Home Gujarat Robbery Incident On Station Road Dahod

દાહોદના સ્ટેશન રોડ પર ધોળે દિવસે લૂંટ : શેરડીનો રસ પીવામાં તલ્લીન ધારાસભ્યના એકાઉન્ટન્ટ લૂંટાયા

દાહોદના સ્ટેશન રોડ પર ધોળે દિવસે લૂંટ
Published by: OBS Bureau
Last Updated: Jan 30, 2026, 05:25 PM IST

દાહોદ શહેરના ટ્રાફિકથી ધમધમતા સ્ટેશન રોડ સ્થિત ચાર થાંભલા વિસ્તારમાં ચીલઝડપની ચોંકાવનારી ઘટના સામે આવી છે. શેરડીનો રસ પીવામાં મગ્ન આશ્રમશાળાના નિવૃત્ત ક્લાર્ક અને હાલ ધારાસભ્ય કનૈયાલાલ કિશોરીની મંડળીના એકાઉન્ટન્ટ તરીકે ફરજ બજાવતા વાઘજીભાઈ પરમારને ગઠિયાઓએ નિશાન બનાવી અંદાજે ₹2.75 લાખની ચીલઝડપ કરી ફરાર થઈ ગયા હતા. સમગ્ર ઘટના નજીકમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ જતા પોલીસ દ્વારા તપાસનો દોર તેજ કરવામાં આવ્યો છે.

મળતી માહિતી અનુસાર, વાઘજીભાઈ પરમારે મંડળીના કામકાજ માટે બેંક ઓફ બરોડામાંથી ચેક મારફતે ₹2.65 લાખ ઉપાડ્યા હતા તેમજ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના ATMમાંથી પણ કેટલીક રકમ કાઢી હતી. બાદમાં તેઓએ આ તમામ રકમ બાઈકની ડિક્કીમાં મૂકી સ્ટેશન રોડ પર ચાર થાંભલા નજીક શેરડીનો રસ પીવા માટે ઉભા રહ્યા હતા. તે દરમિયાન બાઈક પર આવેલા બે અજાણ્યા ગઠિયાઓએ તકનો લાભ લઈ બાઈકની ડિક્કી તોડી તેમાં રહેલી રોકડ રકમ ચોરી લીધી અને પળવારમાં ત્યાંથી નાસી છૂટ્યા હતા.

ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકોમાં ભારે ચકચાર મચી ગઈ હતી. પીડિતે પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને CCTV ફૂટેજના આધારે આરોપીઓનું પગેરું મેળવવાની કવાયત શરૂ કરી હતી. પ્રાથમિક તપાસમાં ગઠિયાઓએ પૂર્વ રેકી કરી હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે, કારણ કે તેઓ સીધા જ બાઈક સુધી પહોંચ્યા હતા અને ખૂબ જ ઝડપથી ઘટનાને અંજામ આપ્યો હતો.

પોલીસે આરોપીઓને ઝડપી પાડવા અલગ અલગ ટીમો બનાવી શહેરના વિવિધ વિસ્તારોમાં તપાસ હાથ ધરી છે તેમજ શહેરના પ્રવેશ માર્ગો પર પણ નજર રાખવામાં આવી રહી છે. ધોળા દિવસે બનેલી આ ઘટનાએ શહેરની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે પ્રશ્નો ઉભા કર્યા છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now