Paytm Payments Bank Winding Up: Paytm Payments Bank (PPBL) સાથે જોડાયેલા લાખો ગ્રાહકો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. દિલ્હી હાઈકોર્ટે ભારતીય રિઝર્વ બેંક (RBI)ની અરજી સ્વીકારીને Paytm Payments Bankને સત્તાવાર રીતે બંધ (Winding-up) કરવાની પ્રક્રિયા શરૂ કરવાનો આદેશ આપ્યો છે. કોર્ટે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના પૂર્વ મુખ્ય મહાપ્રબંધક ગિરિકુમાર એમ. નાયરને ઓફિશિયલ લિક્વિડેટર તરીકે નિયુક્ત કર્યા છે, જે હવે બેંકની સંપત્તિ, જવાબદારીઓ, જમા રકમ અને ગ્રાહકોના દાવાઓનું સંચાલન કરશે. આ નિર્ણય RBI દ્વારા એપ્રિલ 2026માં Paytm Payments Bankનું બેંકિંગ લાઇસન્સ રદ કર્યા બાદનો સૌથી મોટો કાનૂની તબક્કો માનવામાં આવી રહ્યો છે. હવે બેંકના તમામ બાકી રહેલા નાણાકીય અને કાનૂની મુદ્દાઓનું નિરાકરણ કોર્ટની દેખરેખ હેઠળ કરવામાં આવશે. જોકે, આ નિર્ણયનો અર્થ એ નથી કે સમગ્ર Paytm એપ અથવા તેની તમામ ડિજિટલ પેમેન્ટ સેવાઓ બંધ થઈ જશે.
દિલ્હી હાઈકોર્ટનો મહત્વપૂર્ણ નિર્ણય
ભારતીય રિઝર્વ બેંક દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી બાદ દિલ્હી હાઈકોર્ટે Paytm Payments Bankને બંધ કરવાની પ્રક્રિયાને મંજૂરી આપી છે. કોર્ટે બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 અને કંપનીઝ એક્ટ, 2013 હેઠળ બેંકના વાઇન્ડિંગ-અપની પ્રક્રિયા શરૂ કરવાનો આદેશ આપ્યો છે. આ સાથે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના પૂર્વ મુખ્ય મહાપ્રબંધક ગિરિકુમાર એમ. નાયરને ઓફિશિયલ લિક્વિડેટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
ઓફિશિયલ લિક્વિડેટર શું કરશે?
હવે બેંકના બોર્ડ ઓફ ડિરેક્ટર્સની તમામ સત્તા ઓફિશિયલ લિક્વિડેટર પાસે રહેશે. તેમની મુખ્ય જવાબદારીઓમાં બેંકની સંપત્તિ, નાણાકીય રેકોર્ડ, જમા રકમ, દેવું, ગ્રાહકોના દાવા અને અન્ય તમામ નાણાકીય જવાબદારીઓનું મૂલ્યાંકન અને કાયદા મુજબ તેનો નિકાલ કરવાનો સમાવેશ થાય છે. આ સમગ્ર પ્રક્રિયા કોર્ટ અને RBIની દેખરેખ હેઠળ પૂર્ણ કરવામાં આવશે.
આ પણ વાંચો: Appleએ ફરી મેળવ્યો વિશ્વની સૌથી મૂલ્યવાન કંપનીનો તાજ : Nvidiaને પાછળ છોડીને ફરી નંબર-1 બન્યું
RBIએ કેમ રદ કર્યું હતું લાઇસન્સ?
RBIએ એપ્રિલ 2026માં બેંકિંગ રેગ્યુલેશન એક્ટની કલમ 22(4) હેઠળ Paytm Payments Bankનું લાઇસન્સ રદ કર્યું હતું. રિઝર્વ બેંકના જણાવ્યા મુજબ બેંકનું સંચાલન એવા પ્રકારથી કરવામાં આવી રહ્યું હતું જે જમાકર્તાઓ અને બેંકના હિત માટે યોગ્ય નહોતું. લાઇસન્સ રદ થયા બાદ Paytm Payments Bankના બોર્ડ અને શેરહોલ્ડર્સે બેંક બંધ કરવાની પ્રક્રિયા માટે જરૂરી ઠરાવ પણ પસાર કર્યો હતો.
વાઇન્ડિંગ-અપનો અર્થ શું?
ઘણા લોકો એવું માને છે કે વાઇન્ડિંગ-અપ એટલે માત્ર બેંકની સેવાઓ બંધ થઈ જવી, પરંતુ હકીકતમાં તે એક લાંબી કાનૂની પ્રક્રિયા છે. Nઆ પ્રક્રિયા દરમિયાન બેંકની તમામ સંપત્તિ, લેણાં-દેણાં, ગ્રાહકોના દાવા, બાકી ચૂકવણી અને નાણાકીય વ્યવહારોનું વિગતવાર મૂલ્યાંકન કરવામાં આવે છે. ઓફિશિયલ લિક્વિડેટર કાયદા અનુસાર ઉપલબ્ધ સંપત્તિઓનું વિતરણ અને દાવાઓનું નિરાકરણ કરશે.
ગ્રાહકો માટે શું મહત્વનું?
Paytm Payments Bankમાં જેમના ખાતા, જમા રકમ અથવા અન્ય કોઈ નાણાકીય દાવા બાકી છે તેમણે હવે RBI, Paytm Payments Bank અને ઓફિશિયલ લિક્વિડેટર દ્વારા જાહેર કરવામાં આવતી સૂચનાઓ પર સતત નજર રાખવી જરૂરી રહેશે. દાવા નોંધાવવા માટે ભવિષ્યમાં અલગથી પ્રક્રિયા, સમયમર્યાદા અને જરૂરી દસ્તાવેજોની માહિતી જાહેર કરવામાં આવશે. નિષ્ણાતો ગ્રાહકોને તેમના બેંક સ્ટેટમેન્ટ, જમા રકમના પુરાવા અને સંબંધિત દસ્તાવેજો સુરક્ષિત રાખવાની સલાહ આપી રહ્યા છે.
આ પણ વાંચો: 'E20 સાથે મારો કોઈ સંબંધ નથી!' : નિતિન ગડકરી એક્શનમાં, મેટા-ગૂગલ અને X સામે કેસની મંજૂરી
છેતરપિંડીથી સાવધાન રહેવાની જરૂર
લિક્વિડેશન પ્રક્રિયા દરમિયાન સાયબર છેતરપિંડીની શક્યતા પણ વધી શકે છે. RBIએ લોકોને ચેતવણી આપી છે કે જો કોઈ વ્યક્તિ અથવા સંસ્થા લિક્વિડેશનના નામે OTP, UPI PIN, પાસવર્ડ અથવા બેંકિંગ વિગતો માંગે તો તે શેર ન કરવી. ગ્રાહકોએ માત્ર સત્તાવાર સૂચનાઓ પર જ વિશ્વાસ રાખવો જોઈએ.
Paytm એપ બંધ થશે?
આ સમગ્ર ઘટનામાં સૌથી મોટો પ્રશ્ન એ છે કે શું હવે Paytm એપ પણ બંધ થઈ જશે? જવાબ છે ના. Paytm Payments Bank અને Paytm એપ ચલાવતી One97 Communications Limited અલગ-અલગ સંસ્થાઓ છે. Paytm એપ પર ઉપલબ્ધ ઘણી UPI અને મર્ચન્ટ પેમેન્ટ સેવાઓ અન્ય ભાગીદાર બેંકો મારફતે સંચાલિત થાય છે. કંપનીએ અગાઉ સ્પષ્ટ કર્યું હતું કે, Paytm Payments Bankના લિક્વિડેશનથી તેના મુખ્ય ડિજિટલ પેમેન્ટ બિઝનેસ પર કોઈ મોટો પ્રભાવ પડવાની શક્યતા નથી.
2022થી શરૂ થઈ હતી કાર્યવાહી
Paytm Payments Bank સામે RBIની કાર્યવાહી અચાનક શરૂ થઈ નહોતી. માર્ચ 2022માં RBIએ નિયમનકારી ખામીઓના કારણે નવા ગ્રાહકો ઉમેરવા પર પ્રતિબંધ મૂક્યો હતો. ત્યારબાદ જાન્યુઆરી 2024માં બેંકને નવી ડિપોઝિટ સ્વીકારવા, વોલેટમાં રકમ ઉમેરવા અને કેટલીક પ્રીપેઇડ સેવાઓ પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. આખરે એપ્રિલ 2026માં બેંકિંગ લાઇસન્સ રદ કરવામાં આવ્યું અને હવે દિલ્હી હાઈકોર્ટના આદેશ બાદ બેંકની વાઇન્ડિંગ-અપ પ્રક્રિયા સત્તાવાર રીતે શરૂ થઈ ગઈ છે.
હવે આગળ શું?
હવે Paytm Payments Bankનું સંચાલન જૂના બોર્ડ પાસે નહીં રહે, પરંતુ ઓફિશિયલ લિક્વિડેટર તેના તમામ નાણાકીય અને કાનૂની કારોબારનું સંચાલન કરશે. જમાકર્તાઓ અને અન્ય દાવેદારોના હિતોનું રક્ષણ થાય તે માટે સમગ્ર પ્રક્રિયા કોર્ટ અને RBIની દેખરેખ હેઠળ પારદર્શક રીતે પૂર્ણ કરવામાં આવશે. ગ્રાહકોને સલાહ આપવામાં આવી છે કે તેઓ અફવાઓથી દૂર રહે અને માત્ર RBI, Paytm Payments Bank અથવા ઓફિશિયલ લિક્વિડેટર દ્વારા જાહેર કરવામાં આવેલી અધિકૃત માહિતી પર જ વિશ્વાસ કરે.





