Home Business Sensex Today Nifty Live Stock Market Update 29 July 2026

શેરબજારમાં પૈસાનો વરસાદ! : સેન્સેક્સ 670 પોઇન્ટ દોડ્યો, નિફ્ટી 24,150ની ઉપર પહોંચ્યો; જાણો કયા શેર બન્યા રોકાણકારોના ફેવરિટ

Sensex Today
Published by: Nirali Gohil
Last Updated: Jul 29, 2026, 04:08 AM IST

Sensex Today: ભારતીય શેરબજારે બુધવારે (29 જુલાઈ) મજબૂત શરૂઆત સાથે રોકાણકારોમાં ફરી એકવાર ઉત્સાહ જગાવ્યો છે. વૈશ્વિક બજારોમાંથી મળેલા મિશ્ર સંકેતો છતાં સ્થાનિક બજારમાં ખરીદીનું જોર જોવા મળ્યું, જેના કારણે બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE)નો સેન્સેક્સ શરૂઆતના કારોબારમાં 670થી વધુ પોઇન્ટના ઉછાળા સાથે 77,400ની સપાટીને પાર કરી ગયો. બીજી તરફ નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE)નો નિફ્ટી પણ 24,150ની ઉપર ટ્રેડ થતો જોવા મળ્યો. બજારમાં શરૂઆતથી જ ખરીદદારોનું પ્રભુત્વ રહ્યું હતું. વ્યાપક ખરીદીને કારણે મોટા ભાગના સેક્ટરમાં લીલોતરી જોવા મળી હતી. ખાસ કરીને IT, બેન્કિંગ, ફાઇનાન્સ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર શેરોમાં નોંધપાત્ર તેજી નોંધાઈ હતી. પ્રથમ કલાકના ટ્રેડિંગ દરમિયાન આશરે 1,400થી વધુ શેરોમાં વધારો જોવા મળ્યો હતો, જ્યારે ઘટતા શેરોની સંખ્યા નોંધપાત્ર રીતે ઓછી રહી હતી. આ ટ્રેન્ડ દર્શાવે છે કે, રોકાણકારો હાલમાં સારા કોર્પોરેટ પરિણામો અને સ્થાનિક અર્થતંત્ર પ્રત્યે વિશ્વાસ દર્શાવી રહ્યા છે.

સેન્સેક્સ-નિફ્ટીમાં મજબૂત શરૂઆત

શરૂઆતના કારોબારમાં સેન્સેક્સ 677.26 પોઇન્ટ અથવા 0.88 ટકાના વધારા સાથે 77,443.18ની સપાટીએ પહોંચ્યો હતો. બીજી તરફ નિફ્ટી 187.75 પોઇન્ટ અથવા 0.78 ટકાની તેજી સાથે 24,173.10 પર ટ્રેડ થઈ રહ્યો હતો. બજારમાં કુલ 1,412 શેરોમાં તેજી જોવા મળી હતી, જ્યારે 756 શેરોમાં ઘટાડો નોંધાયો હતો. 134 શેરોમાં કોઈ ખાસ ફેરફાર જોવા મળ્યો ન હતો.

આ શેરોએ બજારને આપી મજબૂતી

નિફ્ટી-50માં સૌથી વધુ ખરીદી Larsen & Toubro (L&T), Hindustan Unilever (HUL), Infosys, Bharti Airtel અને Bajaj Financeમાં જોવા મળી હતી. બીજી તરફ InterGlobe Aviation (IndiGo), Bharat Electronics, Coal India, Power Grid અને Asian Paints જેવા શેરોમાં વેચવાલીનું દબાણ રહ્યું. IT અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર શેરોમાં આવેલી તેજીએ સમગ્ર બજારને મજબૂત ટેકો આપ્યો હતો.

આ પણ વાંચો: શું સિંગલ લોકોએ પણ લેવું જોઈએ લાઈફ ઈન્શ્યોરન્સ? : જવાબ જાણીએ બદલાઈ શકે છે તમારો વિચાર

બેન્કિંગ શેરોમાં પણ ખરીદીનું જોર

નિફ્ટી બેન્ક ઇન્ડેક્સ લગભગ 0.40 ટકા મજબૂત રહ્યો હતો. મોટા ખાનગી અને સરકારી બેન્કોના શેરોમાં ખરીદી જોવા મળી હતી. દિવસના શરૂઆતના કારોબારમાં HDFC Bank, Canara Bank, Bank of Baroda, Kotak Mahindra Bank, IndusInd Bank, SBI અને ICICI Bank જેવા શેરોમાં વધારો નોંધાયો હતો. બેન્કિંગ સેક્ટરમાં સતત ખરીદી બજાર માટે સકારાત્મક સંકેત માનવામાં આવી રહી છે.

L&Tના સારા પરિણામોથી શેરમાં તેજી

Larsen & Toubroએ જૂન ત્રિમાસિક (Q1)ના મજબૂત પરિણામો જાહેર કર્યા બાદ તેના શેરમાં તેજી જોવા મળી હતી. કંપનીનો નેટ નફો 14 ટકા વધીને રૂ.4,123 કરોડ થયો છે, જ્યારે આવક 7 ટકા વધીને રૂ.67,942 કરોડ પર પહોંચી છે. જોકે EBITDA માર્જિનમાં થોડો ઘટાડો નોંધાયો હતો, પરંતુ કંપનીના ઓર્ડર ઇન્ફ્લોમાં 14 ટકાનો વધારો અને કુલ ઓર્ડર બુક રૂ.7.79 લાખ કરોડ સુધી પહોંચતા રોકાણકારોએ સકારાત્મક પ્રતિસાદ આપ્યો હતો. પરિણામે L&Tનો શેર શરૂઆતના ટ્રેડિંગમાં લગભગ 2.5 ટકાથી વધુ ઉછળ્યો હતો.

ટાટા કેપિટલના પરિણામોએ રોકાણકારોને ખુશ કર્યા

ટાટા કેપિટલે પણ પ્રથમ ત્રિમાસિકમાં શાનદાર નાણાકીય પરિણામો જાહેર કર્યા છે. કંપનીનો નેટ પ્રોફિટ 56 ટકા વધીને રૂ.1,547 કરોડ થયો છે. કુલ આવકમાં 23 ટકાનો વધારો નોંધાયો છે, જ્યારે કંપનીની એસેટ અન્ડર મેનેજમેન્ટ (AUM) 22 ટકા વધીને રૂ.2.90 લાખ કરોડ પર પહોંચી ગઈ છે.

આ મજબૂત પરિણામોના પગલે કંપનીનો શેર શરૂઆતના કારોબારમાં 5 ટકાથી વધુ ઉછળીને રૂ.374ની આસપાસ ટ્રેડ થતો જોવા મળ્યો હતો.

આ પણ વાંચો: દિલ્હી હાઈકોર્ટે PayTM પેમેન્ટ્સ બેંકને બંધ કરવાનો આપ્યો આદેશ : ઓફિશિયલ લિક્વિડેટરને સોંપી કમાન

ફિનિક્સ મિલ્સ અને પરાદીપ ફોસ્ફેટ્સના પરિણામો પણ ચર્ચામાં

Phoenix Millsએ પણ પ્રથમ ત્રિમાસિકમાં 23 ટકા નફો અને લગભગ 13 ટકા આવક વૃદ્ધિ નોંધાવી હતી. જોકે પરિણામો છતાં શેરમાં નફાવસૂલી જોવા મળતાં શેર લગભગ 4 ટકા સુધી ઘટ્યો હતો. બીજી તરફ Paradeep Phosphatesએ 24 ટકા નફો અને 36 ટકા આવક વૃદ્ધિ નોંધાવી છે. કંપનીએ એલ્યુમિનિયમ ફ્લોરાઇડ પ્લાન્ટ સ્થાપવા માટે આશરે રૂ.250 કરોડના રોકાણને પણ મંજૂરી આપી છે. આ જાહેરાત બાદ શેરમાં 2 ટકાથી વધુ વધારો નોંધાયો હતો.

HSBCનો ચોલામંડલમ ઇન્વેસ્ટમેન્ટ પર વિશ્વાસ યથાવત

વિદેશી બ્રોકરેજ હાઉસ HSBCએ Cholamandalam Investment & Finance પર પોતાની 'Buy' રેટિંગ જાળવી રાખી છે અને પ્રતિ શેર રૂ.2,140નો ટાર્ગેટ આપ્યો છે. બ્રોકરેજના જણાવ્યા મુજબ કંપનીમાં AUM વૃદ્ધિ, મજબૂત માર્જિન અને એસેટ ક્વોલિટી સુધરતાં આગામી વર્ષોના નફાના અંદાજમાં પણ વધારો કરવામાં આવ્યો છે. આ સકારાત્મક અહેવાલ બાદ કંપનીનો શેર 4 ટકાથી વધુ ઉછળ્યો હતો.

IT શેરોમાં ફરી તેજીનું વલણ

બજારમાં IT સેક્ટર સૌથી વધુ ચમક્યો હતો. BSE IT ઇન્ડેક્સમાં 2 ટકાથી વધુનો ઉછાળો જોવા મળ્યો હતો. Infosys, TCS, Tech Mahindra, Coforge, Persistent Systems, Sonata Software, Tata Technologies અને Tanla Platforms સહિત અનેક IT કંપનીઓના શેરોમાં મજબૂત ખરીદી નોંધાઈ હતી. વૈશ્વિક બજારમાં ટેક્નોલોજી શેરોમાં સુધારાનો લાભ ભારતીય IT કંપનીઓને પણ મળ્યો હોવાનું બજાર નિષ્ણાતો માની રહ્યા છે.

KPIT Technologiesમાં ભારે બ્લોક ડીલ

KPIT Technologiesના લગભગ 40.8 લાખ શેરોના મોટા બ્લોક ટ્રાન્ઝેક્શનના સમાચાર બાદ શેરમાં પણ નોંધપાત્ર વોલ્યુમ જોવા મળ્યો હતો. સામાન્ય દિવસોની સરખામણીએ ટ્રેડિંગ વોલ્યુમમાં અનેકગણો વધારો નોંધાયો હતો, જેના કારણે રોકાણકારોની નજર આ શેર પર રહી હતી.

આગામી દિવસોમાં રોકાણકારોની નજર ક્યાં રહેશે?

બજાર નિષ્ણાતોના મતે હવે રોકાણકારોની નજર કોર્પોરેટ કંપનીઓના ચાલુ પ્રથમ ત્રિમાસિકના પરિણામો, વૈશ્વિક બજારોની દિશા, વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII)ની ખરીદી-વેચાણ અને આર્થિક આંકડાઓ પર રહેશે. જો કંપનીઓના પરિણામો અપેક્ષા મુજબ સારા રહેશે તો બજારમાં તેજીનો માહોલ આગામી સત્રોમાં પણ યથાવત રહી શકે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now