Sarah Taylor : ક્રિકેટ જગતમાં અત્યાર સુધી આપણે પુરુષ કોચને મહિલા ટીમોને તાલીમ આપતા જોયા છે, પરંતુ હવે આ પરંપરા બદલાઈ રહી છે. ઈંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડ (ECB) એ એક ક્રાંતિકારી અને સાહસિક નિર્ણય લીધો છે. ઇંગ્લેન્ડની પૂર્વ મહિલા ક્રિકેટર સારા ટેલરની નિમણૂક સિનિયર મેન્સ ટેસ્ટ ટીમમાં ફિલ્ડિંગ કોચ તરીકે કરવામાં આવી છે. આ નિર્ણય માત્ર ઇંગ્લેન્ડ માટે જ નહીં, પણ સમગ્ર વિશ્વના ક્રિકેટ ઇતિહાસ માટે એક સીમાચિહ્નરૂપ ઘટના ગણાય છે. ન્યૂઝીલેન્ડ સામેની આગામી હાઈ-પ્રોફાઇલ ટેસ્ટ સિરીઝમાં સારા ટેલર ઇંગ્લેન્ડના સ્ટાર ખેલાડીઓને ફિલ્ડિંગની ટીપ્સ આપતી જોવા મળશે.
ECB નો ઐતિહાસિક નિર્ણય
ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડના નિર્દેશક એ બુધવારે સત્તાવાર પ્રેસ કોન્ફરન્સમાં આ જાહેરાત કરી હતી. સારા ટેલરની નિમણૂક અચાનક નથી થઈ, પરંતુ તેની પાછળ તેનો વર્ષોનો અનુભવ અને કોચિંગ સ્તરે આપેલી સફળતા જવાબદાર છે. 37 વર્ષની આ દિગ્ગજ ખેલાડીએ ભૂતકાળમાં એન્ડ્ર્યુ ફ્લિંટોફની દેખરેખ હેઠળ ઈંગ્લેન્ડ લાયંસ (ઈંગ્લેન્ડ 'A') ટીમ સાથે પણ ખૂબ જ મહેનત કરી છે. તેની આ જ મહેનત અને ટેકનિકલ સમજને જોઈને બોર્ડે તેને સિનિયર ટીમના સપોર્ટ સ્ટાફમાં સ્થાન આપવાનું નક્કી કર્યું છે. આ નિર્ણયથી સ્પષ્ટ થાય છે કે આધુનિક ક્રિકેટમાં હવે ક્ષમતાને જેન્ડર કરતા વધુ મહત્વ આપવામાં આવે છે.
અનુભવનું વિશાળ ભાથું
સારા ટેલરનું નામ મહિલા ક્રિકેટમાં અત્યંત આદર સાથે લેવામાં આવે છે. તેને ઈંગ્લેન્ડ માટે ત્રણેય ફોર્મેટમાં કુલ 226 આંતરરાષ્ટ્રીય મેચો રમી છે અને અનેક રેકોર્ડ્સ પોતાના નામે કર્યા છે. કોચિંગની વાત કરીએ તો, સારા ટેલર આ પહેલા સસેક્સની મેન્સ ટીમ સાથે કામ કરી ચુકી છે અને 'ધ હન્ડ્રેડ' ટૂર્નામેન્ટમાં માન્ચેસ્ટર ઓરિજિનલ્સ ટીમ સાથે પણ જોડાયેલી હતી. ફિલ્ડિંગ અને વિકેટકીપિંગની ટેકનિકમાં તેની પકડ એટલી મજબૂત છે કે તે વિશ્વના કોઈપણ પુરુષ ખેલાડીને પડકાર આપી શકે છે. તેનો આ બહોળો અનુભવ હવે બેન સ્ટોક્સની આગેવાની હેઠળની ટેસ્ટ ટીમને મેદાન પર વધુ ચપળ બનાવશે.
નિષ્ણાતોના મતે શ્રેષ્ઠ પસંદગી
ECB ના અધિકારીઓએ આ નિમણૂક અંગે પોતાનો ઉત્સાહ વ્યક્ત કર્યો હતો. બોર્ડના મતે, સારા ટેલર માત્ર એક કોચ નથી, પણ તે પોતાના કામમાં 'માસ્ટર' છે. તે વર્તમાન સમયના ફિલ્ડિંગ કોચ કાર્લ હોપકિંસનની જગ્યા લેશે. હોપકિંસન હાલમાં IPL માં મુંબઈ ઇન્ડિયન્સ ફ્રેન્ચાઈઝી સાથે જોડાયેલા હોવાથી આ સમયગાળા દરમિયાન ઉપલબ્ધ નહોતા. બોર્ડે જણાવ્યું કે, તેઓ ભવિષ્યમાં પણ સારાની સેવાઓ લેતા રહેશે કારણ કે એન્ડ્ર્યુ ફ્લિંટોફ અને એડ બર્ની જેવા દિગ્ગજોએ પણ સારાના કોચિંગના ભારોભાર વખાણ કર્યા છે. તેની કામ કરવાની શૈલી ખેલાડીઓમાં નવો આત્મવિશ્વાસ જગાડે તેવી છે.
મહિલા ક્રિકેટની એક મોટી જીત
સારા ટેલરની આ નવી ભૂમિકા મહિલા ક્રિકેટના વિકાસ માટે એક સુવર્ણ તક સમાન છે. ટેલર જ્યારે રમતી હતી ત્યારે તેની વિકેટકીપિંગમાં વીજળી જેવી ગતિ હતી, અને તેની બેટિંગ આક્રમક હતી. હવે તે જ ગતિ અને આક્રમકતા તે પુરુષ ટીમના ફિલ્ડિંગ યુનિટમાં લાવવા માંગશે. આ સિદ્ધિ એ વાતની સાબિતી છે કે જો તમારામાં હુનર હોય, તો તમે ગમે તે સ્તરે સફળ થઈ શકો છો. આગામી સિરીઝમાં જ્યારે તે મેદાન પર મેન્સ ટીમને ટ્રેનિંગ આપશે, ત્યારે તે વિશ્વભરની કરોડો યુવતીઓ માટે પ્રેરણા સ્ત્રોત બનશે.





