Rajkot Census 2026: રાજકોટ શહેર અને જિલ્લામાં આગામી મહિને શરૂ થનારી વસ્તી ગણતરીને લઈને તંત્ર દ્વારા જોરશોરથી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. 1થી 30 જૂન દરમિયાન હાથ ધરાનારી આ મહત્વપૂર્ણ રાષ્ટ્રીય પ્રક્રિયામાં કુલ 7,375 કર્મચારીઓ ફરજ બજાવશે, જ્યારે પ્રથમ તબક્કામાં ઘર ગણતરીની કામગીરી હાથ ધરાશે. ખાસ વાત એ છે કે, વસ્તી ગણતરી જેવી સંવેદનશીલ અને રાષ્ટ્રીય મહત્વની કામગીરીમાં બેદરકારી દાખવનાર કર્મચારીઓ સામે આ વખતે તંત્ર કડક વલણ અપનાવવાના મૂડમાં છે. સેન્સસ એક્ટ-1948 અને ભારતીય ન્યાય સંહિતાની જોગવાઈઓ હેઠળ ફરજથી ગેરહાજર રહેતા અથવા કામગીરીમાં બેદરકારી દાખવનાર કર્મચારીઓ સામે ત્રણ વર્ષની જેલ અને દંડ જેવી કડક કાર્યવાહી થઈ શકે છે. જેના કારણે સરકારી કર્મચારીઓમાં પણ આ પ્રક્રિયાને લઈને ગંભીરતા વધી છે. રાજકોટ શહેર અને જિલ્લામાં આ વખતે વસ્તી ગણતરીને વધુ સુચારુ અને ટેક્નોલોજી આધારિત બનાવવા માટે પ્રથમ વખત ડિજિટલ પ્લેટફોર્મ અને ‘સેલ્ફ-એન્યુમરેશન’ની સુવિધા પણ શરૂ કરવામાં આવી છે, જેના કારણે નાગરિકો ઘરે બેઠા પોતાની માહિતી નોંધાવી શકશે.
રાજકોટમાં 7,375 કર્મચારીઓ સંભાળશે વસ્તી ગણતરીની જવાબદારી
રાજકોટ શહેર અને જિલ્લામાં વસ્તી ગણતરી માટે મોટા પાયે માનવબળની ફાળવણી કરવામાં આવી છે. રાજકોટ મહાનગરપાલિકાના ચૂંટણી વિભાગના અધિકારી પ્રણય પંચાલના જણાવ્યા મુજબ, અત્યાર સુધીમાં શહેર વિસ્તારમાં 4,200 કર્મચારીઓની નિમણૂક માટે ઓર્ડર કરવામાં આવ્યા છે. શહેરના કુલ 18 વોર્ડમાં 18 ચાર્જ અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે, જ્યાં 1થી 30 જૂન દરમિયાન સમાંતર રીતે કામગીરી હાથ ધરાશે. દરેક ચાર્જ અધિકારી હેઠળ સુપરવાઇઝર અને એન્યુમરેટર્સની ટીમ કાર્યરત રહેશે. બીજી તરફ રાજકોટ જિલ્લામાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકા વિસ્તારોમાં 2,711 ગણતરીદારો અને 446 સુપરવાઇઝર મળી કુલ 3,157 કર્મચારીઓ જનગણનાની કામગીરીમાં જોડાશે.
15 મેથી તાલીમ, 17 મેથી શરૂ થશે સેલ્ફ-એન્યુમરેશન
વસ્તી ગણતરીની કામગીરી સરળતાથી પૂર્ણ થાય તે માટે તંત્ર દ્વારા તાલીમ પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવી છે. 15 મેથી સુપરવાઇઝર અને ફિલ્ડ ટ્રેનર્સને તાલીમ આપવામાં આવશે, જેથી તેઓ ઘરગથ્થુ માહિતી એકત્રિત કરવાની પ્રક્રિયા અને ડિજિટલ સિસ્ટમ અંગે પૂરતી સમજ મેળવી શકે. આ વખતે ગુજરાતમાં પ્રથમ વખત ડિજિટલ પ્લેટફોર્મનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. 17 મે, 2026થી 31 મે સુધી નાગરિકો ‘સેલ્ફ-એન્યુમરેશન’ પોર્ટલ પર જઈને પોતાની વિગતો ઓનલાઇન નોંધાવી શકશે.
નાગરિકો પોતાના મોબાઈલ અથવા કમ્પ્યુટર મારફતે કુલ 16 ભાષાઓમાં માહિતી ભરી શકશે, જેના કારણે ઘર-ઘર જઈને માહિતી એકત્રિત કરવાની પ્રક્રિયા પણ વધુ સરળ બનશે.
કઈ માહિતી પૂછવામાં આવશે?
વસ્તી ગણતરી દરમિયાન નાગરિકોને ઘર, સુવિધાઓ અને વ્યક્તિગત માહિતી સંબંધિત કુલ 33 મહત્વપૂર્ણ પ્રશ્નો પૂછવામાં આવશે.
આમાં મુખ્યત્વે:
મકાનનું માળખું અને માલિકી
પીવાનું પાણી અને શૌચાલયની સુવિધા
ગેસ કનેક્શન અને ઘરેલુ સુવિધાઓ
ટીવી, વાહન, લેપટોપ, ઇન્ટરનેટ જેવી અસ્કયામતો
ઉંમર, શિક્ષણ, વ્યવસાય, ધર્મ અને માતૃભાષા જેવી વ્યક્તિગત વિગતો
જો કે તંત્રએ સ્પષ્ટ કર્યું છે કે બેંક બેલેન્સ, આવક, આધાર કાર્ડ અથવા PAN કાર્ડ જેવી વ્યક્તિગત નાણાકીય માહિતી માંગવામાં આવશે નહીં. નાગરિકોની માહિતી સંપૂર્ણપણે સુરક્ષિત રાખવામાં આવશે.
બેદરકારી દાખવનાર કર્મચારીઓ સામે કડક કાર્યવાહી
વસ્તી ગણતરી દરમિયાન ફરજથી ગેરહાજર રહેતા અથવા ખોટા બહાના હેઠળ કામગીરીથી દૂર રહેવાનો પ્રયાસ કરતા કર્મચારીઓ સામે કડક પગલાં ભરવાની ચેતવણી આપવામાં આવી છે. તંત્રના જણાવ્યા મુજબ, જે કર્મચારીઓ ઓર્ડર મળ્યા બાદ પણ ચાર્જ ઓફિસરને યોગ્ય પ્રતિસાદ આપતા નથી અથવા હાજર રહેતા નથી, તેમની સામે સેન્સસ એક્ટ 1948 તેમજ ભારતીય ન્યાય સંહિતાની કલમ 222 અને 223 હેઠળ કાર્યવાહી થઈ શકે છે. ખાસ કરીને ખોટા દસ્તાવેજો અથવા ખોટી દવાઓ બતાવી મુક્તિ મેળવવાનો પ્રયાસ કરનાર કર્મચારીઓ સામે કલમ 11 મુજબ ત્રણ વર્ષની જેલ અને દંડની સજા થઈ શકે છે.
આ પણ વાંચો: અમદાવાદના રસ્તાઓ પર હવે ટ્રાફિક જામની ટેન્શન ખતમ! : 600 નવા TRB જવાનોની ફૌજ મેદાનમાં, આજથી જ સંભાળશે મોરચો
અધ્યાપકોની નિમણૂક સામે ઉઠ્યા સવાલો
બીજી તરફ વસ્તી ગણતરીની કામગીરીમાં રાજકોટની સરકારી ઇજનેરી કોલેજોના ક્લાસ-1 અને ક્લાસ-2ના પ્રોફેસર તેમજ રિસર્ચર કક્ષાના અધ્યાપકોને સુપરવાઇઝર તરીકે નિમણૂક આપવામાં આવતા શિક્ષણ જગતમાં ચિંતા વ્યક્ત કરવામાં આવી છે.
અધ્યાપક મંડળોનું માનવું છે કે સરકારી ઇજનેરી કોલેજોમાં BE અને ME સહિતના વિવિધ કોર્સમાં 3,000થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે, ત્યારે પ્રોફેસરોને વસ્તી ગણતરીમાં જોડવાથી નિયમિત શૈક્ષણિક કાર્ય પર અસર પડી શકે છે.
આ મુદ્દે વિવિધ અધ્યાપક સંગઠનો દ્વારા સરકાર સમક્ષ રજૂઆત કરીને ઇજનેરી કોલેજોના અધ્યાપકોને વસ્તી ગણતરીની કામગીરીમાંથી બાકાત રાખવા અને જારી કરાયેલા આદેશો પર પુનર્વિચાર કરવાની માંગ કરવામાં આવી છે.
શા માટે મહત્વપૂર્ણ છે આ વસ્તી ગણતરી?
વસ્તી ગણતરી માત્ર લોકોની સંખ્યા જાણવાની પ્રક્રિયા નથી, પરંતુ સરકાર માટે વિકાસ યોજનાઓ ઘડવાનો આધારસ્તંભ છે. શિક્ષણ, આરોગ્ય, રોજગાર, રહેઠાણ, પરિવહન અને અન્ય સરકારી સુવિધાઓની યોજના બનાવવા માટે આ માહિતી અત્યંત મહત્વની સાબિત થાય છે. આ કારણે તંત્ર દ્વારા આ વખતે ટેક્નોલોજી આધારિત અને વધુ પારદર્શક પ્રક્રિયા અપનાવીને જનગણનાને સફળ બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.





