Home Business Rbi Gold Sale Rumour Government Clarification Gold Reserve India 2026

RBIએ રૂ.1.14 લાખ કરોડનું સોનું વેચી દીધું? : સરકારની સ્પષ્ટતા બાદ સામે આવી આખી હકીકત, જાણો શું છે સત્ય

RBI Gold sale Rumour
Published by: Nirali Gohil
Last Updated: Jun 03, 2026, 09:46 AM IST

RBI Gold Sale Rumour: તાજેતરમાં મીડિયામાં વહેતા થયેલા એક અહેવાલે આર્થિક જગતમાં ભારે ચર્ચા જગાવી હતી કે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ ગુપ્ત રીતે 12 અબજ ડોલર એટલે કે આશરે 1.14 લાખ કરોડ રૂપિયાનું સોનું વેચી દીધું છે. આ અહેવાલમાં દાવો કરવામાં આવ્યો હતો કે, 22 મેના રોજ પૂરા થયેલા બે સપ્તાહના ગાળામાં આ વેચાણ કરવામાં આવ્યું છે. જોકે, આ ગંભીર ચર્ચાઓ વચ્ચે ભારત સરકારે સત્તાવાર નિવેદન આપીને આ તમામ દાવાઓને પાયાવિહોણા અને ફેક ન્યૂઝ ગણાવ્યા છે. સરકારે સ્પષ્ટ કર્યું છે કે, દેશના સુવર્ણ ભંડારમાં કોઈ ઘટાડો થયો નથી.

સરકાર અને RBI દ્વારા આપવામાં આવેલા સત્તાવાર આંકડા મુજબ, ભારતના વિદેશી મુદ્રા ભંડારમાં સોનાની ટકાવારી સતત વધી રહી છે. રિઝર્વ બેંકના આંકડા મુજબ, 31 માર્ચ 2026ના રોજ સોનાની ભાગીદારી 16.70 ટકા હતી, જે 22 મે 2026 સુધીમાં વધીને 16.85 ટકા સુધી પહોંચી છે. આ આંકડા સ્પષ્ટપણે સાબિત કરે છે કે, ભારત સરકાર કે RBI દ્વારા સોનું વેચવાનો કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.

શું હતો સમગ્ર દાવો?

એક આંતરરાષ્ટ્રીય મીડિયા રિપોર્ટમાં અર્થશાસ્ત્રીના હવાલાથી દાવો કરવામાં આવ્યો હતો કે 22 મે 2026 સુધીના બે સપ્તાહ દરમિયાન RBIએ તેના ગોલ્ડ રિઝર્વનો એક ભાગ વેચ્યો હતો. રિપોર્ટમાં પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવ અને વિદેશી મુદ્રા ભંડાર પરના દબાણને તેનું કારણ ગણાવવામાં આવ્યું હતું. આ દાવા બાદ સોશિયલ મીડિયા અને નાણાકીય વર્તુળોમાં ભારે ચર્ચા જોવા મળી હતી.

શું કહે છે RBI ના સત્તાવાર આંકડા?

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ પોતાના માસિક બુલેટિનમાં ફિઝિકલ ગોલ્ડ સ્ટોક અંગે વિગતવાર માહિતી આપી છે. RBI ના જણાવ્યા અનુસાર, હાલમાં ભારત પાસે કુલ 880.52 ટન સોનું સુરક્ષિત રીતે સંગ્રહિત છે. તેમાં કોઈ પણ પ્રકારનો ઘટાડો નોંધાયો નથી. વિદેશી મુદ્રા ભંડારમાં સોનાનું પ્રમાણ વધવું એ દેશની આર્થિક સ્થિરતા અને મજબૂતીનું પ્રતીક છે, જે સોનું વેચવાના દાવાઓને સંપૂર્ણપણે ખોટા સાબિત કરે છે.

આ પણ વાંચો: RBI એ ચુપચાપ વેચી દીધું ₹1.2 લાખ કરોડનું સોનું? : મધ્ય પૂર્વના યુદ્ધ અને ડોલરની મજબૂતી વચ્ચે ભારતીય અર્થતંત્ર ખોરવાયું!

RBI પાસે હાલ કેટલું સોનું છે?

RBI દ્વારા જાહેર કરવામાં આવેલા તાજેતરના આંકડા અનુસાર, 31 માર્ચ 2026 સુધી ભારતીય રિઝર્વ બેંક (RBI) પાસે કુલ 880.52 મેટ્રિક ટન સોનાનો ભંડાર હતો અને આ જથ્થામાં કોઈ ઘટાડો નોંધાયો નથી. એટલું જ નહીં, દેશના વિદેશી મુદ્રા ભંડાર (Forex Reserves)માં સોનાની ભાગીદારી પણ સતત વધી રહી છે. સપ્ટેમ્બર 2025ના અંતે કુલ ફોરેક્સ રિઝર્વમાં સોનાનો હિસ્સો 13.92 ટકા હતો, જે 31 માર્ચ 2026 સુધી વધીને 16.70 ટકા થયો હતો. ત્યારબાદ 22 મે 2026 સુધી આ હિસ્સો વધુ વધીને 16.85 ટકા પર પહોંચી ગયો છે. આ આંકડા સ્પષ્ટ કરે છે કે RBIના રિઝર્વમાં સોનાનું મહત્વ સતત વધી રહ્યું છે અને દેશની આર્થિક સુરક્ષામાં ગોલ્ડ રિઝર્વ વધુ મજબૂત ભૂમિકા ભજવી રહ્યો છે.

શા માટે ઉઠી હતી સોનું વેચવાની અફવા?

મીડિયા રિપોર્ટ્સમાં એવો તર્ક આપવામાં આવ્યો હતો કે પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવ અને વૈશ્વિક અર્થતંત્રમાં આવતી અસ્થિરતાને પહોંચી વળવા માટે RBI એ પોતાના ભંડારમાંથી સોનું વેચ્યું છે. આ અહેવાલમાં એવો પણ ઉલ્લેખ હતો કે RBI તેના ૮૮૦.૫૨ મેટ્રિક ટન સોનામાંથી મોટાભાગનો હિસ્સો હવે ભારતની પોતાની તિજોરીઓમાં સુરક્ષિત રાખે છે. અગાઉ ભારતનું મોટાભાગનું સોનું બેંક ઓફ ઈંગ્લેન્ડ અને બેંક ફોર ઈન્ટરનેશનલ સેટલમેન્ટ્સ જેવી વિદેશી સંસ્થાઓ પાસે હતું, પરંતુ હવે ૭૭% સોનું દેશની અંદર જ રાખવામાં આવે છે. આ દાવાઓ પાયાવિહોણા સાબિત થયા બાદ, રોકાણકારો અને નાગરિકો માટે આ રાહતની વાત છે કે દેશનો સુવર્ણ ભંડાર સંપૂર્ણપણે સુરક્ષિત છે. સરકારે અફવાઓ ફેલાવનારા આવા અહેવાલોથી સાવધ રહેવા પણ અપીલ કરી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now