Home Sports Rcb Created History By Winning 4 Consecutive Matches In Wpl Defeated Dc And Remained At The Top Of The Table

WPL 2026માં ડી.વાય. પાટિલ સ્ટેડિયમમાં RCB નો કિલ્લો અભેદ : WPL માં સતત 4 મેચ જીતીને રચ્યો ઇતિહાસ, DC ને હરાવીને ટેબલ ટોપર પર RCB યથાવત

WPL 2026માં ડી.વાય. પાટિલ સ્ટેડિયમમાં RCB નો કિલ્લો અભેદ
Published by: OBS Bureau
Last Updated: Jan 18, 2026, 04:29 AM IST

RCBW vs DCW Highlights WPL 2026: રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB)એ મહિલા પ્રીમિયર લીગ (WPL) 2026માં પોતાની શાનદાર ફોર્મ જાળવી રાખતાં દિલ્હી કેપિટલ્સ (DC)ને 8 વિકેટે હરાવી સતત ચોથી જીત નોંધાવી છે. નવી મુંબઈના ડી.વાય. પાટિલ સ્ટેડિયમમાં રમાયેલા આ મેચમાં RCBએ 10 બોલ બાકી રાખીને લક્ષ્ય હાંસલ કર્યું. આ જીત સાથે બેંગલુરુની ટીમ પોઈન્ટ્સ ટેબલમાં ટોચ પર મજબૂતીથી બેસી ગઈ છે.

દિલ્હીની મજબૂત શરૂઆત, 166 રનનો સ્કોર

મેચમાં ટોસ જીતીને દિલ્હી કેપિટલ્સે પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. દિલ્હીની શરૂઆત સારી રહી અને ઓપનર શેફાલી વર્માએ આક્રમક અંદાજમાં બેટિંગ કરી. તેણે 62 રનની અર્ધશતકીય ઇનિંગ્સ રમતાં ટીમને મજબૂત પાયો આપ્યો. શેફાલી સાથે લૂસી હેમિલ્ટને પણ ઉપયોગી ફાળો આપ્યો અને 36 રનની ઝડપી ઇનિંગ્સ રમી. બંને બેટરોના યોગદાનથી દિલ્હી કેપિટલ્સ 20 ઓવરમાં 166 રન સુધી પહોંચી શકી. RCB તરફથી બોલિંગમાં લોરેન બેલ અને સયાલી સાતઘરેએ શાનદાર પ્રદર્શન કર્યું.

ઇતિહાસ રચતા રહી ગઈ સ્મૃતિ મંધાના

167 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી RCBને શરૂઆતમાં ઝટકો લાગ્યો, જ્યારે ગ્રેસ હેરિસ માત્ર 1 રન બનાવી આઉટ થઈ ગઈ. પરંતુ ત્યારબાદ ટીમની કેપ્ટન સ્મૃતિ મંધાનાએ જવાબદારી સંભાળી અને અદભૂત બેટિંગ કરી. સ્મૃતિએ 61 બોલમાં 96 રનની લાજવાબ ઇનિંગ્સ રમી, જેમાં ચોખ્ખા સ્ટ્રોક્સ અને આત્મવિશ્વાસ સ્પષ્ટ જોવા મળ્યો. સ્મૃતિ મંધાના માત્ર 4 રનથી WPLના ઈતિહાસમાં શતક બનાવનાર પ્રથમ બેટર બનવાનું ચૂકી ગઈ. હાલ WPLમાં સર્વોચ્ચ વ્યક્તિગત સ્કોરનો રેકોર્ડ સોફી ડિવાઈનના નામે છે, જેમણે ગુજરાત જાયન્ટ્સ માટે રમતાં 99 રન બનાવ્યા હતા.

મંધાના–વોલની 142 રનની ભાગીદારી

સ્મૃતિ મંધાનાને જોરદાર સાથ મળ્યો જ્યોર્જિયા વોલ તરફથી. વોલે અણનમ 54 રન બનાવ્યા અને મંધાના સાથે મળીને 142 રનની વિશાળ ભાગીદારી નોંધાવી. આ ભાગીદારીએ દિલ્હીના બોલરોને કોઈ તક આપી નહીં અને RCBને સરળ જીત તરફ લઈ ગઈ. આખરે RCBએ 10 બોલ બાકી રાખીને મેચ જીતી લીધી.

પોઈન્ટ્સ ટેબલમાં RCB ટોચ પર

આ જીત સાથે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ WPL 2026માં અત્યાર સુધી રમેલા ચારેય મેચ જીત્યા છે અને 8 પોઈન્ટ્સ સાથે પોઈન્ટ્સ ટેબલમાં પ્રથમ સ્થાન પર છે. મુંબઈ ઈન્ડિયન્સ અને ગુજરાત જાયન્ટ્સ પાસે 4-4 પોઈન્ટ્સ છે અને તેઓ બીજા તથા ત્રીજા ક્રમે છે. યુપી વોરિયર્સ પણ 4 પોઈન્ટ્સ સાથે ચોથા સ્થાન પર છે. બીજી તરફ, દિલ્હી કેપિટલ્સને ચાર મેચમાં માત્ર એક જ જીત મળી છે. માત્ર 2 પોઈન્ટ્સ સાથે દિલ્હી હાલ પોઈન્ટ્સ ટેબલના તળિયે છે. RCBનું આ પ્રદર્શન દર્શાવે છે કે ટીમ ખિતાબની મજબૂત દાવેદાર બની રહી છે, જ્યારે દિલ્હી માટે આગળના મેચોમાં વાપસી કરવી મોટો પડકાર રહેશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now