logo-img
Relief For Arvind Kejriwal And Manish Sisodia In Liquor Scam Case Both Aap Leaders Burst Into Tears After Court Verdict

લિકર કૌભાંડ કેસમાં કેજરીવાલ અને સિસોદિયાને મોટી રાહત : કોર્ટના ચુકાદા બાદ ધ્રુસકે-ધ્રુસકે રડી પડ્યાં AAPના બન્ને નેતાઓ

લિકર કૌભાંડ કેસમાં કેજરીવાલ અને સિસોદિયાને મોટી રાહત
Play Video
Published by: Offbeat Team
| Last Updated: Feb 27, 2026, 06:53 AM IST

નવી દિલ્હી: દિલ્હીની બહુચર્ચિત આબકારી નીતિ (દારૂ કૌભાંડ) મામલે આજે આમ આદમી પાર્ટી માટે ઐતિહાસિક દિવસ સાબિત થયો છે. દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાને તમામ આરોપોમાંથી મુક્ત કરીને મોટી 'ક્લીન ચીટ' આપી છે. કોર્ટે પોતાના ચુકાદામાં સ્પષ્ટ કર્યું છે કે તપાસ એજન્સી દ્વારા રજૂ કરવામાં આવેલા પુરાવાઓ અત્યંત નબળા છે અને માત્ર આરોપો કે દાવાઓના આધારે કોઈ વ્યક્તિને દોષી ઠેરવી શકાય નહીં. આ ચુકાદો સાંભળતા જ અરવિંદ કેજરીવાલ ભાવુક થઈ ગયા હતા અને કોર્ટ રૂમમાં જ ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યા હતા.

લાંબા સમયની કાયદાકીય લડત અને જેલવાસ બાદ મળેલી આ રાહત આમ આદમી પાર્ટી માટે જીવતદાન સમાન છે. કોર્ટે અવલોકન કર્યું કે જ્યારે કોઈ બંધારણીય પદ પર બેઠેલી વ્યક્તિ વિરુદ્ધ ગંભીર આરોપો લાગ્યા હોય ત્યારે તેની તપાસમાં નક્કર પુરાવા હોવા અનિવાર્ય છે. સીબીઆઈની ચાર્જશીટમાં રહેલી અનેક ખામીઓને કારણે કોર્ટે બંને નેતાઓને નિર્દોષ જાહેર કર્યા છે. આ સમાચાર વાયુવેગે પ્રસરતા જ કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને "સત્ય પરેશાન થઈ શકે છે, પરાજિત નહીં" ના નારાઓ ગુંજી ઉઠ્યા હતા.

કોર્ટે તપાસ એજન્સીની ઝાટકણી કાઢી: 'પુરાવા વગરના કેસ ન ચાલે'

રાઉઝ એવન્યુ કોર્ટે ચુકાદો આપતા સૌથી પહેલા આબકારી વિભાગના પૂર્વ કમિશનર કુલદીપ સિંહને નિર્દોષ જાહેર કર્યા હતા, ત્યારબાદ મનીષ સિસોદિયા અને અંતે અરવિંદ કેજરીવાલને પણ ક્લીન ચીટ આપી હતી. કોર્ટે તપાસ એજન્સી (CBI) ની ચાર્જશીટ પર સવાલો ઉઠાવતા કહ્યું કે એવા ઘણા મુદ્દાઓ છે જેનો સંતોષકારક જવાબ એજન્સી પાસે નથી. માત્ર પૂર્વાગ્રહ કે અનુમાનોના આધારે કેસ ચલાવી શકાય નહીં. આ હુકમથી એ સાબિત થયું છે કે તપાસ એજન્સી પાસે બંને નેતાઓ વિરુદ્ધ કોઈ મજબૂત મટીરિયલ નહોતું.

કેજરીવાલનો હુંકાર: 'પીએમ મોદીએ અમને ખતમ કરવાનું કાવતરું રચ્યું'

નિર્દોષ જાહેર થયા બાદ અરવિંદ કેજરીવાલે પ્રેસ કોન્ફરન્સમાં ભાવુક થઈને કહ્યું કે, "હું કાયમ કહેતો હતો કે, હું કટ્ટર ઈમાનદાર છું અને આજે કોર્ટે તેના પર મહોર મારી દીધી છે. વડાપ્રધાન મોદી અને ગૃહમંત્રી અમિત શાહે મળીને આઝાદ ભારતનું સૌથી મોટું રાજકીય કાવતરું રચ્યું હતું, જેથી આમ આદમી પાર્ટીને ખતમ કરી શકાય." તેમણે વધુમાં ઉમેર્યું કે દેશની સમસ્યાઓ જેમ કે મોંઘવારી અને બેરોજગારી પર ધ્યાન આપવાને બદલે વિપક્ષને જેલમાં નાખવાનું રાજકારણ લોકશાહી માટે ખતરનાક છે.

ઈસુદાન ગઢવીની પ્રતિક્રિયા: 'આ ઈમાનદાર લોકોની જીત છે'

ગુજરાત આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ પણ આ ચુકાદાને વધાવતા કહ્યું કે, કેજરીવાલજી અગ્નિપરીક્ષા આપીને બહાર આવ્યા છે. તેમણે જણાવ્યું કે, ભાજપે ED અને CBI નો દુરુપયોગ કરીને પાર્ટીને તોડવાની કોશિશ કરી હતી, પરંતુ અંતે સત્યનો વિજય થયો છે. આ જીત માત્ર 'આપ' ની જ નહીં પણ ભારતના તમામ ઈમાનદાર લોકોની જીત છે.

તપાસ એજન્સી હવે હાઈકોર્ટના દરવાજા ખખડાવશે

બીજી તરફ, તપાસ એજન્સી (CBI) આ ચુકાદાથી અસંતુષ્ટ જણાય છે. એજન્સીના વકીલોએ સંકેત આપ્યા છે કે તેઓ આ આદેશનો વિગતવાર અભ્યાસ કરશે અને ત્યારબાદ તેને હાઈકોર્ટમાં પડકારશે. જોકે, કાયદાના નિષ્ણાતો માને છે કે જો નીચલી અદાલતે પુરાવાઓને નબળા ગણાવ્યા હોય, તો ઉપલી અદાલતમાં પણ રાહત મળવાની શક્યતા વધુ છે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now