Home Gujarat Shaktisinh Gohil Resigns From The Post Of Congress State President

કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ પદેથી શક્તિસિંહ ગોહિલનું રાજીનામું : કડી-વિસાવદરની પેટાચૂંટણીમાં કારમી હાર બાદ લીધો નિર્ણય, 30 વર્ષ પહેલાં પણ આજ રીતે છોડ્યું હતું મંત્રીપદ

કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ પદેથી શક્તિસિંહ ગોહિલનું રાજીનામું
Play Video
Published by: OBS Bureau
Last Updated: Jun 23, 2025, 12:37 PM IST

Shaktisinh Gohil Resigns: ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણીઓમાં કારમી હાર બાદ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ પદેથી શક્તિસિંહ ગોહિલે રાજીનામું આપ્યું છે. હંમેશાની જેમ હાર બાદ કોંગ્રેસમાં પ્રમુખોના રાજીનામાનો આ સિરસ્તો આ વખતે પણ યથાવત રહ્યો છે. ગુજરાત કોંગ્રેસ પ્રદેશ સમિતિના પ્રમુખ શક્તિસિંહ ગોહિલે જણાવ્યુંકે, કડી અને વિસાવદરની ચૂંટણીનું પરિણામ અમારા માટે ખુબ આઘાતજનક છે. 30 વર્ષથી અહીં કોંગ્રેસ સત્તામાં નથી છત્તા અમારા કાર્યકરો મક્કમતાથી લડ્યા છે તેમને હું નમન કરું છું. બન્ને ચૂંટણીઓમાં પરિણામ ખરાબ આવ્યું છે. તેથી મેં મારું રાજીનામું હાઈકમાન્ડને મોકલી આપ્યું છે.

શક્તિસિંહ ગોહિલ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જણાવ્યુકે, મને અનુરૂપ જિલ્લા પ્રમુખો હોય એવું નથી, પાર્ટીને અનુરૂપ હોય એ અગત્યનું છે. જિલ્લા કક્ષાએ તમામ કાર્યકરોની વાત સાંભળીને બાદમાં જિલ્લા પ્રમુખોની નિમણૂક કરવામાં આવતી હોય છે. એઆઈસીસીએ તમામ સારા વાંછુક ઉમેદવારને સાંભળ્યા હતા.જે બાદ જિલ્લા પ્રમુખોના નામ પર મહોર મારવામાં આવી હતી. ગુજરાતના કાર્યકરોને નવું બળ અને જોશ મળ્યું છે. પક્ષ કે પરિવારમાં નિર્ણયો સમયે અમુક લોકોને સમસ્યા હોય શકે. ત્રણ મહિને જિલ્લા પ્રમુખોની કામગીરીની સમીક્ષા કરવામાં આવશે. જે બાદ કાર્યકરોને ફરી પૂછવામાં આવશે.

"આજથી 30 વર્ષ પહેલાં પણ આજ રીતે છોડ્યું હતું મંત્રીપદ"
શક્તિસિંહ ગોહિલે વધુમાં જણાવ્યુંકે, પેટાચૂંટણીમાં હારની સંપૂર્ણ જવાબદારી હું સ્વીકારું છું. શૈલેષ પરમારને હું મારી પ્રદેશ પ્રમુખ તરીકેની જવાબદારી સોંપું છું. મને કોઈ મનાવે એવું હું નથી ઈચ્છતો. હું મારા કાર્યભારનો પદ ત્યાગ કરું છું. આજથી 30 વર્ષ પહેલાં આવો જ એક પ્રસંગ થયો હતો. મેં મંત્રી પદેથી રાજીનામું ધરી દીધું હતું. એજ રીતે અત્યારથી જ હું પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ પદેથી રાજીનામું આપું છું. હું અમારા પ્રમુખ મલ્લિકાર્જૂન ખડગે, અમારા નેતા રાહુલ ગાંધીનો ખુબ ખુબ આભાર માનું છું. મારા વહાલાં ગુજરાતીઓનો પણ આભાર માનું છું.

કડી અને વિસાવદરની પેટાચૂંટણીના પરિણામો જાહેર થયાના 4 કલાકમાં જ શક્તિસિંહે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખપદેથી રાજીનામું આપી દીધું છે. શક્તિસિંહ ગોહિલના સ્થાને હવે શૈલેષ પરમાર જવાબદારી નિભાવશે. જ્યાં સુધી નવા પ્રમુખના નામની જાહેરાત ના થાય ત્યાં સુધી દાણીલીમડાના ધારાસભ્ય શૈલેષ પરમાર જવાબદારી સંભાળશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now