Home Religion Scripture Black Cats Crosses Your Path Unlucky Astrology Hindu Religion

કાળી બિલાડી રસ્તો કાપે તો કેમ કહેવાય છે અશુભ? : શું ખરેખર આની પાછળ કોઈ સચોટ કારણ છેકે, ખાલી એમ જ બદનામ છે કાળી બિલાડી?

કાળી બિલાડી રસ્તો કાપે તો કેમ કહેવાય છે અશુભ?
Published by: OBS Bureau
Last Updated: Mar 23, 2026, 05:31 AM IST

Black Cat Astrology: ઘણીવાર તમે જોયું હશે કે આપણે કોઈ કામથી બહાર જઈ રહ્યાં હોઈએ અને અચાનક બિલાડી આપણો રસ્તો કાપીને જતી હોય છે. જ્યારે પણ આવું જાય ત્યારે તમે એક બાબત માર્ક કરજો તમારી આસપાસના દરેક વાહનો અને રાહદારીઓ ત્યાં ઉભા રહી જતા હોય છે. અને એકબીજાનો ચહેરો જોઈ રહેતા હોય છે. એવી રાહ જોતા હોય છેકે, બિલાડીએ જે રસ્તો કાપ્યો છે તેના પરથી હવે સૌથી પહેલાં કોણ પસાર થાય.

વર્ષોથી આપણે ત્યાં મોટા ભાગના લોકો બિલાડીના રસ્તો ઓળંગવાને ભવિષ્ય માટે કોઈ ખરાબ ઘટનાનો સંકેત માને છે. એવું કહેવાય છે કે જો કોઈ શુભ કાર્ય અથવા યાત્રા માટે ઘરની બહાર નીકળતી વખતે બિલાડી રસ્તો ઓળંગી જાય તો તેને સફળતા મળવી મુશ્કેલ છે. અને એમાંય જો જે બિલાડીએ તમારો રસ્તો કાપ્યો છે એનો રંગ કાળો હોય તો પછી તો આવી જ બન્યું સમજો. પરંતુ શું ખરેખર કાળી બિલાડી સાથે તમારા નસીબ અને સમયને કંઈ લેવાદેવા છે કે પછી બિલાડી બિચારી એમ જ બદનામ થઈ રહી છે એ પણ જાણીએ આ આર્ટિકલમાં.

જ્યારે રસ્તાની વચ્ચે બિલાડી આવે છે ત્યારે આપણામાંથી ઘણાના મનમાં વિચિત્ર વિચારો આવતા હશે. બિલાડી રસ્તો ઓળંગી જાય, કારણ વગર રડી રહી હોય, બિલાડી ઘરની આસપાસ મારી જાય. આવી ઘણી બાબતોને આપણા દેશમાં ખરાબ શુકન તરીકે જોવામાં આવે છે. ભારતમાં કાળી બિલાડી સાથે જોડાયેલી અનેક માન્યતાઓ વર્ષોથી ચાલી આવી છે. ખાસ કરીને જ્યારે કોઈ વ્યક્તિ શુભ કાર્ય કે યાત્રા માટે ઘરેથી નીકળે અને તે સમયે બિલાડી રસ્તો કાપી જાય, ત્યારે તેને અશુભ માનવામાં આવે છે. આ કારણે ઘણા લોકો થોડીવાર રોકાઈ જાય છે અથવા પોતાની યાત્રા અટકાવી દે છે. પરંતુ આ માન્યતાઓ પાછળનો આધાર મુખ્યત્વે પરંપરા અને જ્યોતિષ છે.

જ્યોતિષ મુજબ બિલાડી અને રાહુનો સંબંધઃ

જ્યોતિષ શાસ્ત્રમાં બિલાડીને રાહુ ગ્રહ સાથે જોડવામાં આવે છે. રાહુને છાયા ગ્રહ માનવામાં આવે છે અને તેનો સ્વભાવ અસ્થિર તથા રાક્ષસી ગણવામાં આવે છે. માન્યતા મુજબ રાહુના પ્રભાવથી જીવનમાં અવરોધ, ગેરસમજ અને અચાનક સમસ્યાઓ આવી શકે છે. તેથી બિલાડી રસ્તો કાપે તેને રાહુના અશુભ સંકેત તરીકે જોવામાં આવે છે.

બિલાડી રસ્તો કાપે ત્યારે શું માનવામાં આવે છે?

લોકવાયકા, ધાર્મિક અને જ્યોતિષ માન્યતાઓ મુજબ જો બિલાડી રસ્તો કાપે તો તે કાર્યમાં વિઘ્ન અથવા નિષ્ફળતાનો સંકેત હોઈ શકે છે. ખાસ કરીને જો બિલાડી ડાબેથી જમણે તરફ જાય તો તેને વધુ અશુભ માનવામાં આવે છે. કેટલાક લોકો એવું પણ માને છે કે આ ઘટના દુર્ઘટનાનો સંકેત આપી શકે છે, કારણ કે રાહુને અચાનક ઘટનાઓ અને અકસ્માત સાથે જોડવામાં આવે છે.

ઘરમાં બિલાડી સાથે જોડાયેલી માન્યતાઓઃ

બિલાડી વિશેની માન્યતાઓ માત્ર રસ્તા સુધી મર્યાદિત નથી. ઘણી જગ્યાએ માનવામાં આવે છે કે જો કાળી બિલાડી ઘરમાં પ્રવેશ કરે તો તે નકારાત્મક ઊર્જા લાવે છે. જો ઘરની દક્ષિણ દિશામાં બિલાડી રડે તો તેને અશુભ સંકેત તરીકે જોવામાં આવે છે. ઉપરાંત, બિલાડીઓ લડે અથવા સતત રડે તો તેને આર્થિક નુકસાન અથવા દુર્ઘટનાના સંકેત તરીકે પણ સમજવામાં આવે છે.

સકારાત્મક માન્યતાઓ:

આશ્ચર્યજનક રીતે, કેટલીક માન્યતાઓ સકારાત્મક પણ છે. ઉદાહરણ તરીકે, દિવાળીની રાત્રે જો બિલાડી ઘરમાં આવે તો તેને દેવી લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે. આને ધનપ્રાપ્તિ અને સમૃદ્ધિનો સંકેત માનવામાં આવે છે. એટલે દરેક પરિસ્થિતિમાં બિલાડી અશુભ જ હોય એવું નથી.

હકીકત શું કહે છે?

આ તમામ માન્યતાઓનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. બિલાડી રસ્તો કાપે તે માત્ર એક સામાન્ય પ્રાણીનું વર્તન છે અને તેનો આપણા ભાગ્ય અથવા ભવિષ્ય સાથે સીધો કોઈ સંબંધ નથી. ઘણીવાર આ માન્યતાઓ આપણા મનમાં રહેલા ભય અને પરંપરાગત વિચારોના કારણે જીવંત રહે છે.

કાળી બિલાડી રસ્તો કાપે તે બાબતને અંધશ્રદ્ધા તરીકે જોવી વધુ યોગ્ય છે. વિશ્વાસ રાખવો કે નહીં તે વ્યક્તિગત બાબત છે, પરંતુ દરેક ઘટનાને તર્ક અને સમજ સાથે જોવી જરૂરી છે. ભયને બદલે સમજણ અપનાવવાથી જીવન વધુ સરળ બની શકે છે.

Disclaimer ( અસ્વીકરણ ) : અહીં આપેલી માહિતી સામાન્ય માન્યતાઓ, જ્યોતિષ, કેલેન્ડર, ધાર્મિક ગ્રંથો વગેરે પર આધારિત છે. અહીં આપેલી માહિતી અને તથ્યોની ચોકસાઈ અથવા સંપૂર્ણતા માટે Offbeat Stories જવાબદાર નથી.
joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now