરમાં લગભગ 4 ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો.
આ પણ વાંચો: પેટ્રોલ-ડીઝલ સસ્તું થવાનું રસ્તો સાફ? : ક્રૂડ ઓઇલના ભાવમાં સતત ઘટાડાથી તેલ કંપનીઓને મોટી રાહત
સ્મોલકેપ શેરોમાં રોકાણકારોની રસદારી
બ્લૂ ક્લાઉડ સોફટેક સોલ્યુશન્સના શેરોમાં સતત બીજા દિવસે જોરદાર તેજી જોવા મળી હતી. શેરમાં લગભગ 16 ટકાનો ઉછાળો નોંધાયો હતો. કંપનીના શેરોમાં વધતા વોલ્યુમ દર્શાવે છે કે સ્મોલકેપ સેગમેન્ટમાં રોકાણકારો હજુ પણ તક શોધી રહ્યા છે. તે ઉપરાંત DEE Development Engineersને રૂ. 64 કરોડનો વિન્ડમિલ ટાવર સપ્લાય ઓર્ડર મળ્યો છે, જેના કારણે શેરમાં પણ સકારાત્મક વલણ જોવા મળ્યું હતું.
બજારની નજર હવે આગળના સંકેતો પર
બજાર નિષ્ણાતોના મતે આગામી સત્રોમાં વૈશ્વિક બજારોની દિશા, કાચા તેલના ભાવ, વિદેશી રોકાણકારોની પ્રવૃત્તિ અને સ્થાનિક કોર્પોરેટ પરિણામો બજારની ચાલ નક્કી કરશે. હાલમાં બજારમાં સેક્ટર આધારિત હલચલ જોવા મળી રહી છે, જ્યાં ફાર્મા અને હેલ્થકેર શેરોમાં ખરીદી જોવા મળે છે જ્યારે આઈટી અને મેટલ શેરોમાં નફાવસૂલીનો માહોલ છે. રોકાણકારો માટે આગામી દિવસોમાં વોલેટિલિટી યથાવત રહેવાની શક્યતા હોવાથી ગુણવત્તાયુક્ત શેરોમાં લાંબા ગાળાના દૃષ્ટિકોણ સાથે રોકાણ કરવાની સલાહ આપવામાં આવી રહી છે.





