રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ એક મહત્વપૂર્ણ પરિપત્ર જાહેર કરીને ચાંદી પર લોન લેવાની નવી વ્યવસ્થા શરૂ કરવાની જાહેરાત કરી છે. અત્યાર સુધી લોકો સોનાના દાગીના અથવા સિક્કા ગીરવે મૂકી લોન લેતા હતા, પરંતુ હવે ગ્રાહકોને તેમની પાસે રહેલી ચાંદી સામે પણ લોન મળશે.
આ નવી યોજના 1 એપ્રિલ, 2026 થી અમલમાં આવશે. આ પગલાનો હેતુ સામાન્ય લોકોને તેમની નાણાકીય જરૂરિયાતો પૂરી કરવા વધુ વિકલ્પ ઉપલબ્ધ કરાવવાનો છે.
કઈ સંસ્થાઓ આપશે ચાંદી પર લોન
RBI દ્વારા જાહેર કરાયેલા નિયમો અનુસાર, ચાંદી પર લોન આપવાની મંજૂરી વિવિધ બેંકો અને નાણાકીય સંસ્થાઓને આપવામાં આવશે. તેમાં તમામ વાણિજ્યિક બેંકો, પ્રાદેશિક ગ્રામીણ બેંકો (RRB), નાની ફાઇનાન્સ બેંકો અને શહેરી તેમજ ગ્રામિણ સહકારી બેંકોનો સમાવેશ થાય છે.
તે ઉપરાંત, નોન-બેંકિંગ નાણાકીય કંપનીઓ (NBFC) અને હાઉસિંગ ફાઇનાન્સ સંસ્થાઓ પણ પોતાના ગ્રાહકોને ચાંદી ગીરવે રાખીને લોન આપવાની સુવિધા પૂરી પાડશે.
ગીરવે રાખી શકાય તેવી ચાંદીની મર્યાદા
RBI ના નિયમો મુજબ, કોઈ પણ ગ્રાહક 10 કિલોગ્રામથી વધુ ચાંદીના દાગીના અથવા 500 ગ્રામ ચાંદીના સિક્કા ગીરવે મૂકી શકશે નહીં. આ મર્યાદા ગ્રાહક સુરક્ષા અને લોન વ્યવસ્થામાં પારદર્શિતા જાળવવા માટે નક્કી કરવામાં આવી છે.
લોનની રકમ ‘લોન ટુ વેલ્યુ’ (LTV) રેશિયો પર આધારિત રહેશે, એટલે કે ગીરવે મૂકી રહેલી ચાંદીની કિંમત પ્રમાણે લોનની રકમ નક્કી કરવામાં આવશે.
સોનાની લોન માટેના નિયમો યથાવત્
RBI એ સ્પષ્ટ કર્યું છે કે સોનાની લોન માટેના વર્તમાન નિયમોમાં કોઈ ફેરફાર કરાયો નથી. ગ્રાહક 1 કિલોગ્રામ સુધીના સોનાના દાગીના અથવા 50 ગ્રામ સોનાના સિક્કા ગીરવે મૂકી શકે છે.
આ રીતે, RBI ની નવી પહેલથી હવે સામાન્ય લોકો પાસે ટૂંકી અવધિની નાણાકીય જરૂરિયાતો પૂરી કરવા વધુ વિકલ્પો ઉપલબ્ધ થશે. ચાંદી પર લોનની આ યોજના નાના રોકાણકારો અને મધ્યમવર્ગ માટે ખાસ ઉપયોગી સાબિત થવાની સંભાવના છે.




















