Stock Market Today: ભારતીય શેરબજારમાં આજે સપ્તાહના ત્રીજા દિવસે ભારે વેચવાલીનું વાતાવરણ જોવા મળ્યું છે. વૈશ્વિક સંકેતો નબળા રહેતા અને પ્રોફિટ બુકિંગના કારણે બજારમાં મોટું ગાબડું પડ્યું છે. સેન્સેક્સ 890 પોઈન્ટના કડાકા સાથે 73,800 ની નીચે સરકી ગયો છે, જ્યારે નિફ્ટી 50 ઈન્ડેક્સ પણ 23,250ના સ્તરની આસપાસ ટ્રેડ કરી રહ્યો છે. આજના ટ્રેડિંગમાં આઈટી (IT), બેન્કિંગ અને રિયલ એસ્ટી ક્ષેત્રના શેરોમાં સૌથી વધુ દબાણ જોવા મળ્યું છે. નિફ્ટી મિડકેપ અને સ્મોલકેપ ઈન્ડેક્સમાં પણ ઘટાડો નોંધાયો છે, જે રોકાણકારોમાં ચિંતાનું મોજું ફેલાવી રહ્યું છે. આજના ઘટાડાનું મુખ્ય કારણ આઈટી સેક્ટરમાં આવેલું ૩.૫ ટકાનું ગાબડું છે. ટીએસીએસ (TCS), ટેક મહિન્દ્રા અને ઈન્ફોસિસ જેવા દિગ્ગજ શેરોમાં ૬ ટકા સુધીનો ઘટાડો જોવા મળ્યો છે. રોકાણકારો હાલ સાવચેતીભર્યું વલણ અપનાવી રહ્યા છે અને બજારમાં પ્રોફિટ બુકિંગ જોવા મળી રહ્યું છે.
બેન્કિંગ સેક્ટરમાં પણ વેચવાલીનું દબાણ
આજના કારોબારમાં નિફ્ટી બેન્ક ઈન્ડેક્સ પણ 1 ટકાથી વધુ તૂટ્યો છે. ખાસ કરીને ખાનગી અને જાહેર ક્ષેત્રની બેન્કોના શેરોમાં નબળાઈ જોવા મળી રહી છે.
મુખ્ય લૂઝર્સ: AU સ્મોલ ફાઇનાન્સ બેન્ક, યસ બેન્ક, ઈન્ડસઈન્ડ બેન્ક અને એક્સિસ બેન્ક સૌથી વધુ પ્રભાવિત થયા છે.
ઈન્ડસઈન્ડ બેન્ક: બેન્ક સામે વ્હિસલ બ્લોઅરની ફરિયાદના અહેવાલો બાદ ઈન્ડસઈન્ડ બેન્કના શેરમાં 2 ટકાથી વધુનો ઘટાડો નોંધાયો છે.
આ પણ વાંચો: આ મલ્ટિબેગર શેરે આપ્યું છે 10000% થી વધુનું રિટર્ન: કંપની પર બે દિગ્ગજોએ લગાવેલો છે મોટો દાવ
Infosys અને અન્ય કંપનીઓના મહત્વના અપડેટ્સ
બજારમાં ઘટાડો હોવા છતાં કેટલીક કંપનીઓમાં હકારાત્મક સમાચાર પણ છે:
Infosys: ઈન્ફોસિસે નોર્વેની સૌથી મોટી બેન્ક 'DNB Bank ASA' સાથે વ્યૂહાત્મક સહયોગ વધારવાની જાહેરાત કરી છે, જે કંપનીના ફિનક્રાઇમ ઓપરેશન્સને આધુનિક બનાવશે.
John Cockerill India: કંપનીને JSW વિજયનગર મેટાલિક્સ પાસેથી 1,250 થી 1,300 કરોડ રૂપિયાનો મોટો ઓર્ડર મળ્યો છે, જેના કારણે તેના શેરમાં 6 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે.
NHPC: સરકાર NHPCમાં 6 ટકા સુધીનો હિસ્સો ઓફર ફોર સેલ (OFS) દ્વારા વેચવાની છે, જેની ફ્લોર પ્રાઈસ 71 રૂપિયા નક્કી કરવામાં આવી છે.
Concord Biotech: કંપનીને માયકોફેનોલેટ મોફેટીલ માટે USFDA ની મંજૂરી મળી છે.
શા માટે બજારમાં આટલી અસ્થિરતા?
બજારના નિષ્ણાતોના મતે પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષના કારણે ક્રૂડ ઓઈલના ભાવ ફરી વધી રહ્યા છે, જે ભારત જેવા દેશો માટે ચિંતાજનક છે. ઉપરાંત, રૂપિયાના મૂલ્યમાં સતત ઘટાડો અને વિદેશી રોકાણકારો (FPI) દ્વારા કરવામાં આવી રહેલી વેચવાલી બજાર પર ભારે દબાણ બનાવી રહી છે. ભારતનો કરંટ એકાઉન્ટ ડેફિસિટ અને ફુગાવાની સ્થિતિ પણ રોકાણકારો માટે ચિંતાનો વિષય છે. જોકે, સ્થાનિક રોકાણકારો અને રિટેલ રોકાણકારોનો વિશ્વાસ હજુ પણ બજારને ટેકો આપી રહ્યો છે.
આ પણ વાંચો: ITR બની શકે તમારી મજબૂત આર્થિક ઓળખ!: લોનથી લઈને વિઝા સુધી... જાણો તેના 5 મોટા ફાયદા
રોકાણકારો માટે સલાહ
ટેકનિકલ નિષ્ણાતોનું માનવું છે કે નિફ્ટી 23,200ના સ્તર પર મજબૂત સપોર્ટ લઈ શકે છે. જો બજાર અહીંથી રિકવરી કરે તો જ ઉપરની તરફની ચાલ જોવા મળશે. નજીકના સમયમાં 23,700-23,800 ના સ્તર પર રેઝિસ્ટન્સ (અવરોધ) જોવા મળી શકે છે. હાલના માહોલમાં ઉતાવળમાં રોકાણ કરવાને બદલે સારી ક્વોલિટીના શેરોમાં વેલ્યુ બાયિંગ કરવું હિતાવહ છે.





