આંતરરાષ્ટ્રીય જળસીમામાં ચાલી રહેલા સંઘર્ષમાં ગુજરાતના ખલાસીઓ ભોગ બન્યા છે.
મધ્ય પૂર્વમાં અમેરિકા અને ઈરાન વચ્ચે વધતા તણાવની સીધી અસર હવે ગુજરાતના માલવાહક જહાજો પર જોવા મળી રહી છે. તાજેતરમાં હોર્મુઝ સ્ટ્રેટ (Strait of Hormuz) માં અમેરિકન નેવી અને ઈરાની દળો વચ્ચે થયેલા ભીષણ ફાયરિંગની ઝપેટમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના સલાયાનું એક જહાજ આવી ગયું હતું. આ ઘટનામાં વહાણના એન્જિન ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા ગુજરાતી યુવાનનું મોત નીપજ્યું છે.
ઘટનાની વિગતો
મળતી માહિતી મુજબ, 'MSV અલ ફાયઝ નૂરે સુલેમાની-1' (Al Faize Noore Sulemani 1) નામનું લાકડાનું માલવાહક જહાજ દુબઈથી યમન તરફ જઈ રહ્યું હતું. આ જહાજમાં કુલ 18 ખલાસીઓ સવાર હતા. May 8 ના રોજ વહેલી સવારે જ્યારે આ વહાણ હોર્મુઝ સ્ટ્રેટ પસાર કરી રહ્યું હતું, ત્યારે ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા ક્રોસ ફાયરિંગનો શિકાર બન્યું હતું. ગોળીબારને કારણે વહાણને ભારે નુકસાન થયું હતું અને તે દરિયામાં ડૂબવા લાગ્યું હતું.
ખલાસીઓનું રેસ્ક્યુ અને જાનહાની
આ હુમલામાં સલાયાના વતની અલ્તાફ તાબલ કર (Altaf Talab Ker) નામના યુવાનને ગંભીર ઈજાઓ પહોંચતા તેનું કરુણ મોત નીપજ્યું હતું. જોકે, વહાણ પર સવાર અન્ય 17 ખલાસીઓએ દરિયામાં ઝંપલાવ્યું હતું. સદનસીબે નજીકથી પસાર થઈ રહેલા અન્ય એક ભારતીય વહાણ 'MSV પ્રેમ સાગર-1' એ સમયસૂચકતા વાપરી તમામ 17 સભ્યોને બચાવી લીધા હતા. બચાવેલા તમામ ખલાસીઓને દુબઈ પોર્ટ પર લઈ જવામાં આવ્યા છે.
પરિવારની માંગણી
સલાયામાં આ સમાચાર પહોંચતા જ શોકનું મોજું ફરી વળ્યું છે. ઇન્ડિયન સેલિંગ વેસલ્સ એસોસિએશને ભારત સરકારને વિનંતી કરી છે કે મૃતક અલ્તાફના પાર્થિવ દેહને વતન લાવવાની વ્યવસ્થા કરવામાં આવે અને બાકીના ખલાસીઓને સુરક્ષિત રીતે ભારત પરત લાવવામાં આવે. આ ઘટનાએ આંતરરાષ્ટ્રીય જળસીમામાં ભારતીય જહાજોની સુરક્ષા સામે મોટા સવાલો ઊભા કર્યા છે.





