Home Gujarat Royal Satyamev Jayate Groups Show Of Strength Before Bca Elections In Vadodara

વડોદરામાં BCA ચૂંટણી પહેલા રોયલ સત્યમેવ જયતે ગ્રુપનું શક્તિ પ્રદર્શન : 'ક્રિકેટનો સ્તર કથળ્યો, IPLમાં પણ અવગણના...', દર્શન બેંકરનો આરોપ

વડોદરામાં BCA ચૂંટણી પહેલા રોયલ સત્યમેવ જયતે ગ્રુપનું શક્તિ પ્રદર્શન
Play Video
Published by: OBS Bureau
Last Updated: Feb 02, 2026, 09:43 AM IST

બરોડા ક્રિકેટ એસોસિએશન (BCA)ની આગામી 15 ફેબ્રુઆરીએ યોજાનારી ચૂંટણીને પગલે વડોદરામાં ક્રિકેટ રાજકારણ ગરમાયું છે. ચૂંટણી પૂર્વે રોયલ સત્યમેવ જયતે ગ્રુપ દ્વારા 1 ફેબ્રુઆરી, રવિવારે રાત્રે વડોદરાની સયાજી વિહાર ક્લબ ખાતે ભવ્ય શક્તિ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં રોયલ અને સત્યમેવ જયતે ગ્રુપના પ્રમુખ પદના ઉમેદવાર દર્શન બેંકર, રોયલ ગ્રુપના અગ્રણી તથા વડોદરાના મહારાજા સમરજિતસિંહ ગાયકવાડ, BCCIના પૂર્વ સેક્રેટરી સંજય પટેલ, અનંત ઇન્દુલકર, જતીન વકીલ સહિત અનેક અગ્રણીઓ અને BCAના મોટી સંખ્યામાં સભ્યો હાજર રહ્યા હતા.

BCA ચૂંટણી પહેલા રોયલ સત્યમેવ જયતે ગ્રુપનું શક્તિ પ્રદર્શન

કાર્યક્રમ દરમિયાન ઉમેદવારો અને સભ્યોએ છેલ્લા 10 વર્ષમાં વડોદરાના ક્રિકેટના સ્તરમાં થયેલા ઘટાડા અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે આક્ષેપ કર્યો હતો કે હાર્દિક પંડ્યા પછી વડોદરાથી કોઈ મોટો આંતરરાષ્ટ્રીય ક્રિકેટર બહાર આવ્યો નથી. સ્થાનિક પ્રતિભાશાળી ખેલાડીઓ ઝોનલ કે નેશનલ લેવલ સુધી પહોંચી શકતા નથી અને IPLમાં પણ વડોદરાના ખેલાડીઓની અવગણના થઈ રહી છે. સાથે જ હાલના રિવાઈવાલ ગ્રુપ સામે ક્રિકેટના વહીવટમાં નિષ્ફળતા, પારદર્શિતાના અભાવ અને યોગ્ય આયોજન ન હોવાના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા.

દર્શન બેંકરે શું કહ્યું?

પ્રમુખ પદના ઉમેદવાર દર્શન બેંકરે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, BCAના મેમ્બર્સ સાથેની આ તેમની પ્રથમ બેઠક હતી, જેમાં તેમણે બરોડા ક્રિકેટમાં કયા પ્રકારના બદલાવ લાવવા માંગે છે તે સ્પષ્ટ કર્યું. ટૂંકી સૂચનામાં મીટિંગ યોજાઈ હોવા છતાં સભ્યોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. તેમણે દુઃખ વ્યક્ત કરતાં કહ્યું હતું કે છેલ્લા 14 વર્ષથી બરોડાની ટીમ રણજી ટ્રોફીની ક્વાર્ટર ફાઈનલ સુધી પણ પહોંચી નથી, જે બરોડા જેવા ક્રિકેટ ઇતિહાસ ધરાવતા શહેર માટે ચિંતાજનક બાબત છે. ક્રિકેટના વહીવટમાં સંપૂર્ણ પારદર્શિતા લાવવી અને ભૂતપૂર્વ ક્રિકેટરોને નિર્ણય પ્રક્રિયામાં સામેલ કરવો તેમનો મુખ્ય હેતુ હોવાનું તેમણે જણાવ્યું.

સભ્યોની સુવિધાઓ અંગે પણ દર્શન બેંકરે આકરા શબ્દોમાં વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે આજના ડિજિટલ યુગમાં પણ BCAના મેમ્બર્સને મેચની ટિકિટ મેળવવા માટે કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવું પડે છે. સ્ટેડિયમમાં મેમ્બર્સને પ્લાસ્ટિકની ખુરશીઓ પર બેસાડવામાં આવે છે, જ્યારે નોન-મેમ્બર્સને બોક્સ જેવી સુવિધાઓ આપવામાં આવે છે. આ પ્રકારનો ભેદભાવ દૂર કરી સ્ટેડિયમની સુવિધાઓ, મેનેજમેન્ટ અને મેમ્બર્સના સન્માનમાં સુધારો લાવવાનો સંકલ્પ તેમણે વ્યક્ત કર્યો હતો.

'BCAની પ્રથમ સંપૂર્ણ ‘ઓપન ઇલેક્શન’ છે'

રોયલ સત્યમેવ જયતે ગ્રુપના અગ્રણી સમરજિતસિંહ ગાયકવાડે જણાવ્યું હતું કે લોઢા કમિટીની ભલામણો બાદ આ BCAની પ્રથમ સંપૂર્ણ ‘ઓપન ઇલેક્શન’ છે, જેમાં અનેક નવા ચહેરાઓ મેદાનમાં ઉતર્યા છે. આશરે 200 જેટલા સભ્યોની હાજરી સાથે યોજાયેલી આ શક્તિ પ્રદર્શન બેઠકથી સ્પષ્ટ થાય છે કે આવનારી BCA ચૂંટણીમાં રોયલ સત્યમેવ જયતે ગ્રુપનું અભિયાન પૂરજોશમાં ચાલી રહ્યું છે અને ચૂંટણીનો જંગ રસપ્રદ બનવાની શક્યતા છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now