Home Gujarat Rajkot Rajkot Shapar Rs 2 48 Crore Robbery Case 4 More Accused Arrested

રાજકોટમાં ₹2.48 કરોડની ધાડ કેસમાં વધુ 4 આરોપી ઝડપાયા : ભાગીયો જ નીકળ્યો માસ્ટરમાઈન્ડ

આરોપીઓની છબી
Image Credit: OBS Bureau
Published by: Niraj Chokshi
Last Updated: Jul 07, 2026, 11:02 AM IST

Rajkot News: રાજકોટ જિલ્લાના શાપર ગામે થયેલી રૂ. 2.48 કરોડની સનસનીખેજ ધાડના કેસમાં જિલ્લા પોલીસને વધુ એક મોટી સફળતા મળી છે. અગાઉ ત્રણ આરોપીઓની ધરપકડ બાદ થયેલી સઘન પૂછપરછના આધારે પોલીસે વધુ ચાર આરોપીઓને ઝડપી પાડ્યા છે. આ સાથે અત્યાર સુધીમાં કુલ સાત આરોપીઓ પોલીસના હાથે ચઢ્યા છે, જ્યારે હજુ પણ છ આરોપીઓ ફરાર હોવાનું સામે આવ્યું છે. પોલીસે અત્યાર સુધીમાં રૂ. 45.50 લાખની રોકડ સહિત ધાડમાં વપરાયેલા વાહનો પણ જપ્ત કર્યા છે. રાજકોટ જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જરે સમગ્ર કેસ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, આ ધાડ કોઈ અચાનક બનેલી ઘટના નહોતી, પરંતુ પૂર્વ આયોજન સાથે અંજામ આપવામાં આવી હતી. તપાસ દરમિયાન ચોંકાવનારી વિગતો સામે આવી છે કે, જે વ્યક્તિને ઘટનાસ્થળ અને ત્યાં રહેલી રોકડની સંપૂર્ણ જાણકારી હતી, તેણે જ આરોપીઓને અંદરની માહિતી પહોંચાડી હતી.

ભાગીયાએ આપી હતી કરોડોની માહિતી

પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે, જિતેન્દ્રસિંહ જાડેજાની જમીન ખેડતા ભાગીયા પ્રવીણ પટેલના પેટા ભાગીયા બહાદુરે જ આરોપીઓને રોકડ રકમ અને સોનાની વિગતો આપી હતી. આ માહિતીના આધારે આરોપીઓએ સમગ્ર લૂંટનું કાવતરું ઘડ્યું હતું. પોલીસના જણાવ્યા મુજબ આરોપીઓએ મૂળ યોજના મુજબ 17મી તારીખે ધાડ પાડવાનો પ્લાન બનાવ્યો હતો. જોકે, સ્થાનિક માન્યતા મુજબ "કાળી ચકલી આડી પડતાં" તેમણે તે દિવસે યોજના મુલતવી રાખી હતી અને બાદમાં 18મી તારીખે ધાડને અંજામ આપ્યો હતો. આ ઘટનાથી સ્પષ્ટ થાય છે કે આરોપીઓએ માત્ર અંદરની માહિતી જ નહીં, પરંતુ ઘટનાના સમય અને આયોજન અંગે પણ લાંબા સમયથી તૈયારી કરી હતી.

આ પણ વાંચો: અમદાવાદની સમરસ ગર્લ્સ હોસ્ટેલમાં વરસાદી પાણીનો ભરાવો : 5 વર્ષથી યથાવત સમસ્યાથી વિદ્યાર્થીનીઓ પરેશાન

કોલીથડ ગામેથી વધુ ચાર આરોપીઓ ઝડપાયા

અગાઉ ઝડપાયેલા ત્રણ આરોપીઓની પૂછપરછમાં મળેલી માહિતીના આધારે પોલીસે ગોંડલ તાલુકાના કોલીથડ ગામમાં દરોડો પાડ્યો હતો. પોલીસને બાતમી મળી હતી કે લૂંટની રકમની ભાગબટાઈ કરવા માટે આરોપીઓ ત્યાં ભેગા થવાના છે. આ બાતમીના આધારે પોલીસે સફળ ટ્રેપ ગોઠવી ચારેય આરોપીઓને દબોચી લીધા હતા. ઝડપાયેલા આરોપીઓની ઓળખ વિજન માવી, રામેશ્વર ઉર્ફે પપ્પુ, રાજુ અને સાગર ઉર્ફે સાગરિયા તરીકે થઈ છે. હાલ ચારેય આરોપીઓની

સઘન પૂછપરછ ચાલી રહી છે. પોલીસને આશા છે કે આ આરોપીઓની પૂછપરછથી ફરાર અન્ય આરોપીઓ તેમજ સમગ્ર ષડયંત્ર અંગે વધુ મહત્વની માહિતી મળી શકે છે.

રૂ. 45.50 લાખ રોકડ અને વાહનો જપ્ત

પોલીસે નવી ધરપકડ દરમિયાન ચાર આરોપીઓ પાસેથી રૂ. 12.50 લાખની રોકડ રકમ જપ્ત કરી છે. અગાઉ જપ્ત કરાયેલી રકમ સાથે અત્યાર સુધીમાં કુલ રૂ. 45.50 લાખની રોકડ પોલીસના કબજામાં આવી છે.

આ ઉપરાંત આરોપીઓએ ધાડને અંજામ આપવા માટે જે બાઈક અને તૂફાન ગાડીનો ઉપયોગ કર્યો હતો તે બંને વાહનો પણ પોલીસે કબજે કર્યા છે. આ વાહનોની ફોરેન્સિક તપાસ સહિત અન્ય તકનીકી તપાસ હાથ ધરવામાં આવી રહી છે જેથી વધુ પુરાવા એકત્ર કરી શકાય. તપાસ અધિકારીઓનું માનવું છે કે લૂંટની બાકીની રકમ અને અન્ય મુદ્દામાલ પણ ટૂંક સમયમાં મળી શકે છે.

આ પણ વાંચો: ઝાડૂને લાત મારી કમળ પકડનારા કરપડાને ભાજપે આપ્યો 'લાડવો'! : ચૂંટણીઓ પુરી થતાં જ અચાનક સોંપાઈ આટલી મોટી જવાબદારી

હજુ 6 આરોપીઓ પોલીસ પકડથી દૂર

જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જરે જણાવ્યું હતું કે સમગ્ર કાવતરામાં અનેક લોકો સંડોવાયેલા છે અને હજુ પણ છ આરોપીઓ ફરાર છે. તેમની ધરપકડ માટે અલગ-અલગ પોલીસ ટીમો બનાવવામાં આવી છે અને સંભવિત સ્થળોએ સતત દરોડા પાડવામાં આવી રહ્યા છે. પોલીસ ટેક્નિકલ સર્વેલન્સ, મોબાઇલ લોકેશન, સીસીટીવી ફૂટેજ અને માનવબાતમીના આધારે ફરાર આરોપીઓ સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહી છે. તપાસના આગામી તબક્કામાં વધુ ધરપકડ થવાની શક્યતા પણ નકારી શકાય તેમ નથી.

પોલીસ તપાસમાં અનેક નવા ખુલાસાની શક્યતા

આ સમગ્ર કેસમાં સૌથી મહત્વનો મુદ્દો એ રહ્યો છે કે અંદરની માહિતીના આધારે કરોડોની ધાડનું આયોજન કરવામાં આવ્યું હતું. પોલીસ હવે આર્થિક વ્યવહારો, આરોપીઓ વચ્ચેના સંપર્કો અને લૂંટની રકમ ક્યાં-ક્યાં ખર્ચાઈ અથવા છુપાવવામાં આવી છે તેની પણ તપાસ કરી રહી છે.

રાજકોટ જિલ્લામાં બનેલી આ કરોડોની ધાડની ઘટનાએ કાયદો-વ્યવસ્થાને લઈને અનેક પ્રશ્નો ઉભા કર્યા હતા. જોકે જિલ્લા પોલીસ દ્વારા સતત કાર્યવાહી કરીને અત્યાર સુધીમાં સાત આરોપીઓની ધરપકડ, લાખો રૂપિયાની રોકડ અને ઘટનામાં વપરાયેલા વાહનો જપ્ત કરવામાં આવ્યા છે. હવે પોલીસનું સમગ્ર ધ્યાન બાકીના છ ફરાર આરોપીઓને ઝડપીને સમગ્ર કાવતરાનો સંપૂર્ણ ભેદ ઉકેલવા પર કેન્દ્રિત છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now