IPL 2026 Qualifier-1 RCB vs GT : IPL 2026 ની રોમાંચક સફર હવે તેના અંતિમ અને સૌથી રોમાંચક તબક્કામાં પહોંચી ગઈ છે. લીગ સ્ટેજની લાંબી લડાઈ અને ઉતાર-ચઢાવ બાદ હવે પ્લેઓફનો અસલી રોમાંચ શરૂ થઈ રહ્યો છે. આજે મંગળવારે ધર્મશાલાના અતિ સુંદર હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશન (HPCA) સ્ટેડિયમમાં ક્વોલિફાયર-1 નો મહામુકાબલો રમાશે. આ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) અને ગુજરાત ટાઇટન્સ (GT) એકબીજા સામે ટકરાશે. જે ટીમ આજે જીતશે તેને સીધી ફાઇનલ મેચ રમવાની સોનેરી ટિકિટ મળશે, જ્યારે હારનાર ટીમે નિરાશ થવાની જરૂર નથી કારણ કે, તેમને ફાઇનલમાં જવા માટે ક્વોલિફાયર-2 નો રસ્તો પસંદ કરવાની વધુ એક તક મળશે.
વરસાદનું સંકટ અને ક્વોલિફિકેશનના સમીકરણો
પહાડોની વચ્ચે આવેલા સુંદર ધર્મશાલા મેદાન પર આ મેચ જોવા આતુર ફેન્સ માટે એક ચિંતાજનક સમાચાર પણ સામે આવ્યા છે. હવામાન વિભાગના રિપોર્ટ અનુસાર, મેચના દિવસે અહીં 80% વરસાદ પડવાની આશંકા સેવાઈ રહી છે. જો આ મેચ વરસાદને કારણે ધોવાઈ જાય અથવા રદ થાય, તો ચાહકો ચોક્કસપણે નિરાશ થશે પરંતુ બેંગલુરુની ટીમ માટે લોટરી લાગશે. નિયમ મુજબ, જો પ્લેઓફની મેચ વરસાદમાં ધોવાઈ જાય, તો લીગ સ્ટેજ પૂરી થયા બાદ જે ટીમ પોઇન્ટ્સ ટેબલમાં ટોપ પર હોય તેને વિજેતા જાહેર કરાય છે. આ સિઝનમાં RCB પોઇન્ટ્સ ટેબલમાં ટોપ પર હતી, જેના કારણે તે મેચ રમ્યા વગર જ સીધી ફાઇનલમાં પ્રવેશ કરી લેશે.
આંકડા અને ઇતિહાસનો અનોખો ટ્રેન્ડ
IPL માં વર્ષ 2011 થી પ્લેઓફ સિસ્ટમ (ક્વોલિફાયર અને એલિમિનેટર) ની શરૂઆત કરવામાં આવી હતી. ત્યારથી લઈને અત્યાર સુધીના આંકડા દર્શાવે છે કે, ક્વોલિફાયર-1 જીતનારી ટીમનો દબદબો હંમેશા વધારે રહ્યો છે. ઇતિહાસ પર નજર કરીએ તો 15 માંથી 12 વખત એવું બન્યું છે કે, ક્વોલિફાયર-1 જીતનારી ટીમે જ ફાઇનલ ટ્રોફી પણ પોતાના નામે કરી છે. આ સિવાય એક અનોખો ટ્રેન્ડ એવો પણ જોવા મળ્યો છે કે, છેલ્લી 8 ફાઇનલ મેચ હંમેશા ક્વોલિફાયર-1 રમનારી ટીમો વચ્ચે જ રમાઈ છે. આ આંકડા સાબિત કરે છે કે, આજની મેચ બંને ટીમો માટે માનસિક અને વ્યૂહાત્મક રીતે કેટલી મહત્વની સાબિત થવાની છે.
હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કાંટાની ટક્કર
જ્યારે આપણે બંને ટીમોના પરસ્પર રેકોર્ડની વાત કરીએ છીએ, ત્યારે પલ્લું એકદમ બરાબરી પર જોવા મળે છે. IPL ના ઇતિહાસમાં બેંગલુરુ અને ગુજરાત વચ્ચે અત્યાર સુધીમાં કુલ 8 મેચ રમાઈ છે, જેમાંથી 4 મેચ બેંગલુરુએ અને 4 મેચ ગુજરાતની ટીમે જીતી છે. ખાસ વાત એ છે કે, આ બંને વચ્ચે એક પણ મેચ ટાઈ કે પરિણામ વગરની રહી નથી. વર્તમાન સિઝનની વાત કરીએ તો બંને ટીમો લીગ સ્ટેજમાં બે વખત આમને-સામને આવી ચૂકી છે અને બંનેએ એક-એક મેચમાં જીત મેળવી છે. છેલ્લી મેચમાં ગુજરાતની 4 વિકેટથી જીત થઈ હતી, જ્યારે તે પહેલાંની મેચમાં બેંગલુરુની ટીમ 5 વિકેટથી જીતી હતી.
એક ખેલાડીને ખરીદવા દરેક ટીમોએ લગાવી હતી બોલી!: IPL ઓક્શનનો એ અનોખો રેકોર્ડ જે કદાચ ક્યારેય નહીં તૂટે
બેંગલુરુની મજબૂત બેટિંગ અને લોઅર ઓર્ડરની ચિંતા
આ સિઝનમાં RCB ની સૌથી મોટી તાકાત તેની આક્રમક બેટિંગ રહી છે, જેના દમ પર તેમણે સિઝનમાં 8 વખત 200 થી વધુ રનનો આંકડો વટાવ્યો છે. વિરાટ કોહલી શાનદાર ફોર્મમાં છે અને એક સેન્ચુરી તથા 4 હાફ-સેન્ચુરીની મદદથી 557 રન બનાવીને ટીમનો ટોપ સ્કોરર રહ્યો છે. કેપ્ટન રજત પાટીદારે 4 અને દેવદત્ત પડિકલે 3 હાફ-સેન્ચુરી ફટકારી છે. બોલિંગમાં ભુવનેશ્વર કુમાર અને જોશ હેઝલવુડની જોડી પાવરપ્લેમાં શાનદાર પરફોર્મન્સ કરી રહી છે. પરંતુ ચિંતાની વાત એ છે કે, લીગ સ્ટેજના બીજા હાફમાં નંબર 4 થી 8 સુધીના બેટ્સમેનો સતત ફ્લોપ રહ્યા છે, જેના કારણે ટીમ વારંવાર બેટિંગ કોલેપ્સનો સામનો કરી રહી છે. વિદેશી ખેલાડી જેકબ બેથલ પણ રન બનાવવા માટે સંઘર્ષ કરી રહ્યો છે.
ગુજરાતનું ઘાતક બોલિંગ આક્રમણ અને ફિનિશર્સની નબળાઈ
ગુજરાત ટાઇટન્સની ટીમ પોતાની મજબૂત ફાસ્ટ બોલિંગ અને ટોપ ઓર્ડર બેટિંગના દમ પર પ્લેઓફમાં પહોંચી છે. કાગીસો રબાડા 24 વિકેટ સાથે પર્પલ કેપની રેસમાં સૌથી આગળ છે, જ્યારે રાશિદ ખાને 19 અને મોહમ્મદ સિરાજે 17 વિકેટ ઝડપી છે. બેટિંગમાં સાઈ સુદર્શન 638 રન (7 ફિફ્ટી) સાથે ઓરેન્જ કેપ હોલ્ડર છે, જ્યારે કેપ્ટન શુભમન ગિલ 616 રન અને જોશ બટલર 469 રન બનાવીને શાનદાર ફોર્મમાં છે. જોકે, શેરફેન રધરફોર્ડના ગયા પછી ટીમ માટે નંબર 4 અને 5 ની પોઝિશન માથાનો દુખાવો બની ગઈ છે. ગ્લેન ફિલિપ્સ અને ટોમ બેન્ટન સાતત્ય જાળવી શક્યા નથી, જ્યારે લોઅર ઓર્ડરમાં રાહુલ તેવતિયા અને શાહરૂખ ખાન પણ આ સીઝનમાં ઇનકન્સિસ્ટન્ટ રહ્યા છે.
RCB-GT નહીં... IPL 2026 માં આ ટીમ બનશે ચેમ્પિયન!: પ્લેઓફ પહેલા અક્ષર પટેલની મોટી ભવિષ્યવાણીએ મચાવી સનસની
મેચના 4 મોટા કી-મુકાબલા (Player Matchups)
આ મહામેચમાં કેટલાક દિગ્ગજ ખેલાડીઓ વચ્ચેનો વ્યક્તિગત જંગ ખૂબ જ રસપ્રદ રહેશે:
વિરાટ કોહલી vs કાગીસો રબાડા : ધર્મશાલાની ઉછાળવાળી પિચ પર પાવરપ્લેમાં કોહલી અને રબાડા વચ્ચેનો મુકાબલો જોરદાર રહેશે. રબાડા વિરાટને આંતરરાષ્ટ્રીય અને IPL મળીને અત્યાર સુધીમાં 4 થી 5 વખત આઉટ કરી ચૂક્યો છે.
ફિલ સોલ્ટ vs મોહમ્મદ સિરાજ : ઈજામાંથી પરત ફરેલો ફિલ સોલ્ટ બેંગલુરુના બેટિંગ લાઇન-અપને મજબૂત કરશે, પરંતુ પાવરપ્લેમાં તેનો સામનો મોહમ્મદ સિરાજ સાથે થશે જે સોલ્ટને 2 વખત આઉટ કરી ચૂક્યો છે.
શુભમન ગિલ vs ભુવનેશ્વર કુમાર : ગુજરાતના કેપ્ટન શુભમન ગિલની પરીક્ષા ભુવનેશ્વર કુમાર પોતાની સ્વિંગ બોલિંગથી લેશે. ભુવીએ ગિલને અત્યાર સુધીમાં 5 વખત આઉટ કરીને ક્રિઝ પર પરેશાન કર્યો છે.
રજત પાટીદાર vs રાશિદ ખાન : મિડલ ઓવર્સમાં સ્પિનર્સ સામે આક્રમક રમવા માટે જાણીતા રજત પાટીદાર સામે આ સિઝનમાં 19 વિકેટ લઈ ચૂકેલા રાશિદ ખાનનો મોટો પડકાર હશે.
ધર્મશાલા સ્ટેડિયમ અને ગ્રાઉન્ડ રેકોર્ડ્સ
ધર્મશાલાનું HPCA સ્ટેડિયમ તેની ફાસ્ટ આઉટફિલ્ડ અને હાઇ-સ્કોરિંગ મેચો માટે જાણીતું છે. આ સિઝનમાં અહીં રમાયેલી મેચોની 6 ઇનિંગ્સમાંથી 5 માં 200 થી વધુનો સ્કોર બન્યો છે અને ત્રણેય મેચમાં ચેઝ કરનારી ટીમ જીતી છે. આ મેદાન પર RCB નો ઇતિહાસ બેવડો રહ્યો છે. એક તરફ તેમના નામે આ સ્ટેડિયમનો સૌથી મોટો સ્કોર (241/7) નોંધાયેલો છે, તો બીજી તરફ વર્ષ 2011 માં તેઓ પંજાબ સામે 111 રનથી ખૂબ જ ખરાબ રીતે હાર્યા હતા. જ્યારે ગુજરાત ટાઇટન્સની ટીમ આ મેદાન પર પોતાની કારકિર્દીની પહેલી જ મેચ રમવા જઈ રહી છે, તેથી તેઓ કોઈપણ જૂના રેકોર્ડના દબાણ વગર ફ્રેશ માઇન્ડસેટ સાથે નવો ઇતિહાસ લખવા મેદાનમાં ઉતરશે.
RCB vs GT ની સંભવિત પ્લેઇંગ-11 (Probable XI)
રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) : વિરાટ કોહલી, દેવદત્ત પડિકલ, રજત પાટીદાર (કેપ્ટન), ટિમ ડેવિડ, વેંકટેશ ઐયર, જીતેશ શર્મા, કૃણાલ પંડ્યા, ભુવનેશ્વર કુમાર, રાસિખ સલામ, સુયશ શર્મા અને જોશ હેઝલવુડ. (ઇમ્પેક્ટ પ્લેયર : ફિલ સોલ્ટ અથવા જેકબ ડફી)
ગુજરાત ટાઇટન્સ (GT) : શુભમન ગિલ (કેપ્ટન), સાઈ સુદર્શન, જોશ બટલર (વિકેટકિપર), વોશિંગ્ટન સુંદર, નિશાંત સિંધુ, જેસન હોલ્ડર, રાશિદ ખાન, રાહુલ તેવતિયા, અરશદ ખાન, કાગીસો રબાડા અને મોહમ્મદ સિરાજ. (ઇમ્પેક્ટ પ્લેયર : પ્રસિદ્ધ ક્રિષ્ના અથવા આર સાઈ કિશોર)





