Home Entertainment Sanjay Dutt Khalnayak Returns Teaser Release Ballu Is Back Scary Look

‘ખલનાયક રિટર્ન્સ’ : 33 વર્ષ બાદ ફરી ગુંજશે ‘બલ્લુ’નો ખૌફ, લોહીથી લથપથ ચહેરા સાથે સંજય દત્તનો ભયાનક લુક વાયરલ

Khalnayak Returns Teaser Sanjay Dutt Ballu
Published by: Nirali Gohil
Last Updated: Apr 25, 2026, 10:30 AM IST

Khalnayak Returns Teaser: બોલિવૂડના ઇતિહાસમાં જે પાત્રએ સંજય દત્તને સાચા અર્થમાં ‘ખલનાયક’ બનાવ્યો હતો, તે ‘બલ્લુ’ ફરી એકવાર મોટા પડદા પર ધાક જમાવવા તૈયાર છે. 1993ની આઇકોનિક ફિલ્મ ‘ખલનાયક’ની સિક્વલ ‘ખલનાયક રિટર્ન્સ’ની સત્તાવાર જાહેરાત કરીને સંજય દત્તે સિનેપ્રેમીઓને ચોંકાવી દીધા છે. તાજેતરમાં રિલીઝ થયેલા એક મિનિટના ટીઝરે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી છે, જેમાં સંજય દત્તનો લુક પહેલા કરતા પણ વધુ ક્રૂર અને દિલધડક જોવા મળી રહ્યો છે. આ ફિલ્મ માત્ર એક સિક્વલ નથી, પરંતુ ચાહકો માટે 33 વર્ષની લાંબી પ્રતિક્ષાનો અંત છે. ટીઝરમાં સંજય દત્તનો ભયાનક અવતાર જોઈને જૂના ‘બલ્લુ’ની યાદો તાજી થઈ ગઈ છે. સંજય દત્ત અત્યારે પોતાની કારકિર્દીના બીજા સૌથી સફળ તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે, ત્યારે ‘ખલનાયક રિટર્ન્સ’ બોક્સ ઓફિસ પર નવા રેકોર્ડ સ્થાપશે તેવી પૂરેપૂરી શક્યતા છે.

ટીઝર અપડેટ: "બલ્લુ જેલ સે ફુર્ર..."

ટીઝરની શરૂઆત જ અત્યંત ડાર્ક અને રહસ્યમય માહોલથી થાય છે. આસપાસ આગની લપેટો અને લાશોના ઢગલા વચ્ચે લાંબા વાળ અને લોહીથી લથપથ ચહેરા સાથે સંજય દત્તની એન્ટ્રી થાય છે. ટીઝરમાં એક દ્રશ્ય છે જ્યાં સામેનો વ્યક્તિ જીવની ભીખ માંગે છે અને સંજય દત્ત પોતાની આઇકોનિક સ્ટાઇલમાં સિગાર સળગાવીને ડાયલોગ બોલે છે - “બોલા થા ના? 10 ઓક્ટોબર રાત કો 10 બજે, બલ્લુ જેલ સે ફુર્ર...”. અંતમાં બેકગ્રાઉન્ડમાં વાગતું ‘નાયક નહીં ખલનાયક હૂં મેં’ ગીત ફેન્સના રુંવાટા ઉભા કરી દે છે.

જેલના 4,000 કેદીઓએ લખી આ ફિલ્મની વાર્તા!

ફિલ્મની જાહેરાત પ્રસંગે સંજય દત્તે એક ચોંકાવનારો ખુલાસો કર્યો હતો. તેણે જણાવ્યું કે, ‘ખલનાયક રિટર્ન્સ’ બનાવવાનો વિચાર તેને તેના જેલવાસ દરમિયાન આવ્યો હતો. સંજયે કહ્યું, "મેં જેલમાં 4,000 કેદીઓને પૂછ્યું હતું કે, શું તેઓ બલ્લુને ફરી જોવા માંગે છે? બધાએ હા પાડી. મેં તેમને એક-એક પાનું લખવા કહ્યું અને તે 4,000 પાના વાંચ્યા પછી મેં સુભાષ ઘાઈ સાથે આ ફિલ્મ વિશે વાત કરી હતી." એટલે કે આ ફિલ્મની વાર્તામાં ક્યાંક ને ક્યાંક વાસ્તવિક ગુનેગારોના વિચારોનો પણ અંશ છે.

આ પણ વાંચો: 'KD: The Devil' ફરી વિવાદમાં! : ટ્રેલર YouTube પરથી હટાવાયું, રિલીઝ પહેલાં જ બીજો ઝટકો!

ઇવેન્ટમાં ભાવુક થયા સંજય દત્ત અને માન્યતા

ટીઝર લોન્ચિંગ ઇવેન્ટ દરમિયાન ભાવુક દ્રશ્યો જોવા મળ્યા હતા. સંજયની પત્ની માન્યતા દત્ત સંજયના સંઘર્ષ અને આ પાત્ર પ્રત્યેના તેના સમર્પણ વિશે વાત કરતી વખતે રડી પડી હતી. માન્યતાએ કહ્યું કે, એક કલાકાર તરીકે સંજય આ ક્ષણની વર્ષોથી રાહ જોતો હતો. માન્યતાને આંસુ સારતી જોઈને સંજય દત્ત પણ પોતાની જાતને રોકી શક્યો નહોતો અને તેની આંખોમાં પણ ભીનાશ જોવા મળી હતી.

આદિત્ય ધર અને જિયો સ્ટુડિયોઝનું કનેક્શન

આ ફિલ્મ જિયો સ્ટુડિયોઝ દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી રહી છે. હાલમાં ચાહકોની એવી પ્રબળ માંગ છે કે ‘ધુરંધર’ જેવી હિટ ફિલ્મો આપનાર ડાયરેક્ટર આદિત્ય ધર જ ‘ખલનાયક રિટર્ન્સ’નું નિર્દેશન કરે. સોશિયલ મીડિયા પર ‘બલ્લુ ઈઝ બેક’ ટ્રેન્ડ થઈ રહ્યું છે. હવે જોવાનું એ રહેશે કે શું 1993ની ઓરિજિનલ સ્ટારકાસ્ટ જેકી શ્રોફ અને માધુરી દીક્ષિત પણ આ સિક્વલમાં જોવા મળશે કે નહીં.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now