ગણતંત્ર દિવસના પર્વ પર રાજધાનીને સંપૂર્ણ પણે સુરક્ષિત રાખવામાં આવી છે. DCP નવી દિલ્લી દેવેશ મહાલાના જણાવ્યા અનુસાર, સુરક્ષામાં કોઈ ક્ષતિનો અવકાશ નથી. પરેડ દરમિયાન રાજધાનીમાં છ-સ્તરનો મલ્ટી-લેયર સુરક્ષા ઘેરો તૈયાર કરવામાં આવ્યો હતો. આ સાથે 60 હજારથી વધુ સુરક્ષા જવાનોને તૈનાત કરવામાં આવ્યા, જેમાંથી 15 હજાર જવાનો માત્ર કર્તવ્ય પથની આસપાસ જ તૈનાત કરાયા. અર્ધલશ્કરી દળના જવાનો, NSG કમાન્ડો, SPG કમાન્ડો, બોમ્બ ડિટેક્ટીવ ટીમ, SWAT કમાન્ડો, ક્વિક રિસ્પોન્સ ટીમ (QRT) અને ડોગ સ્કવોડ પણ તૈનાત કરવામાં આવ્યા.
પોલીસના જણાવ્યા અનુસાર નવી દિલ્લીમાં 7000થી વધુ સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. જેમાંથી 1000થી વધુ કેમેરાએ માત્ર પરેડના રૂટ પર નજર રાખી. આ કેમેરામાં ફેસ રેકોગ્નિશન સિસ્ટમ એટલે કે FRSનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જે શંકાસ્પદ અથવા ગુનેગારો તેમજ આતંકવાદીઓને ઓળખવામાં મદદ કરે છે. 50 હજારથી વધુ વૉન્ટેડ ગુનેગારો અને આતંકવાદીઓનો ડેટા કેમેરામાં ફીટ કરવામાં આવ્યો છે.
એન્ટી એરક્રાફ્ટ ગન અને એન્ટી ડ્રોન સિસ્ટમ
ગણતંત્ર દિવસના કાર્યક્રમમાં આવનાર તમામ લોકો હાઈ ડેફિનેશન કેમેરાની નજર હેઠળ પસાર થયા. જો કોઈનો ચહેરો ડેટાબેઝ સાથે મેચ થાય છે, તો તરત જ એલર્ટ મોડમાં આવીને સંબંધિત સુરક્ષા કર્મચારીને માહિતી આપવામાં આવે છે. આ અવસર પર કોઈપણ પ્રકારના હવાઈ હુમલાને રોકવા માટે એન્ટી એરક્રાફ્ટ ગન અને એન્ટી ડ્રોન સિસ્ટમ લગાવવામાં આવ્યા. 25 જાન્યુઆરીની રાત્રિથી 100થી વધુ સ્નાઈપર્સ ઈમારતો પર તેનાત કરવામાં આવી છે. લ્યુટિયન ઝોનમાં 10 સ્થળો પર એન્ટી એરક્રાફ્ટ ગન તેનાત કરવામાં આવી છે. આ ઉપરાંત બોમ્બ ડિટેક્ટીવ ટીમ, SWAT કમાન્ડો, ક્વિક રિસ્પોન્સ ટીમ (QRT) અને ડોગ સ્કવોડ પણ પરેડના રૂટ અને VVIP વિસ્તારોમાં તેનાત રહ્યાં.
નકલી પાસથી પ્રવેશ અશક્ય
પોલીસના જણાવ્યા અનુસાર, આ વખતે એક નવું સુરક્ષા ફીચર એડ કરવામાં આવ્યું છે. એન્ટ્રી પાસ પર QR કોડ લગાવવામાં આવ્યો હતો જેથી કોઈ નકલી પાસથી પ્રવેશ ના કરી શકે. પોલીસકર્મીઓ પાસે પણ QR કોડ હોય છે, જેને સ્કેન કરીને તેમની ઓળખ સુનિશ્ચિત કરી શકાય છે. 26 જાન્યુઆરી પહેલા દિલ્લીની તમામ બોર્ડર પર બેરિકેડ લગાવવામાં આવ્યા હતા. પરેડ રૂટ પર સામાન્ય વાહન વ્યવહાર સંપૂર્ણપણે બંધ રખાયો.





