Navneet Baldhia Case : ભાવનગરમાં બગદાણા ધામના નવનીતભાઈ બાલધિયાને માર મારવાના મામલે હવે સમગ્ર કોળી સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ ઘટનાના વિરોધમાં સુરતનો કોળી સમાજ ખુલ્લેઆમ મેદાને ઉતર્યો છે. સુરતથી અંદાજે 100 ગાડીઓના વિશાળ કાફલા સાથે કોળી સમાજના આગેવાનો અને સમાજના લોકો ભાવનગર પહોંચ્યા હતા, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ભારે ચર્ચા અને ચકચાર સર્જાઈ હતી.
100 ગાડીઓના કાફલા ભાવનગર પહોંચ્યો
ભાવનગરની નારી ચોકડી ખાતે 100 ગાડીઓના કાફલા સાથે કોળી સમાજના આગેવાનો ચિરાગભાઈ ઝાલા, પિન્ટુભાઈ કોળી, શૈલેષભાઈ મેર તેમજ ઋષિ ભરતી બાપુ સહિત મોટી સંખ્યામાં સમાજના લોકો એકત્રિત થયા હતા. ત્યારબાદ નારી ચોકડીથી તેઓ મહુવા હોસ્પિટલ પહોંચ્યા, જ્યાં પીડિત નવનીતભાઈ બાલધિયાની મુલાકાત લઈને તેમની તબિયત વિશે જાણકારી મેળવી અને તેમને ન્યાય અપાવવાનો વિશ્વાસ આપ્યો હતો.
'મુખ્ય આરોપીનું નામ FIRમાં ઉમેરવામાં આવે'
નવનીત બાલધિયા પર થયેલા હુમલાના કેસમાં પોલીસ દ્વારા SIT (વિશેષ તપાસ ટીમ)ની રચના કરવામાં આવી છે અને SIT દ્વારા તમામ દિશામાં તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. જોકે, કોળી સમાજની સ્પષ્ટ માંગ છે કે આ કેસમાં મુખ્ય આરોપીનું નામ FIRમાં ઉમેરવામાં આવે. આ માંગને લઈને કોળી સમાજના લોકો અડગ રહ્યા છે અને જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની ચેતવણી આપી છે. આ દરમિયાન ઋષિ ભારતી બાપુએ પણ આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે 'જો સમાજને યોગ્ય ન્યાય નહીં મળે તો આ લડત વધુ ઉગ્ર બનાવવામાં આવશે.





















