અમદાવાદ જિલ્લાના ઔદ્યોગિક હબ ગણાતા સાણંદ વિસ્તારમાં ફરી એકવાર આગની મોટી દુર્ઘટના સામે આવી છે. સાણંદ-વિરમગામ હાઈવે પર આવેલા છારોડી ગામ પાસે એક ગોડાઉનમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા સમગ્ર પંથકમાં ભય અને અફરાતફરીનો માહોલ સર્જાયો છે. આગ એટલી વિકરાળ છે કે તેના ધુમાડાના કાળા ગોટેગોટા 5 થી 7 કિલોમીટર દૂરથી પણ સ્પષ્ટ જોઈ શકાતા હતા. ઘટનાની જાણ થતા જ સ્થાનિક તંત્ર અને ફાયર બ્રિગેડનો કાફલો ઘટનાસ્થળે રવાના થઈ ગયો છે.
સ્ક્રેપના ગોડાઉનમાં આગનો તાંડવ
મળતી વિગતો અનુસાર, છારોડી ગામની સીમમાં કિલક્ષર બ્રધર્સ કંપનીની બિલકુલ બાજુમાં આવેલ એક સ્ક્રેપના ગોડાઉનમાં આ અકસ્માત સર્જાયો હતો. સવારના સમયે જ્યારે કામગીરી ધમધમી રહી હતી ત્યારે અચાનક જ ગોડાઉનના એક ખૂણેથી ધુમાડો નીકળવાનો શરૂ થયો હતો. જોતજોતામાં આગે એટલું રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું કે આખું ગોડાઉન લપેટમાં આવી ગયું.
ગોડાઉનમાં પ્લાસ્ટિક, લાકડું અને અન્ય જ્વલનશીલ ભંગાર (સ્ક્રેપ) હોવાને કારણે આગ ખૂબ જ ઝડપથી ફેલાઈ હતી. આગની જ્વાળાઓ ઊંચે ઉઠતા જોઈને આસપાસની ફેક્ટરીઓમાં કામ કરતા મજૂરો અને કર્મચારીઓમાં નાસભાગ મચી ગઈ હતી. સુરક્ષાના કારણોસર આસપાસના એકમોમાં પણ વીજ પુરવઠો તાત્કાલિક અસરથી બંધ કરી દેવામાં આવ્યો હતો.
ફાયર ફાઈટરોનો મોરચો: યુદ્ધના ધોરણે કામગીરી
આગની ગંભીરતાને જોતા સ્થાનિકોએ તાત્કાલિક સાણંદ ફાયર સ્ટેશન અને જીઆઈડીસી વિભાગને જાણ કરી હતી. ઘટનાસ્થળે સૌ પ્રથમ સાણંદ નગરપાલિકાની બે ગાડીઓ પહોંચી હતી, પરંતુ આગ કાબૂ બહાર જતી જણાતા સાણંદ GIDC એસોસિએશનની વધુ ટીમોને બોલાવવાની ફરજ પડી હતી. હાલમાં કુલ 5 થી વધુ ફાયર ફાઈટરની ગાડીઓ અને વોટર ટેન્કરો દ્વારા સતત પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે.
આ પણ વાંચો: Lucknow માં ભીષણ આગનો કહેર : 250થી વધુ ઝૂંપડાઓ ખાખ, સિલિન્ડર વિસ્ફોટોથી આખું શહેર ધ્રુજ્યું
આગનું કારણ અકબંધ
હાલના તબક્કે આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. જોકે, પ્રાથમિક દ્રષ્ટિએ શોર્ટ સર્કિટ હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે. ગોડાઉનમાં મોટા પ્રમાણમાં ભંગાર અને પેકેજિંગ મટીરીયલ હોવાથી લાખો રૂપિયાનો સામાન બળીને ખાખ થઈ ગયો હોવાની આશંકા છે. સદનસીબે, આગ લાગી ત્યારે ગોડાઉનમાં હાજર તમામ શ્રમિકો સમયસર બહાર નીકળી જવામાં સફળ રહ્યા હતા, જેથી કોઈ મોટી જાનહાનિના સમાચાર નથી.






