Share Market Crash: સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે, શુક્રવારે બજારે જોરદાર યુ-ટર્ન લીધો હતો. તેજી સાથે શરૂઆત કર્યા પછી, બપોરે વધતા-વધતા શેરબજારમાં મોટો કડાકો બોલાઈ ગયો અને સેન્સેક્સ 1092 પોઈન્ટના ઘટાડા સાથે બંધ થયો. શુક્રવારે સાંજે 3 વાગ્યાની આસપાસ સેન્સેક્સ 1092 પોઈન્ટ તૂટીને 74,776 પર અને નિફ્ટી 359 પોઈન્ટ ઘટીને 23,548 પર બંધ થયા. જ્યારે બેન્ક નિફ્ટી 615 પોઈન્ટ ગગડીને 54,239 પર બંધ આવ્યો હતો. દિવસભર જે બજાર સંભાળીને કામકાજ કરી રહ્યું હતું, તે સાંજ પડતા પડતા સંપૂર્ણપણે વેરવિખેર થઈ ગયું. બજારમાં આવેલા આ વાવાઝોડાએ ટ્રેડિંગના છેલ્લા કલાકમાં રોકાણકારોને 5 લાખ કરોડ રૂપિયાથી વધુનું નુકસાન કરાવ્યું છે. BSE લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ 5 લાખ કરોડ રૂપિયા ઘટીને 466 લાખ કરોડ રૂપિયા પર પહોંચી ગયું છે.
અચાનક કેમ વેરવિખેર થયું ભારતનું શેરબજાર?
શુક્રવાર, 29 મેના રોજ શેરબજારે મામૂલી વધારા સાથે કારોબારની શરૂઆત કરી હતી. BSE સેન્સેક્સ 352.22 પોઈન્ટ વધીને 76,220.02 પોઈન્ટ પર ખૂલ્યો હતો. NSE નિફ્ટી 50 પણ વધારા સાથે 24,002.80 પોઈન્ટ પર ખૂલ્યો હતો, પરંતુ 1 વાગતા સુધીમાં બજાર હાંફવા લાગ્યું હતું. 3 વાગ્યા સુધીમાં તો બજારમાં ભૂકંપ આવી ગયો. સેન્સેક્સ 1,092 પોઈન્ટ તૂટીને 74,776 પર અને નિફ્ટી 359 પોઈન્ટના ઘટાડા સાથે 23,548 ના સ્તર પર બંધ થયો.
બજારમાં ઘટાડાની કહાની કેવી રીતે શરૂ થઈ?
પહેલું કારણ
અમેરિકા અને ઈરાન વચ્ચેની ડીલને લઈને ચાલી રહેલા સસ્પેન્સથી રોકાણકારો પહેલેથી જ ચિંતિત છે. 60 દિવસના યુદ્ધવિરામ પર સહમતિ બની છે, પરંતુ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હજી તેને મંજૂરી આપી નથી, જેનો ડર રોકાણકારોમાં સ્પષ્ટ જોવા મળ્યો.
Gold Silver Price Today : સસ્તું થયું સોનું, ચાંદીના ભાવ પણ ઘટ્યાં, જાણો આજનો લેટેસ્ટ દર
બીજું કારણ
આ ઘટાડા પાછળનું એક મોટું પરિબળ ભારતીય હવામાન વિભાગ (IMD)નો અંદાજ પણ છે. હવામાન વિભાગે વરસાદના અંદાજને અગાઉની સરખામણીએ ઘટાડી દીધો છે. ભારતીય અર્થતંત્ર માટે ચોમાસું માત્ર વરસાદ નથી, પરંતુ કરોડો ખેડૂતોની આવક અને દેશના અર્થતંત્રનો મજબૂત સ્તંભ છે. વરસાદ પર લાખો લોકોની આજીવિકા ટકેલી છે. જેવા હવામાન વિભાગે નબળા વરસાદની આશંકા વ્યક્ત કરી, રોકાણકારોનો ડર સ્પષ્ટ દેખાયો અને બજારમાં વેચવાલી હાવી થઈ ગઈ.
IMDના જણાવ્યા અનુસાર જૂન-જુલાઈમાં પણ હીટવેવ (લૂ) ચાલવાની સંભાવના છે અને તાપમાન આ વખતે 3 ડિગ્રી વધુ રહેશે. આ સાથે હવામાન વિભાગે જણાવ્યું કે આ વર્ષે દેશમાં સરેરાશ 78 સેન્ટિમીટર વરસાદનો અંદાજ છે, જે સામાન્ય કરતાં લગભગ 10% ઓછો છે. વર્ષ 1971-2020ના આંકડાના આધારે દેશમાં સરેરાશ વરસાદ 87 સેન્ટિમીટર માનવામાં આવે છે. નબળા ચોમાસાએ બજારનું સેન્ટિમેન્ટ બગાડી દીધું છે. ઓછો વરસાદ મોંઘવારી વધારશે અને મોંઘવારીનો સીધો સંબંધ રિઝર્વ બેન્કના વ્યાજ દરો સાથે છે. આ તમામ આશંકાઓએ બજારનો મૂડ બગાડ્યો અને ભારે વેચવાલી હાવી થઈ ગઈ.
ત્રીજું કારણ
બાકી રહેલી કસર MSCI ઇન્ડિયા ઇન્ડેક્સે પૂરી કરી દીધી. શુક્રવારે વિશ્વના સૌથી મોટા વૈશ્વિક ઇન્ડેક્સમાંના એક MSCI ઇન્ડિયાએ પોતાના ઇન્ડેક્સમાં ફેરફાર કર્યો હતો. આ ઇન્ડેક્સિંગ ફેરફાર પછી કરોડો ડોલરના કેટલાય ફંડ્સે પોતાના પોર્ટફોલિયોમાં ફેરફાર કર્યો, જેના કારણે ટ્રેડિંગના છેલ્લા કલાકમાં બજારમાં ભારે વેચવાલી જોવા મળી. પાવર ગ્રીડ, બજાજ ઓટો, મેક્સ હેલ્થ, ઇન્ડિગો, આઇશર મોટર્સ અને ONGCના શેરોએ સૌથી ખરાબ પ્રદર્શન કર્યું હતું.





