SBI Bank Strike: જો તમારે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) માં કોઈ પણ પ્રકારનું જરૂરી કામ હોય, તો આજે એટલે કે 22 મે, શુક્રવારનો દિવસ તમારા માટે ખૂબ જ મહત્વનો છે. દેશની સૌથી મોટી સરકારી બેંકના ગ્રાહકો માટે આવનારા દિવસોમાં મુશ્કેલીઓ વધી શકે છે, કારણ કે આગામી 23 મે થી 28 મે સુધી બેંકની શાખાઓ સતત 6 દિવસ સુધી બંધ રહી શકે છે. આ લાંબા વિરામનું મુખ્ય કારણ વીકએન્ડની રજાઓ, બેંક કર્મચારીઓની પ્રસ્તાવિત બે દિવસની હડતાળ અને બકરી ઈદ (ઈદ-ઉલ-અઝહા) નિમિત્તે જાહેર કરાયેલી રજાઓ છે. આ છ દિવસ દરમિયાન બેંકિંગ કામકાજ ખોરવાઈ જવાની સંપૂર્ણ સંભાવના છે, જેની સીધી અસર ચેક ક્લિયરિંગ, રોકડ વ્યવહાર અને અન્ય શાખા-આધારિત કામો પર પડશે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) ના રજાઓના કેલેન્ડર અને બેંક કર્મચારી સંગઠનોના એલાનને જોતા ગ્રાહકોએ અત્યારથી જ પોતાના નાણાકીય આયોજનમાં ફેરફાર કરી લેવા જોઈએ.
શા માટે 6 દિવસ બંધ રહેશે બેંક?
બેંકિંગ કામકાજ પ્રભાવિત થવા પાછળના મુખ્ય કારણો નીચે મુજબ છે:
વીકએન્ડ રજાઓ: 23 મે (ચોથો શનિવાર) અને 24 મે (રવિવાર) ના કારણે બેંકો બંધ રહેશે.
કર્મચારીઓની હડતાળ: ઓલ ઇન્ડિયા સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા સ્ટાફ ફેડરેશન દ્વારા 25 અને 26 મે (સોમવાર અને મંગળવાર) ના રોજ દેશવ્યાપી હડતાળનું એલાન આપવામાં આવ્યું છે.
બકરી ઈદની રજા: આરબીઆઈના આદેશાનુસાર, 27 અને 28 મેના રોજ અલગ-અલગ રાજ્યોમાં બકરી ઈદની રજા રહેશે. જમ્મુ-કાશ્મીરમાં બંને દિવસે બેંકો બંધ રહેશે.
આ પણ વાંચો: NEET બાદ હવે RE-NEET કૌભાંડ?: કોણ છે આ 'રાઘવ સર'? જે ₹10 લાખમાં પેપર વેચીને કરોડો ઉઘરાવી રહ્યો છે!
કર્મચારીઓ કેમ ઉતર્યા હડતાળ પર?
AISBISF દ્વારા કુલ 16 મુખ્ય માંગણીઓ સાથે આ હડતાળનું આયોજન કરવામાં આવ્યું છે. કર્મચારીઓનું માનવું છે કે બેંકમાં કામનું ભારણ ખૂબ વધી ગયું છે અને સ્ટાફની અછતને કારણે કામગીરી મુશ્કેલ બની છે. તેમની મુખ્ય માંગણીઓમાં મેસેન્જર્સ અને સશસ્ત્ર ગાર્ડ્સની નવી ભરતી, આઉટસોર્સિંગ પર રોક, એનપીએસ (NPS) માં પેન્શન ફંડ મેનેજર પસંદ કરવાની સ્વતંત્રતા અને કર્મચારીઓના પ્રમોશન માટેની નીતિઓમાં સુધારો જેવી બાબતોનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત, કર્મચારીઓએ મેડિકલ સ્કીમમાં સુધારો, નિવૃત્ત કર્મચારીઓને પેન્શનના લાભ અને ક્રોસ-સેલિંગના નામે તેમના પર વધતા દબાણને પણ મુદ્દો બનાવ્યો છે. 'વર્કમેન કેટેગરી'ના કર્મચારીઓની આ હડતાળને કારણે કેશ કાઉન્ટર, પાસબુક અપડેટ અને ચેક ક્લિયરિંગ જેવી સેવાઓ પર ગંભીર અસર પડી શકે છે.
ગ્રાહકો માટે સલાહ
જોકે શાખાઓ બંધ રહેશે, પરંતુ ગ્રાહકોને મુશ્કેલી ન પડે તે માટે બેંકિંગ સેવાઓ ડિજિટલ માધ્યમથી ચાલુ રહેશે:
UPI અને મોબાઈલ બેંકિંગ: ગ્રાહકો YONO SBI એપ અને અન્ય ડિજિટલ પ્લેટફોર્મનો ઉપયોગ કરીને નાણાકીય વ્યવહાર કરી શકશે.
ATM સેવા: એટીએમ મશીનોમાં રોકડની ઉપલબ્ધતા સામાન્ય રહેવાની અપેક્ષા છે.
નેટ બેંકિંગ: ઓનલાઇન ફંડ ટ્રાન્સફરની સુવિધાઓ રાબેતા મુજબ ચાલુ રહેશે.
ગ્રાહકોને વિનંતી છે કે જે પણ કામ રૂબરૂ શાખામાં જઈને કરવાનું હોય, તે આજે જ પતાવી લેવું હિતાવહ છે જેથી કરીને રજાઓના ગાળામાં કોઈ તકલીફ ન પડે.






