Home Gujarat Range Ig Takes Action After Himmatnagar Cyber Crime Investigation Controversy

હિંમતનગર સાયબર ક્રાઈમની તપાસ વિવાદને લઈ રેન્જ IGની કાર્યવાહી : IGએ પોતાની કચેરીના પીઆઈને તપાસ સોંપી, થશે મોટો ખુલાસો

હિંમતનગર સાયબર ક્રાઈમની તપાસ વિવાદને લઈ રેન્જ IGની કાર્યવાહી
Published by: OBS Bureau
Last Updated: Jan 20, 2026, 02:46 PM IST

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર સાયબર ક્રાઈમની તપાસને લઈને ઉભા થયેલા વિવાદમાં ગાંધીનગર રેન્જ આઈજી દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. સમગ્ર મામલામાં ગંભીર શંકાઓ ઊભી થતા રેન્જ આઈજીએ પોતાની કચેરીના પીઆઈને સીધી તપાસ સોંપી છે અને હવે આ કેસ ગાંધીનગર રેન્જ આઈજીની સીધી દેખરેખ હેઠળ થશે.

ગાંધીનગર રેન્જ IGએ પોતાની કચેરીના પીઆઈને તપાસ સોંપી

પ્રાપ્ત માહિતી મુજબ ક્રિકેટના સટ્ટા સાથે સંકળાયેલા કેટલાક શખ્સો દ્વારા બેંક એકાઉન્ટ ભાડે રાખવામાં આવતા હતા. આ ટોળકી ખાસ કરીને સરકારી લાભાર્થી આવાસ યોજનાના ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને લલચાવી તેમને શિકાર બનાવતી હતી. હિંમતનગર સાયબર ક્રાઈમ દ્વારા ચાર શખ્સોની ટોળકીને ઝડપી લઇ ગુનો નોંધવામાં આવ્યો હતો, પરંતુ ત્યારબાદ સમગ્ર ફરિયાદ અને તપાસને દબાવી રાખવામાં આવી હોવાનું સામે આવ્યું છે.

લાખો રુપિયા ગરબડની આશંકાને લઈ તપાસ હાથ ધરાશે

આરોપીઓને ઝડપી લીધા બાદ સાયબર ક્રાઈમની ટીમે મૌન સેવ્યું હતું અને કોઈ જાહેર માહિતી આપ્યા વિના ચૂપચાપ કાર્યવાહી કરવામાં આવી હતી. આરોપીઓને ઝડપથી કોર્ટમાં રજૂ કરી મામલો દબાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાની પણ ચર્ચા છે. આ સમગ્ર પ્રક્રિયાને કારણે સાયબર ક્રાઈમની તપાસ શંકાના દાયરામાં આવી ગઈ હતી. મામલો બહાર આવતા અને સોશિયલ મીડિયામાં વાયરલ થતા ઉચ્ચ અધિકારીઓ ચોંકી ઉઠ્યા હતા. ત્યારબાદ ગાંધીનગર રેન્જ આઈજીએ તાત્કાલિક પગલું ભરી તપાસ પોતાના નિયંત્રણમાં લીધી છે. હવે આ કેસમાં લાખો રૂપિયાની ગેરરીતિની આશંકાને ધ્યાનમાં રાખીને ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરાશે.

તપાસ નબળી કરનાર અધિકારી સામે કાર્યવાહીની શક્યતા

આ તપાસમાં સાયબર ક્રાઈમ, એલસીબી સહિત ત્રણથી ચાર અધિકારીઓ શંકાના દાયરામાં આવ્યા હોવાનું પણ જાણવા મળ્યું છે. રેન્જ આઈજી દ્વારા સ્પષ્ટ સંકેત આપવામાં આવ્યો છે કે જો તપાસ નબળી પાડવામાં આવી હોવાનું અથવા જાણબૂઝી મામલો દબાવવાનો પ્રયાસ થયો હોવાનું સાબિત થશે તો સંબંધિત અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. આ સમગ્ર ઘટનાએ હિંમતનગર સાયબર ક્રાઈમની કામગીરી પર ગંભીર પ્રશ્નચિહ્ન ઉભા કર્યા છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now