Home Gujarat Rajula Mahatma Gandhi Arogya Mandir Hospital Inauguration

રાજુલામાં 22 કરોડની સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ શરૂ : હવે ગરીબ દર્દીઓને મળશે મફત સારવાર

Amreli News
Published by: Viral Patel
Last Updated: May 13, 2026, 01:52 PM IST

Amreli News: અમરેલી જિલ્લાના રાજુલા અને આસપાસના દરિયાકાંઠાના વિસ્તારના લોકો માટે આરોગ્ય ક્ષેત્રે એક નવો સૂર્યોદય થયો છે. રાજુલા ખાતે રામકૃષ્ણ આરોગ્ય સેવા ટ્રસ્ટ અને વિદ્યાગુરુ ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે નિર્મિત 108 બેડની અદ્યતન 'મહાત્મા ગાંધી આરોગ્ય મંદિર' હોસ્પિટલનું રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું છે.

22 કરોડના ખર્ચે નિર્મિત સેવાનું ધામ

અંદાજિત 22 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલી આ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ ગ્રામ્ય અને ગરીબ દર્દીઓ માટે આશીર્વાદરૂપ બનશે. આ હોસ્પિટલની સૌથી મોટી વિશેષતા એ છે કે અહીં દર્દીઓને તમામ પ્રકારની આધુનિક સારવાર સંપૂર્ણપણે નિશુલ્ક (Free) પૂરી પાડવામાં આવશે.

Amul Milk Price Hike: સામાન્ય લોકોને મોંઘવારીનો ઝટકો : અમૂલ દૂધના ભાવમાં વધારો, જાણો શું છે નવી કિંમત

મુખ્યમંત્રીની સાદગી બની આકર્ષણનું કેન્દ્ર

આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાની સાદગીથી સૌના દિલ જીતી લીધા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની શિસ્ત અને સાદગીની અપીલને માન આપી, મુખ્યમંત્રી હેલિપેડથી કાર્યક્રમ સ્થળ સુધી માત્ર બે ગાડીઓના કાફલા સાથે પહોંચ્યા હતા. સામાન્ય રીતે મુખ્યમંત્રીના પ્રવાસમાં ડઝનબંધ ગાડીઓનો કાફલો હોય છે, પરંતુ અહીં મર્યાદિત સુરક્ષા અને ઓછા વાહનો સાથે પહોંચી તેમણે શિસ્તનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

મહાનુભાવોની ઉપસ્થિતિ અને દાનની સરવાણી

આ લોકાર્પણ પ્રસંગે વિશ્વવંદનીય કથાકાર મોરારીબાપુ, સાંસદ ભરત સુતરીયા, રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરિયા, ધારાસભ્ય હીરા સોલંકી અને સંસ્થાપક તથા પૂર્વ ધારાસભ્ય અંબરીશ ડેર હાજર રહ્યા હતા. મોરારીબાપુએ 5 દાતાઓના નામે 25 લાખ રૂપિયાની દાનની સરવાણી વહાવી હતી. તેમણે મુખ્યમંત્રીની સાદગીના પણ વખાણ કર્યા હતા. લોકસાહિત્ય કલાકાર માયાભાઈ આહિર અને સાયરામ દવેની પ્રેરક ઉપસ્થિતિએ કાર્યક્રમમાં રૌનક ઉમેરી હતી.

ગુજરાતના ખેડૂતો માટે મોટી ખુશખબર : ખરીફ 2026-27 માટે MSP જાહેર, કપાસ-તલ-મગફળીના ભાવમાં નોંધપાત્ર વધારો

હોસ્પિટલમાં ઉપલબ્ધ સુવિધાઓ

એક જ છત નીચે 10 થી વધુ વિભાગો કાર્યરત કરવામાં આવ્યા છે. ઓપીડી, પેથોલોજી, ડાયાલિસિસ, ડેન્ટલ, ફિઝિયોથેરાપી, જનરલ સર્જરી, ગાયનેક અને મેડિસિન. આધુનિક મેડિકલ લેબોરેટરી અને નિદાન કેન્દ્ર. દર્દીઓ અને તેમના સ્વજનો માટે હોસ્પિટલ કેમ્પસમાં જ ભોજનાલયની ઉત્તમ વ્યવસ્થા કરવામાં આવી છે.

સેવાના ધ્યેય સાથે 'આરોગ્ય મંદિર'

સંસ્થાપક અંબરીશ ડેર અને માયાભાઈ આહિરે જણાવ્યું હતું કે, આ માત્ર હોસ્પિટલ નથી પણ એક 'આરોગ્ય મંદિર' છે જેનો મુખ્ય ધ્યેય છેવાડાના માનવીને શ્રેષ્ઠ આરોગ્ય સેવાઓ નિશુલ્ક પૂરી પાડવાનો છે. આ પ્રોજેક્ટથી હવે રાજુલા અને જાફરાબાદ પંથકના લોકોને ગંભીર બીમારીઓની સારવાર માટે દૂરના શહેરો સુધી જવું નહીં પડે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now