રાજસ્થાનમાં ભીલવાડાના એસડીએમ છોટુ લાલ શર્માને તેમની અયોગ્ય વર્તણૂકને પગલે સરકારે વહીવટી ધોરણે સસ્પેન્ડ કરી દીધા છે. પેટ્રોલ પંપ પર કર્મચારીને થપ્પડ મારતો તેમનો વીડિયો બહાર આવ્યા બાદ આ પગલું લેવામાં આવ્યું છે.
મુખ્યમંત્રી ભજનલાલ શર્માના નિર્દેશ બાદ કર્મચારી વિભાગે તરત જ કાર્યવાહી હાથ ધરી હતી. સસ્પેન્શનનો આદેશ સંયુક્ત સચિવ ડૉ. ધીરજ કુમાર સિંહ દ્વારા જારી થયો હતો. હકિકતમાં, આદેશમાં સ્પષ્ટ કારણ ઉલ્લેખાયું નથી, પરંતુ શિસ્તભંગ અને અસંયમ વર્તનને આ માટે જવાબદાર માનવામાં આવે છે. હાલ શર્મા જયપુર સચિવાલયમાં કર્મચારી વિભાગ સાથે જોડાયેલા રહેશે.
અંગત જીવનના વિવાદો બહાર આવ્યા
વીડિયો વાયરલ થયા બાદ હવે છોટુ લાલ શર્માના વ્યક્તિગત જીવન સંબંધિત નવા ખુલાસા સામે આવ્યા છે. માહિતી મુજબ, જે મહિલા પેટ્રોલ પંપ વિવાદ દરમિયાન તેમના સાથે દેખાઈ હતી, તે તેમની બીજી પત્ની દીપિકા વ્યાસ હોવાનું કહેવાય છે.
આ વચ્ચે, તેમની પહેલી પત્ની પૂનમ ઝાખેડિયાનો દાવો છે કે છોટુ લાલ શર્માએ હજુ સુધી છૂટાછેડા લીધા નથી અને પરિવારમાં હિંસા, દહેજની માંગણી તેમજ મારપીટ જેવી ઘટનાઓ કરી છે. પૂનમનો આક્ષેપ છે કે શર્માએ તેણે અને બાળકોને ઘર બહાર કાઢી મૂક્યા હતા અને વર્ષોથી માનસિક અને શારીરિક ત્રાસ આપ્યો હતો.
કોર્ટમાં ચાલી રહ્યો છે વિવાદ
દસ્તાવેજો મુજબ, પૂનમ ઝાખેડિયા અને છોટુ લાલ શર્મા વચ્ચે 2008માં લગ્ન થયા હતા અને તેમને બે સંતાનો, 14 વર્ષની પુત્રી સભ્યતા અને 10 વર્ષનો પુત્ર અભિનવ છે.
પૂનમ દ્વારા દાખલ કરાયેલી FIR (18 જાન્યુઆરી, 2022)માં દહેજની માંગણી, ઘરેલુ હિંસા અને ગેરકાયદેસર સંબંધો સહિતના ગંભીર આક્ષેપો લગાવવામાં આવ્યા હતા. 2021ની એક ઘટના મુજબ, છોટુ લાલ શર્માએ ઘરના દાગીના અને સામાન પર કબજો જમાવી પત્ની અને સંતાનોને બહાર કાઢી મૂક્યા હતા.
આ મામલો હાલમાં કોર્ટમાં ચાલી રહ્યો છે, અને બંને પક્ષોની રજૂઆતો પર પ્રક્રિયા ચાલુ છે.
SDMનો પ્રતિભાવ
છોટુ લાલ શર્માએ ફોન પર આપેલી સ્પષ્ટીકરણમાં કહ્યું છે કે તેમણે લગભગ બે વર્ષ પહેલા છૂટાછેડા લીધા છે અને ત્યાર બાદ દીપિકા સાથે લગ્ન કર્યા છે. તેમના જણાવ્યા મુજબ, પહેલી પત્ની પૂનમના બંને બાળકો હાલ તેમના સાથે જ રહે છે, જ્યારે દીપિકાથી તેમને એક બે વર્ષનો પુત્ર છે.
સરકારની કડક કાર્યવાહી
રાજ્ય સરકારે આ આખા વિવાદને ગંભીરતાથી લીધો છે. ભજનલાલ શર્માની સરકારના વલણ મુજબ, વહીવટી અધિકારીઓ પાસેથી ઉંચા નૈતિક ધોરણો અપેક્ષિત છે. અધિકારીઓએ જાહેરમાં શિસ્ત અને સૌજન્ય જાળવવું જરૂરી ગણાવાયું છે.
સત્તાવાર સૂત્રોના જણાવ્યા મુજબ, છોટુ લાલ શર્મા વિરુદ્ધની અનુશાસનાત્મક તપાસ ચાલુ છે અને તેમની વ્યક્તિગત અને વહીવટી કારકિર્દી સંબંધિત રિપોર્ટ હજી બાકી છે.






