રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા શૈક્ષણિક વર્ષ 2026-27 માટે 'રાઈટ ટુ એજ્યુકેશન' (RTE) હેઠળ પ્રવેશ મેળવવા ઈચ્છતા વાલીઓ માટે એક મહત્વપૂર્ણ અને રાહતજનક નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા RTE હેઠળ ઓનલાઈન અરજી કરવાની સમયમર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે. હવે વાલીઓ આગામી 23 એપ્રિલ, 2026 સુધી ઓનલાઈન પોર્ટલ પર ફોર્મ ભરી શકશે. આ નિર્ણયને પગલે રાજ્યના હજારો પરિવારો, જેઓ ટેકનિકલ કારણો કે દસ્તાવેજોના અભાવે અરજી કરી શક્યા નહોતા, તેમને નવી આશા મળી છે.
RTE પ્રવેશ પ્રક્રિયામાં મુદત વધારાનું કારણ
RTE એક્ટ હેઠળ ખાનગી પ્રાથમિક શાળાઓમાં 25% બેઠકો આર્થિક રીતે નબળા અને વંચિત જૂથના બાળકો માટે અનામત રાખવામાં આવે છે. આ યોજના હેઠળ પ્રવેશ મેળવનાર બાળકોને ધોરણ 1 થી 8 સુધીનું શિક્ષણ વિનામૂલ્યે પૂરું પાડવામાં આવે છે.
આ વર્ષે અરજી પ્રક્રિયા શરૂ થતા જ સર્વર પર ભારે લોડ અને દસ્તાવેજો એકત્ર કરવામાં પડતી મુશ્કેલીઓને કારણે અનેક વાલીઓ તરફથી રજૂઆતો મળી હતી. વાલીઓની આ માગણીને ધ્યાનમાં રાખીને શિક્ષણ વિભાગે પ્રવેશ પ્રક્રિયાને વધુ સમાવેશી બનાવવા માટે તારીખ લંબાવવાનો નિર્ણય કર્યો છે. અગાઉની સમયમર્યાદા પૂર્ણ થવા આવી હતી ત્યારે જ આ જાહેરાત થતા વાલીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
અમદાવાદમાં 'કાંટે કી ટક્કર': બેઠકો ઓછી, અરજદારો વધુ
અમદાવાદમાં RTE પ્રવેશ માટેની સ્થિતિ અત્યંત સ્પર્ધાત્મક બની રહી છે. જો આંકડાકીય વિગતો પર નજર કરીએ તો:
કુલ ઉપલબ્ધ બેઠકો: 14,200 (અંદાજિત)
અત્યાર સુધી નોંધાયેલી અરજીઓ: 35,400 થી વધુ
ગયા વર્ષની સ્થિતિ: વર્ષ 2025 માં 14,852 બેઠકો સામે 36,800 ફોર્મ ભરાયા હતા.
આ વર્ષે હજુ મુદત લંબાવવામાં આવી હોવાથી, એવી પૂરેપૂરી શક્યતા છે કે કુલ ફોર્મનો આંકડો 45,000 ને પાર કરી જશે. આનો સીધો અર્થ એ છે કે દરેક એક બેઠક માટે સરેરાશ 3 થી 4 બાળકો વચ્ચે સ્પર્ધા રહેશે. વધતી જતી મોંઘવારી અને ખાનગી શાળાઓની તોતિંગ ફી વચ્ચે મધ્યમ અને ગરીબ વર્ગના વાલીઓ માટે RTE એકમાત્ર સહારો સાબિત થઈ રહ્યો છે.
આ પણ વાંચો: RTE એડમિશનમાં મોટો ફેરફાર : આંગણવાડી બાળકો પ્રાયોરિટીમાં પાછળ? જાણો નવા નિયમો
જિલ્લા શિક્ષણ અધિકારી (DEO) નું મહત્વનું માર્ગદર્શન
અમદાવાદ શહેરના જિલ્લા શિક્ષણ અધિકારી રોહિત ચૌધરીએ આ અંગે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, "મુદત લંબાવવાનો મુખ્ય ઉદેશ્ય કોઈ પણ લાયક બાળક શિક્ષણના અધિકારથી વંચિત ન રહી જાય તે છે. અમે જોયું છે કે અંતિમ દિવસોમાં સર્વર પર ભાર વધવાથી વાલીઓને મુશ્કેલી પડતી હોય છે, તેથી આ વધારાના દિવસોનો ઉપયોગ વાલીઓએ સાવચેતીપૂર્વક કરવો જોઈએ."





