Home Gujarat Rajkot International Kite Festival On January 10 More Than 50 Countries Will Hosted By The Municipal Corporation

રાજકોટમાં આ તારીખે યોજાશે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ : 50થી વધુ દેશોના પતંગબાજો ભાગ લેશે, મહાપાલિકાના યજમાનપદે કરાશે ભવ્ય આયોજન

રાજકોટમાં આ તારીખે યોજાશે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ
Published by: OBS Bureau
Last Updated: Jan 03, 2026, 07:31 AM IST

રાજકોટ: ઉત્તરાયણની ઉજવણીના ભાગરૂપે ગુજરાતની સાંસ્કૃતિક ઓળખ બની ચૂકેલો આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ આ વર્ષે રાજકોટમાં ખાસ રંગે યોજાશે. 10 જાન્યુઆરીએ યોજાનારો આ મહોત્સવ વાઇબ્રન્ટ ગુજરાત સમિટના એક દિવસ અગાઉ આવી રહ્યો છે, જેના કારણે તેનું મહત્વ વધુ વધી ગયું છે. અગાઉ ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા આયોજિત થતો આ મહોત્સવ હવે રાજકોટ મહાનગરપાલિકાના યજમાનપદે યોજાશે. 50થી વધુ દેશોના 150થી વધુ પતંગબાજોએ પહેલેથી જ રજિસ્ટ્રેશન કરાવી દીધું છે, અને હજુ વધુ રજિસ્ટ્રેશન ચાલુ છે.

વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ સમિટના કારણે રાજકોટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિ અને અન્ય મહત્વના કાર્યક્રમોને ધ્યાનમાં રાખીને મહોત્સવનું સ્થળ અને આયોજન બદલવામાં આવ્યું છે. રેસકોર્સ મેદાનની અનુપલબ્ધતા અને અન્ય વિસ્તારોમાં વાઇબ્રન્ટ સમિટના કાર્યક્રમોને કારણે મહાપાલિકા હવે ધર્મેન્દ્રસિંહજી કોલેજ સહિત ચાર અલગ-અલગ મેદાનોમાંથી એકની પસંદગી કરી રહી છે. આ મહોત્સવ રાજકોટની સાંસ્કૃતિક ધરોહરને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરવાની સાથે વાઇબ્રન્ટ સમિટના વાતાવરણને વધુ રંગીન બનાવશે.

વાઇબ્રન્ટ સમિટના એક દિવસ અગાઉ પતંગ મહોત્સવ

11 જાન્યુઆરીએ રાજકોટની મારવાડી કોલેજમાં ગુજરાત રીજનલ વાઇબ્રન્ટ સમિટનું આયોજન છે, જેના ઉદ્ઘાટન માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બપોરે રાજકોટ પહોંચશે. આ કાર્યક્રમને અનુલક્ષીને મહાપાલિકા વડાપ્રધાનના રોડ શો અને અન્ય વ્યવસ્થાઓમાં વ્યસ્ત છે. તે જ સમયે, વાઇબ્રન્ટ સમિટના એક દિવસ અગાઉ 10 જાન્યુઆરીએ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજીને શહેરના વાતાવરણને ઉત્સાહથી ભરી દેવામાં આવશે.

મહાપાલિકાના યજમાનપદે આયોજન

અગાઉ પ્રવાસન વિભાગ દ્વારા આ મહોત્સવનું આયોજન થતું હતું, પરંતુ રેસકોર્સ મેદાનની અનુપલબ્ધતાને કારણે પ્રવાસન વિભાગે જવાબદારી મહાનગરપાલિકાને સોંપી દીધી છે. મેયર નયના પેઢડિયાએ જણાવ્યું કે ગુજરાત ટૂરિઝમના સચિવ સાથેની વીડિયો કોન્ફરન્સ બાદ આ નિર્ણય લેવાયો છે. હવે મહાપાલિકા આ મહોત્સવનું સંપૂર્ણ આયોજન કરશે.

સ્થળની શક્યતાઓ: ચાર મેદાનોમાંથી એકની પસંદગી

સામાન્ય રીતે રેસકોર્સ કે ધર્મેન્દ્રસિંહજી કોલેજના મેદાનમાં મહોત્સવ યોજાતો હોય છે, પરંતુ આ વખતે રેસકોર્સ મેદાન 11-12 જાન્યુઆરીએ ખાનગી પાર્ટી દ્વારા બુક છે અને વડાપ્રધાનના કાર્યક્રમ માટે પાર્કિંગ વ્યવસ્થા તરીકે વાપરાશે. અટલ સરોવર વિસ્તારમાં મુખ્યમંત્રીના ગાલા ડિનરનું આયોજન છે. તેથી મહાપાલિકા ધર્મેન્દ્રસિંહજી કોલેજ, વિરાણી હાઇસ્કૂલ, શાસ્ત્રી મેદાન અને ચૌધરી હાઇસ્કૂલના મેદાનમાંથી એકની પસંદગી કરી રહી છે.

50થી વધુ દેશોના પતંગબાજોની ભાગીદારી

મહોત્સવમાં 50થી વધુ દેશોના 150થી વધુ પતંગબાજોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે અને હજુ રજિસ્ટ્રેશન ચાલુ છે. મેયરના જણાવ્યા મુજબ, વધુ પતંગબાજોની અપેક્ષા છે, તેથી તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આ મહોત્સવ રાજકોટને વૈશ્વિક પતંગબાજીના કેન્દ્ર તરીકે સ્થાપિત કરશે અને વાઇબ્રન્ટ સમિટના વાતાવરણને વધુ રંગીન બનાવશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now