વર્ષો પહેલાં એનાઉન્સ થયેલી 'મુન્નાભાઈ ચલે અમેરિકા' કેમ બંધ થઈ? ડાયરેક્ટરે પહેલીવાર જણાવ્યું કારણ
'મુન્નાભાઈ એમબીબીએસ' અને 'લગે રહો મુન્નાભાઈ' જેવી સુપરહિટ ફિલ્મો આપ્યા બાદ, ચાહકો વર્ષોથી મુન્ના અને સર્કિટની જોડીને ફરી સ્ક્રીન પર જોવા માટે આતુર હતા. હવે આ ચાહકો માટે ખુશીના સમાચાર આવ્યા છે. સુપરહિટ ડાયરેક્ટર રાજકુમાર હિરાનીએ કન્ફર્મ કર્યું છે કે 'Munna Bhai 3' પર કામ ચાલી રહ્યું છે અને તેની સ્ક્રિપ્ટ લખાઈ રહી છે. આ ફિલ્મમાં ફરી એકવાર સંજય દત્ત અને અર્શદ વારસીની આઇકોનિક જોડી જોવા મળશે.
'મુન્નાભાઈ ચલે અમેરિકા' કેમ ડબ્બામાં ગઈ?
રાજકુમાર હિરાનીએ તેમની આગામી ઓટીટી (OTT) સિરીઝ 'પ્રિતમ પેડ્રો' (Pritam Pedro) ના પ્રમોશન દરમિયાન ખાસ વાતચીત કરી હતી. આ દરમિયાન તેમણે વર્ષો જૂના સસ્પેન્સ પરથી પડદો ઉઠાવ્યો કે કેમ 'મુન્નાભાઈ ચલે અમેરિકા' ક્યારેય બની શકી નહીં.
હિરાનીએ જણાવ્યું કે, "એ સમયે નિર્માતા વિધુ વિનોદ ચોપરા એક ફિલ્મ બનાવી રહ્યા હતા અને તેઓ આગામી ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરવા માંગતા હતા. અમે હજુ સ્ક્રિપ્ટ લખી જ રહ્યા હતા, તેથી અમે ઉતાવળમાં એક ટીઝર બનાવી દીધું કે મુન્ના અને સર્કિટ અમેરિકા જઈ રહ્યા છે અને તેના માટે ઇંગ્લિશ શીખી રહ્યા છે. પરંતુ, અમે એ સ્ક્રિપ્ટ ક્યારેય પૂરી જ ન કરી શક્યા. હાલમાં અમે કેટલીક નવી સ્ક્રિપ્ટ્સ પર કામ કરી રહ્યા છીએ."
જ્યારે શૂટિંગ જોવા 1 લાખથી વધુ લોકો ઉમટી પડ્યા
વાતચીત દરમિયાન અર્શદ વારસીએ 'લગે રહો મુન્નાભાઈ' ના શૂટિંગ સમયનો એક રસપ્રદ કિસ્સો શેર કર્યો હતો. અર્શદે કહ્યું, "અમે મુંબઈના મરીન ડ્રાઈવ પર શૂટિંગ કરી રહ્યા હતા. ત્યાં એટલી ભારે ભીડ અને ટ્રાફિક જામ થઈ ગયો કે પોલીસે રસ્તા બ્લોક કરવા પડ્યા. મેં સંજુને કહ્યું કે આને ખરી સ્ટારડમ કહેવાય, આ બધી ભીડ તારા માટે આવી છે. ત્યારે સંજુએ મને આશ્ચર્ય સાથે કહ્યું કે, 'ના ભાઈ, મેં મારી લાઈફમાં આટલી ભીડ ક્યારેય નથી જોઈ. આ લોકો મારા માટે નહીં, પણ આપણી મુન્ના અને સર્કિટની જોડીને એકસાથે જોવા માટે આવ્યા છે.'" આ ભીડ એટલી મોટી હતી કે રાજકુમાર હિરાનીએ શૂટિંગ અધવચ્ચે જ રોકવું પડ્યું હતું.
પુત્ર વીર હિરાનીના ડેબ્યૂ પર કહી આ વાત
રાજકુમાર હિરાની ટૂંક સમયમાં પ્રોડ્યુસર તરીકે તેમની પહેલી ઓટીટી સિરીઝ 'પ્રિતમ પેડ્રો' લઈને આવી રહ્યા છે. આ સિરીઝથી તેમનો પુત્ર વીર હિરાની (Vir Hirani) એક્ટિંગ ડેબ્યૂ કરી રહ્યો છે, જેમાં તેની સાથે અર્શદ વારસી પણ મુખ્ય રોલમાં છે.
હિરાનીએ ખુલાસો કર્યો કે તેઓ ક્યારેય પોતાના પુત્રને લોન્ચ કરવા નહોતા માંગતા. વીરે પોતે જ ડિરેક્ટર અવિનાશ અરૂણને કોઈને કહ્યા વગર ઓડિશન આપ્યું હતું અને 30 થી 40 સીનના વીડિયો મોકલીને પોતાની ક્ષમતાના જોરે આ રોલ મેળવ્યો છે.





