ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે રવિવારે (16 ફેબ્રુઆરી, 2025)ના રોજ મસ્કતના ઓમાનના વિદેશ મંત્રી સાથે મુલાકાત કરી હતી જયશંકર આઠમા હિંદ મહાસાગર સંમેલનમાં ભાગ લેવા માટે ઓમાન પહોંચ્યા. જ્યાં મસ્કતમાં ઓમાનના વિદેશ મંત્રી બદ્ર અલબુસાઈદી સાથે વેપાર, રોકાણ અને ઊર્જા સુરક્ષામાં દ્વિપક્ષીય સહયોગ અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી.
એસ જયશંકરે કહ્યું કે, "આજે સવારે ઓમાનના વિદેશ મંત્રી બદ્ર અલબુસાઇદીને મળીને આનંદ થયો. હું આઠમા હિંદ મહાસાગર સંમેલનનું સફળતાપૂર્વક આયોજન કરવામાં તેમના વ્યક્તિગત પ્રયાસોની પ્રશંસા કરું છું. અમે વેપાર, રોકાણ અને ઊર્જામાં સહયોગ પર વ્યાપક ચર્ચા કરી હતી.
પુસ્તક વિમોચન
બંને નેતાઓએ રાજદ્વારી સંબંધોની સ્થાપનાની 70મી વર્ષગાંઠ નિમિત્તે સંયુક્ત રીતે લોગો બહાર પાડ્યો. તેમણે સંયુક્ત રીતે 'માંડવી ટુ મસ્કતઃ ઇન્ડિયન કમ્યુનિટી એન્ડ શેર્ડ હિસ્ટ્રી ઓફ ઇન્ડિયા એન્ડ ઓમાન "નામના પુસ્તકનું વિમોચન પણ કર્યું હતું.
હિંદ મહાસાગર સંમેલન
ઈન્ડિયન ઓશન કોન્ફરન્સનું આયોજન ઈન્ડિયા ફાઉન્ડેશન દ્વારા 16-17 ફેબ્રુઆરીએ ઓમાનની રાજધાની મસ્કતમાં કરવામાં આવ્યું. નેપાળના વિદેશ મંત્રી રાણા પણ બેઠકમાં ભાગ લેશે. આ સમારોહમાં 24થી વધુ દેશોના વિદેશ મંત્રીઓએ હાજરી આપી છે. માલદીવ્સના વિદેશ મંત્રી, સેશેલ્સના ગૃહ મંત્રી, યુએઈ અને કતારના મંત્રીઓ પણ આ કાર્યક્રમમાં ભાગ લઈ રહ્યા છે.
હિંદ મહાસાગર સંમેલન શું છે?
હિંદ મહાસાગર સંમેલન હિંદ મહાસાગરના દેશો માટે સુરક્ષા અને વિકાસ માટે પ્રાદેશિક સહકારની સંભાવનાઓ અંગે ચર્ચા કરવા માટેનું એક મુખ્ય મંચ છે. આ પ્રક્રિયા 2016માં શરૂ થઈ હતી. હિંદ મહાસાગર સંમેલનનો પ્રથમ કાર્યક્રમ 2016માં સિંગાપોરમાં અને પાંચમો કાર્યક્રમ 2021માં UAEમાં યોજાયો હતો.





