Home Gujarat Senior Citizen Robbed By Throwing Chilli Powder At Him In Warsia Vadodara

પંજાબમાં મીડિયા પર અત્યાચાર અને પ. બંગાળમાં ભયનો માહોલ : ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માના ગંભીર આક્ષેપ, ગોપાલ ઇટાલિયા વિશે પણ બોલ્યા

પંજાબમાં મીડિયા પર અત્યાચાર અને પ. બંગાળમાં ભયનો માહોલ
Play Video
Published by: OBS Bureau
Last Updated: Jan 17, 2026, 01:35 PM IST

ગાંધીનગર સ્થિત કમલમ પ્રેસ ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ પંજાબ અને પશ્ચિમ બંગાળમાં મીડિયાની સ્વતંત્રતા અને લોકશાહી પર થતા હુમલાઓ અંગે કડક નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું કે પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર દ્વારા મીડિયા કર્મચારીઓ પર હુમલા થઈ રહ્યા છે, જે લોકશાહીના મૂલ્યો માટે ગંભીર ખતરો છે.

વિશ્વકર્માએ આક્ષેપ કર્યો કે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનના શાસનમાં ‘પંજાબ કેસરી ન્યૂઝ’ પર FIR કરી મીડિયા કર્મચારીને માર મારવામાં આવ્યો. જલંધરમાં પોલીસ દ્વારા મીડિયા ઓફિસમાં ઘુસી તોડફોડ અને મારપીટ કરાઈ હોવાનો પણ તેમણે ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે સરકાર વિરુદ્ધ લખનારાઓ, ડ્રાઇવરો અને યુટ્યુબર્સ પર દબાણ, રેડ અને હિંસા થઈ રહી છે. આ સ્થિતિ કોંગ્રેસના ઇમરજન્સી સમયની યાદ અપાવે છે.

તેમણે પ્રશ્ન ઉઠાવ્યો કે પંજાબ સરકાર ગુજરાતમાં મોટી રકમની જાહેરાતો આપી પ્રજાના પૈસાનો દુરુપયોગ કેમ કરી રહી છે. વિશ્વકર્માએ આરોપ લગાવ્યો કે આમ આદમી પાર્ટી ભાજપના નેતાઓને ફસાવવા માટે પોલીસનો દુરુપયોગ કરી રહી છે અને પંજાબમાં AAP નું પતન નિશ્ચિત છે.

પશ્ચિમ બંગાળ મુદ્દે તેમણે જણાવ્યું કે ત્યાં તૃણમૂલ કોંગ્રેસના શાસનમાં ભયનું વાતાવરણ છે. કર્મચારીઓ પર ધમકીઓ આપવામાં આવી રહી છે. અશોક દાસ નામના કર્મચારીને સતત માનસિક દબાણ બાદ આત્મહત્યા કરવા મજબૂર થવું પડ્યું હોવાનું તેમણે કહ્યું. તેમણે TMCની રાજનીતિને “T-તૃપ્તિકરણ, M-માફિયા અને C-ક્રાઈમ” તરીકે વ્યાખ્યાયિત કરી.

ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકવાની ઘટનાને લઈ વિશ્વકર્માએ કહ્યું કે અગાઉ અરવિંદ કેજરીવાલ સાથે પણ આવું બન્યું હતું અને તપાસમાં આરોપીઓ કોઈ રાજકીય પક્ષ સાથે સંકળાયેલા ન હોવાનું સામે આવ્યું હતું. તેમણે આરોપ લગાવ્યો કે કેજરીવાલ કંપની મીડિયામાં પ્રસિદ્ધિ મેળવવા માટે ખોટી રાજનીતિ કરી રહી છે.

અંતમાં તેમણે જણાવ્યું કે ભાજપ પંજાબ અને પશ્ચિમ બંગાળમાં લોકશાહી, મીડિયા સ્વતંત્રતા અને ભયમુક્ત વાતાવરણ માટે સંઘર્ષ ચાલુ રાખશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now