Home Gujarat Rs 1 47 Crore Stolen In A Rickshaw In Ahmedabad Satellite

અમદાવાદના સેટેલાઇટમાં રિક્ષામાં આવીને 1.47 કરોડની ચોરી : બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચે બંને આરોપીઓને દબોચ્યા

અમદાવાદના સેટેલાઇટમાં રિક્ષામાં આવીને 1.47 કરોડની ચોરી
Published by: OBS Bureau
Last Updated: Jan 30, 2026, 12:48 PM IST

અમદાવાદ શહેરના સેટેલાઇટ વિસ્તારમાં આવેલી માણેકબાગ સોસાયટીમાં થયેલી કરોડોની ચોરીનો મામલો અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે સફળતાપૂર્વક ઉકેલી લીધો છે. મકરસંક્રાંતિના તહેવાર દરમિયાન ડોક્ટર અને તેમનો પરિવાર દુબઇ ફરવા ગયો હતો, ત્યારે 16 જાન્યુઆરીના રોજ તસ્કરોએ રહેણાંક મકાનને નિશાન બનાવી મોટી ચોરીને અંજામ આપ્યો હતો.

ચોરોએ ઘરમાં પ્રવેશ કરી સેફ લોકરમાંથી અંદાજિત 203.5 તોલા સોનાના દાગીના, રૂ.45 લાખ રોકડ તેમજ CCTV નું DVR ચોરી લીધું હતું. કુલ મળીને ચોરીનો મુદ્દામાલ રૂ.1.47 કરોડ જેટલો થતો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. જેમાં અંદાજિત રૂ.1.01 કરોડના સોના, ચાંદી અને ડાયમંડના કિંમતી દાગીનાનો સમાવેશ થાય છે. ચોરી કર્યા બાદ આરોપીઓ ઓળખ ન થાય તે માટે CCTV નું DVR પણ સાથે લઈ ગયા હતા.

આ ચોરીની ગંભીરતા જોતા તપાસ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવી હતી. ક્રાઈમ બ્રાન્ચે કેસ ઉકેલવા માટે 200 થી વધુ CCTV ફૂટેજ તપાસ્યા હતા. સાથે જ હ્યુમન ઇન્ટેલિજન્સ, ટેકનિકલ સર્વેલેન્સ અને મળેલી બાતમીના આધારે અંતે બંને આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા હતા.

પોલીસે કમલેશ ઉર્ફે ગૂગો પરમાર અને મેહુલ પરમાર નામના આરોપીઓની ધરપકડ કરી છે. તપાસમાં ખુલ્યું છે કે આરોપીઓ રિક્ષામાં આવીને ચોરી કરવા આવ્યા હતા અને ઘરમાં અંદાજિત એકથી દોઢ કલાક સુધી રહીને સુયોજિત રીતે ચોરી કરી હતી. ચોરીમાં લઈ ગયેલું CCTV DVR આરોપીઓએ બાદમાં નદીમાં ફેંકી દીધું હતું.

પોલીસ રેકોર્ડ મુજબ આરોપી કમલેશ પરમાર વિરુદ્ધ સેટેલાઇટ, સાબરમતી, પાલડી, વાડજ, નવરંગપુરા અને ચાંદખેડા વિસ્તારમાં અગાઉ પણ અનેક ગુનાઓ નોંધાયેલા છે. ક્રાઈમ બ્રાન્ચે ચોરીનો તમામ મુદ્દામાલ કબ્જે કરી લીધો હોવાનું જણાવાયું છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now