Home National Raghav Chadha Fruit Juice Brands Telecom Data Carry Forward

શું તમે ફ્રૂટ જ્યુસના નામે માત્ર ખાંડવાળું પાણી પી રહ્યા છો? : સાંસદ રાઘવ ચઢ્ઢાએ રાજ્યસભામાં મોટી બ્રાન્ડ્સનો કર્યો પર્દાફાશ

શું તમે ફ્રૂટ જ્યુસના નામે માત્ર ખાંડવાળું પાણી પી રહ્યા છો?
Published by: Vishal Dave
Last Updated: Mar 24, 2026, 04:50 PM IST

આમ આદમી પાર્ટીના યુવા સાંસદ રાઘવ ચઢ્ઢા રાજ્યસભામાં ગ્રાહકોના હિત માટે સતત અવાજ ઉઠાવી રહ્યા છે. અગાઉ બેંકોના ચાર્જિસ અને ડિલિવરી બોયના પ્રશ્નો ઉઠાવ્યા બાદ હવે તેમણે ફ્રૂટ જ્યુસ બનાવતી કંપનીઓની ચાલાકીનો મુદ્દો સંસદમાં રજૂ કર્યો છે. રાઘવ ચઢ્ઢાએ આરોપ લગાવ્યો છે કે મોટી ફૂડ બ્રાન્ડ્સ પેકેટ પર તાજા ફળોના ચિત્રો બતાવીને ગ્રાહકોને માત્ર મીઠું પાણી પીવડાવી રહી છે.

ભ્રામક બ્રાન્ડિંગ અને સ્વાસ્થ્ય સાથે ચેડાં

રાઘવ ચઢ્ઢાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું કે કંપનીઓ પેકેટ પર ચમકદાર ફળોના ફોટા છાપે છે, પરંતુ પાછળ નાના અક્ષરે લખે છે કે 'આ તસવીરો માત્ર માર્કેટિંગ માટે છે'. તેમણે ચેતવણી આપી કે આવી ભ્રામક જાહેરાતો લાખો લોકોને, ખાસ કરીને નાના બાળકોને ડાયાબિટીસ અને અન્ય ગંભીર બીમારીઓ તરફ ધકેલી રહી છે. તેમણે સરકારને અપીલ કરી છે કે જ્યુસના પેકેટ પાછળ છુપાયેલી સત્યતા લોકો સામે લાવવી જોઈએ અને આવી કંપનીઓ સામે કડક પગલાં લેવા જોઈએ.

ટેલિકોમ કંપનીઓની ડેટા લૂંટ સામે પણ બાંયો ચઢાવી

જ્યુસ ઉપરાંત રાઘવ ચઢ્ઢાએ મોબાઈલ યૂઝર્સને પડતી મુશ્કેલીઓ વિશે પણ ધારદાર રજૂઆત કરી હતી. તેમણે કહ્યું કે ટેલિકોમ કંપનીઓ 1.5GB કે 2GB ડેઈલી ડેટા લિમિટવાળા પ્લાન આપે છે. જો કોઈ યૂઝર દિવસના અંતે ડેટા પૂરો ન વાપરે, તો તે ડેટા મધ્યરાત્રિએ એક્સપાયર થઈ જાય છે. રાઘવ ચઢ્ઢાની માંગ છે કે જે ડેટા માટે ગ્રાહકોએ પૂરા પૈસા ચૂકવ્યા છે, તે ડેટા બીજા દિવસે ટ્રાન્સફર (Carry Forward) થવો જોઈએ.

સંસદમાં રાઘવ ચઢ્ઢાની મુખ્ય માંગણીઓ:

  1. ડેટા રોલઓવર સુવિધા: દિવસના અંતે વધેલો ડેટા આગામી દિવસની લિમિટમાં ઉમેરવો જોઈએ.

  2. રિચાર્જમાં એડજસ્ટમેન્ટ: જો કોઈ યૂઝર સતત ઓછો ડેટા વાપરે છે, તો તેના બદલામાં આગામી મહિનાના રિચાર્જમાં વળતર અથવા ડિસ્કાઉન્ટ મળવું જોઈએ.

  3. ડેટા ટ્રાન્સફરની આઝાદી: મોબાઈલ ડેટાને ગ્રાહકની ડિજિટલ પ્રોપર્ટી ગણવી જોઈએ. યૂઝર્સ પોતાનો વધેલો ડેટા મિત્રો કે સગા સંબંધીઓને ટ્રાન્સફર કરી શકે તેવી વ્યવસ્થા હોવી જોઈએ.

રાઘવ ચઢ્ઢાએ મોબાઈલ ડેટાને 'ડિજિટલ ઓક્સિજન' ગણાવતા કહ્યું કે ટેલિકોમ કંપનીઓની આ લૂંટ હવે બંધ થવી જોઈએ. ગ્રાહકોને તેમના પૈસાનું પૂરેપૂરું વળતર મળે તે સુનિશ્ચિત કરવું જરૂરી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now