Abhishek Sharma on Sanju samson: T20 વર્લ્ડ કપ નજીક આવી રહ્યો છે અને ટીમ ઈન્ડિયાની તૈયારીઓ હવે નિર્ણાયક તબક્કામાં છે. વર્લ્ડ કપ પહેલા ભારત પાસે ફક્ત સાત T20 મેચ બાકી છે, પરંતુ ટીમ મેનેજમેન્ટ અને ખેલાડીઓના ફોર્મને લઈને ઘણા પ્રશ્નો હજુ ઉકેલાયેલા નથી. ખાસ કરીને કેપ્ટન સૂર્યકુમાર યાદવ અને ઉપ-કેપ્ટન શુભમન ગિલના નબળા ફોર્મને લઈને ક્રિકેટ ચાહકો અને નિષ્ણાતોમાં ચિંતા વધી રહી છે. આ વર્ષે સૂર્યકુમાર યાદવે 19 T20 મેચોમાં ફક્ત 201 રન બનાવ્યા છે અને એકપણ અડધી સદી નોંધાવી નથી. બીજી તરફ શુભમન ગિલે 14 મેચોમાં માત્ર 263 રન બનાવ્યા છે, જેમાં કોઈ ફિફ્ટી નથી. આવા આંકડાઓ છતાં ટીમ મેનેજમેન્ટ બંને પર વિશ્વાસ રાખી રહ્યું છે, અને આ વિશ્વાસને વધુ મજબૂતી મળી છે અભિષેક શર્માના તાજેતરના નિવેદનથી.
શું કહ્યું અભિષેક શર્માએ ?
ધર્મશાલામાં ભારતની જીત બાદ અભિષેક શર્માએ ખુલ્લેઆમ સૂર્યકુમાર અને શુભમન ગિલના સમર્થનમાં વાત કરી. તેણે કહ્યું કે “ફોર્મ ક્ષણિક છે, પરંતુ ક્લાસ કાયમી હોય છે.” અભિષેકે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે આ બંને ખેલાડીઓ T20 વર્લ્ડ કપમાં ભારત માટે મેચ વિનિંગ પર્ફોર્મ કરશે. ખાસ કરીને શુભમન ગિલ વિશે વાત કરતા તેણે કહ્યું કે તે ગિલ સાથે વર્ષોથી ક્રિકેટ રમ્યો છે અને તેની ક્ષમતાઓથી સારી રીતે પરિચિત છે. અભિષેકે કહ્યું, “મારા પર વિશ્વાસ કરો, સૂર્ય અને ગિલ બંને આવનારી શ્રેણી અને T20 વર્લ્ડ કપમાં આપણને મેચ જીતાડશે. મેં ગિલને કોઈપણ વિરોધ સામે અને કોઈપણ પરિસ્થિતિમાં નિયંત્રણ મેળવતા જોયો છે.” આ નિવેદન પરથી સ્પષ્ટ થાય છે કે ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ અને મેનેજમેન્ટ હજુ પણ ગિલ પર પૂરો વિશ્વાસ ધરાવે છે.
કોચ ગૌતમ ગંભીર પણ ગિલના સમર્થનમાં
આ પરિસ્થિતિમાં સંજુ સેમસન માટે ચિંતા વધી ગઈ છે. સંજુ લાંબા સમયથી ટીમમાં તકની રાહ જોઈ રહ્યો છે અને જ્યારે પણ તેને મોકો મળ્યો છે ત્યારે તેણે સારું પ્રદર્શન કર્યું છે. તેમ છતાં, જો ટીમ મેનેજમેન્ટ શુભમન ગિલને જ વધુ તકો આપતી રહેશે, તો સંજુ સેમસનને T20 વર્લ્ડ કપમાં બેન્ચ પર બેસવું પડી શકે છે અથવા ટીમમાંથી બહાર રહેવાનો ખતરો પણ છે. કોચ ગૌતમ ગંભીર પણ ગિલના સમર્થનમાં હોવાનું માનવામાં આવે છે. તેથી, આવનારી મેચો સંજુ માટે અત્યંત મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. હવે જોવાનું રહ્યું કે પસંદગીકારો અનુભવ અને વિશ્વાસને મહત્વ આપે છે કે હાલના ફોર્મને આધારે મોટા નિર્ણયો લે છે.





















