Home National Ram Mandir Trust New General Secretary Champat Rai Ayodhya Meeting

રામ મંદિર ટ્રસ્ટમાં ચંપત રાયની જગ્યા કોણ લેશે? : ખાલી પડેલા ત્રણ પદ માટે આ નામોની ચર્ચા તેજ

Ram Mandir Trust
Image Credit: AI
Published by: Nirali Gohil
Last Updated: Jul 22, 2026, 05:18 AM IST

Ram Mandir Trust: અયોધ્યાના શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટમાં ટૂંક સમયમાં મોટા વહીવટી ફેરફારો જોવા મળી શકે છે. ટ્રસ્ટની મહત્વપૂર્ણ બેઠક પહેલાં નવા મહાસચિવની નિમણૂકથી લઈને ટ્રસ્ટમાં ખાલી પડેલા ત્રણ મહત્વના પદો ભરવાની પ્રક્રિયાને લઈને ચર્ચા તેજ બની છે. ખાસ કરીને પૂર્વ મહાસચિવ ચંપત રાયના રાજીનામા બાદ આ પદ પર કોણ આવશે તે અંગે ધાર્મિક અને સામાજિક વર્તુળોમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે. આ બેઠક એવા સમયે યોજાઈ રહી છે જ્યારે થોડા સમય પહેલાં રામ મંદિરમાં મળતા દાનમાં કથિત ગેરરીતિના મુદ્દાએ ભારે ચર્ચા જગાવી હતી. આ વિવાદ બાદ ટ્રસ્ટના કેટલાક સભ્યોએ રાજીનામું આપ્યું હતું અને હવે ખાલી પડેલા પદો ભરવાની સાથે મંદિરના વહીવટને વધુ મજબૂત બનાવવા માટે મહત્વપૂર્ણ નિર્ણયો લેવાય તેવી શક્યતા છે.

અયોધ્યામાં ટ્રસ્ટની મહત્વપૂર્ણ બેઠક યોજાશે

બુધવારે બપોરે રામ મંદિર પરિસરમાં ટ્રસ્ટની વિશેષ બેઠક યોજાનાર છે. ત્યારબાદ મણિરામ છાવણીમાં ટ્રસ્ટની નિયમિત બેઠક યોજાશે, જેમાં અનેક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા થવાની છે. ટ્રસ્ટના સૂત્રોના જણાવ્યા મુજબ બેઠકના એજન્ડામાં નવા મહાસચિવની પસંદગી, ટ્રસ્ટના ત્રણ ખાલી પદો પર નવી નિમણૂક, તેમજ મંદિરના પ્રથમ મુખ્ય કાર્યકારી અધિકારી (CEO)ની પસંદગી પ્રક્રિયાને અંતિમ સ્વરૂપ આપવાનો સમાવેશ થાય છે.

દાન વિવાદ બાદ ખાલી થયા ત્રણ મહત્વના પદ

રામ મંદિરમાં ચઢાવામાં આવેલા દાન સાથે સંકળાયેલા કથિત ગેરરીતિના વિવાદ બાદ ટ્રસ્ટમાં મોટા ફેરફારો થયા હતા. પૂર્વ મહાસચિવ ચંપત રાયે રાજીનામું આપ્યું હતું. ટ્રસ્ટી અનિલ મિશ્રે પણ પદ છોડ્યું હતું, જ્યારે ટ્રસ્ટી બિમલેન્દ્ર મોહન પ્રતિાપ મિશ્રના નિધન બાદ એક વધુ સ્થાન ખાલી પડ્યું હતું. હાલમાં કૃષ્ણ મોહનને કામચલાઉ મહાસચિવ તરીકે જવાબદારી સોંપવામાં આવી છે, પરંતુ હવે કાયમી નિમણૂક પર નિર્ણય લેવાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો: અયોધ્યામાં આજે રામ મંદિર ટ્રસ્ટની હાઈ-લેવલ બેઠક : નવા ચહેરાઓને મળી શકે છે મોટી જવાબદારી

શું બી.એલ. બાગડા બનશે નવા મહાસચિવ?

ટ્રસ્ટ સાથે જોડાયેલા સૂત્રોના જણાવ્યા મુજબ વિશ્વ હિંદુ પરિષદ (VHP)ના રાષ્ટ્રીય મહામંત્રી બી.એલ. બાગડાનું નામ સૌથી વધુ ચર્ચામાં છે. માનવામાં આવી રહ્યું છે કે તેઓ માત્ર ટ્રસ્ટી જ નહીં પરંતુ મહાસચિવ પદના પણ મજબૂત દાવેદાર બની શકે છે. છેલ્લી બેઠક દરમિયાન પણ તેમનું નામ સામે આવ્યું હતું, પરંતુ તે સમયે ટ્રસ્ટની અંદર મતભેદોને કારણે કોઈ અંતિમ નિર્ણય લેવાયો નહોતો. હવે ફરી એકવાર તેમની નિમણૂકની ચર્ચાએ જોર પકડ્યું છે.

બી.એલ. બાગડા ઉપરાંત બજરંગ દળના રાષ્ટ્રીય સંયોજક નીરજ દાનોદિયાનું નામ પણ અગાઉ ચર્ચામાં આવ્યું હતું.

ટ્રસ્ટી પદ માટે આ નામો ચર્ચામાં

ટ્રસ્ટમાં સભ્ય તરીકે કોની નિમણૂક થશે તે અંગે પણ અનેક સંતો અને ધાર્મિક આગેવાનોના નામ સામે આવ્યા છે. ચર્ચામાં રહેલા નામોમાં સિદ્ધપીઠ હનુમન્નિવાસના મહંત આચાર્ય મિથિલેશનંદિનીશરણનો સમાવેશ થાય છે. ઉપરાંત મણિરામદાસજીની છાવણીના ઉત્તરાધિકારી મહંત કમલનયનદાસનું નામ પણ મહત્વના દાવેદારોમાં ગણાઈ રહ્યું છે. શ્રીરામવલ્લભકુંજના અધિકારી મહંત રાજકુમાર દાસ અને રંગમહલ પીઠાધીશ્વર મહંત રામશરણદાસના નામ પણ ચર્ચામાં છે. આ ઉપરાંત રામકથા કુંજના પીઠાધીશ્વર ડૉ. રામાનંદદાસ તથા કૌશલેશ પીઠાધીશ્વર જગદગુરુ રામાનુજાચાર્ય સ્વામી વાસુદેવાચાર્ય વિદ્યાભાસ્કરનું નામ પણ સંભવિત યાદીમાં સામેલ હોવાનું કહેવાઈ રહ્યું છે.

અયોધ્યા રાજપરિવારના ઉત્તરાધિકારીનું પણ નામ ચર્ચામાં

ટ્રસ્ટી પદ માટે અયોધ્યા રાજપરિવારના ઉત્તરાધિકારી અને જાણીતા સાહિત્યકાર યતીન્દ્ર મોહન મિશ્રનું નામ પણ પ્રબળ દાવેદારોમાં ગણાઈ રહ્યું છે. તેમના પિતા બિમલેન્દ્ર મોહન મિશ્ર શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ તેમજ મંદિર નિર્માણ સમિતિના સભ્ય હતા. તેમના તાજેતરમાં થયેલા નિધન બાદ હવે તેમના સ્થાને નવા સભ્યની પસંદગી થવાની છે.

આ પણ વાંચો: અમેરિકામાં જનરિક દવાઓ પર લાગશે 200% ટેરિફ! : જાણો ટ્રમ્પના નિર્ણયથી ભારતને કેટલો ફટકો

દાન વિવાદ અને SIT તપાસ પર પણ થઈ શકે ચર્ચા

જૂન મહિનામાં રામ મંદિરમાં મળતા દાનમાં કથિત ગેરરીતિનો મુદ્દો સામે આવ્યા બાદ ઉત્તર પ્રદેશ સરકારે વિશેષ તપાસ ટીમ (SIT)ની રચના કરી હતી. અત્યાર સુધી આ કેસમાં આઠ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ટ્રસ્ટની બેઠકમાં સુપ્રીમ કોર્ટમાં રજૂ કરાયેલા SIT અહેવાલ પર પણ ચર્ચા થઈ શકે છે. સાથે જ મંદિરની સુરક્ષા વ્યવસ્થા, દાનમાં મળેલી રકમની ગણતરીની પ્રક્રિયા અને ભવિષ્યમાં પારદર્શિતા વધારવા માટેના પગલાં અંગે પણ વિચારણા થવાની શક્યતા છે.

સુપ્રીમ કોર્ટની પણ નજર

તાજેતરમાં સુપ્રીમ કોર્ટે ઉત્તર પ્રદેશ સરકારને સૂચના આપી હતી કે, દાન ગેરરીતિના કેસની તપાસ સ્થાનિક પોલીસને બદલે SITને સોંપવાની શક્યતા અંગે સ્પષ્ટ માહિતી રજૂ કરવામાં આવે. કોર્ટે તપાસ નિષ્પક્ષ અને પારદર્શક રીતે થાય તે પર ભાર મૂક્યો હતો. આથી આગામી દિવસોમાં તપાસની પ્રક્રિયામાં પણ નવા ફેરફારો જોવા મળી શકે છે. બીજી તરફ ટ્રસ્ટની બેઠકમાં લેવામાં આવતા નિર્ણયો માત્ર રામ મંદિરના વહીવટ માટે જ નહીં, પરંતુ સમગ્ર ધાર્મિક સંસ્થાના ભવિષ્ય માટે પણ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યા છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now