રાજસ્થાનના જૈસલમેરમાં થયેલા ભયાનક બસ અકસ્માતે સમગ્ર રાજ્યને હચમચાવી દીધું છે. આ દુઃખદ ઘટનામાં વીસ લોકો જીવતા બળી ગયા હોવાની પુષ્ટિ થઈ છે. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આગ લાગેલી બસ મૂળ રૂપે નોન-એસી બસ તરીકે નોંધાયેલી હતી, પરંતુ માલિકે નિયમોનું ઉલ્લંઘન કરીને તેને એસી બસમાં બદલી નાખી હતી.
પરિવહન વિભાગના અધિકારીઓને આ ગેરકાયદેસર ફેરફાર વિશે કોઈ માહિતી નહોતી. અકસ્માત બાદ હવે માલિકની અન્ય બસોની પણ તપાસ શરૂ કરવામાં આવી છે.
કલેક્ટરની તાત્કાલિક કાર્યવાહી
અકસ્માત પછી રાજ્ય સરકારે તાત્કાલિક તપાસના આદેશ આપ્યા હતા. તેના અનુસંધાને ચિત્તોડગઢ જિલ્લા કલેક્ટર આલોક રંજને બુધવારે પ્રાદેશિક પરિવહન અધિકારીની ઓફિસની મુલાકાત લીધી.
તેમણે ટ્રાન્સપોર્ટ ઓફિસર નેમીચંદ પારીક અને જિલ્લા પરિવહન અધિકારી નીરજ શાહ પાસેથી બસના રજીસ્ટ્રેશન દસ્તાવેજો વિશે વિગતવાર પૂછપરછ કરી.
નોન-એસીથી એસીમાં ફેરફારની શંકા
પરિવહન અધિકારીઓના જણાવ્યા અનુસાર, બસ નોન-એસી શ્રેણીમાં નોંધાયેલી હતી, પરંતુ માલિકે પરવાનગી વિના એસી સિસ્ટમ ઉમેરાવી હતી.
જિલ્લા પરિવહન અધિકારી નીરજ શાહે જણાવ્યું કે,
“બસનું રજીસ્ટ્રેશન 21 મેના રોજ થયું હતું અને ત્રણ મહિનાની અંદર રસ્તા પર મૂકવામાં આવી હતી.
નોંધણીના 15 દિવસની અંદર કોઈ ફેરફાર કરવામાં આવ્યા હતા કે કેમ તે તપાસ પછી સ્પષ્ટ થશે.”
નવી બસ, માત્ર 14 દિવસમાં દુર્ઘટના
તપાસમાં એ પણ બહાર આવ્યું છે કે બસ 1 ઓક્ટોબરના રોજ પ્રથમ વખત રસ્તા પર દોડાવવામાં આવી હતી, જ્યારે અકસ્માત 14 ઓક્ટોબરે થયો હતો.
નવજી બસ સાથે થયેલા આ ગંભીર અકસ્માતે બાંધકામની ગુણવત્તા, તકનીકી ચકાસણી અને સલામતી પ્રક્રિયા પર પ્રશ્નો ઉભા કર્યા છે.
રાજ્ય સરકારે હવે તમામ નોંધાયેલ બસોનું તકનીકી નિરીક્ષણ ફરજિયાત કરવાનો નિર્ણય લીધો છે, જેથી આવી ઘટનાઓ ફરી ન બને.






