Home National Raghav Chadha Explains Reasons To Join Bjp Aap Mps Merger Rajya Sabha

"સાચો માણસ ખોટી પાર્ટીમાં હતો" : AAP છોડ્યા બાદ રાઘવ ચઢ્ઢાએ ભાજપમાં જોડાવાનું અસલી કારણ જણાવ્યું

Raghav Chadha Video, AAP vs BJP
Published by: Nirali Gohil
Last Updated: Apr 27, 2026, 11:40 AM IST

Raghav Chadha BJP: આમ આદમી પાર્ટીના સ્થાપક સભ્યોમાંના એક અને જાણીતો ચહેરો એવા રાઘવ ચઢ્ઢાએ ભાજપમાં જોડાયા બાદ પોતાનો પ્રથમ વીડિયો સંદેશ જાહેર કરીને રાજકીય ગરમાવો વધારી દીધો છે. રાઘવ ચઢ્ઢાએ AAP પર આકરા પ્રહારો કરતા જણાવ્યું છે કે, જે પક્ષ માટે તેમણે પોતાની ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની શાનદાર કારકિર્દી છોડીને 15 વર્ષ આપ્યા, તે પક્ષ હવે તેના મૂળ આદર્શોથી ભટકી ગયો છે. તેમણે AAPના કાર્યકારી વાતાવરણને 'ટોક્સિક' (ઝેરીલું) ગણાવતા કહ્યું કે હવે ત્યાં કામ કરવું કે મુક્તપણે બોલવું અશક્ય બની ગયું હતું.

રાઘવ ચઢ્ઢાની સાથે AAPના કુલ 7 સાંસદોએ એકસાથે પક્ષ છોડીને ભાજપ સાથે વિલીનીકરણ કર્યું છે, જેને રાજ્યસભાના અધ્યક્ષ દ્વારા સત્તાવાર મંજૂરી પણ આપી દેવામાં આવી છે. આ મોટા પક્ષપલટાને કારણે રાજ્યસભામાં આમ આદમી પાર્ટીનું સંખ્યાબળ ઘટીને માત્ર 3 પર આવી ગયું છે, જ્યારે ભાજપ 113 સાંસદો સાથે વધુ મજબૂત બન્યું છે. રાઘવે વીડિયોમાં સ્પષ્ટ કર્યું કે જો એક-બે માણસ પક્ષ છોડે તો તે ખોટા હોઈ શકે, પણ જો 10 માંથી 7 સાંસદો પક્ષ છોડતા હોય તો ચોક્કસપણે પક્ષની અંદર જ કંઈક મોટી ખામી છે.

રાઘવ ચઢ્ઢાએ આપ્યા પક્ષ છોડવાના 3 મહત્વના કારણો

  1. ઝેરીલું કાર્ય વાતાવરણ (Toxic Environment): રાઘવે જણાવ્યું કે પાર્ટીમાં હવે વ્યાવસાયિક કે સકારાત્મક વાતાવરણ રહ્યું નથી. સાંસદોને સંસદમાં જનતાના મુદ્દા ઉઠાવતા રોકવામાં આવતા હતા અને પક્ષમાં અમુક ભ્રષ્ટ લોકોનું વર્ચસ્વ વધી ગયું હતું.

  2. સિદ્ધાંતોથી ભટકેલી પાર્ટી: જે અણ્ણા આંદોલન અને પ્રામાણિકતાના પાયા પર પક્ષ બન્યો હતો, તે હવે માત્ર અંગત ફાયદા અને સત્તા માટે કામ કરનારા લોકોના હાથમાં ફસાઈ ગઈ છે.

  3. પોઝિટિવ પોલિટિક્સની શોધ: રાઘવ અનુસાર, તેમની પાસે રાજકારણ છોડવાનો અથવા મૂંગા મોઢે અન્યાય સહન કરવાનો વિકલ્પ હતો, પરંતુ તેમણે દેશના વિકાસ માટે ભાજપના સકારાત્મક રાજકારણ સાથે જોડાવવાનું મુનાસિબ માન્યું.

સુરક્ષામાં ફેરફાર અને પંજાબમાં વિરોધ

આ રાજકીય ઉથલપાથલની સીધી અસર સાંસદોની સુરક્ષા પર જોવા મળી છે. રાઘવ ચઢ્ઢા અને પૂર્વ ક્રિકેટર હરભજન સિંહ ભાજપમાં જોડાતા જ પંજાબની AAP સરકારે તેમની રાજ્ય પોલીસની સુરક્ષા પાછી ખેંચી લીધી હતી. જોકે, કેન્દ્ર સરકારે તાત્કાલિક પગલાં ભરીને રાઘવ ચઢ્ઢાને Z+ અને હરભજન સિંહને Y કેટેગરીની CRPF સુરક્ષા પૂરી પાડી છે. બીજી તરફ, પંજાબમાં AAP કાર્યકરો દ્વારા આ સાંસદોના ઘરની બહાર પ્રદર્શનો કરવામાં આવ્યા છે અને તેમની દિવાલો પર 'ગદ્દાર' જેવા શબ્દો લખીને રોષ ઠાલવવામાં આવ્યો છે.

આ પણ વાંચો: કોંગ્રેસે મહેસાણામાં બોગસ મતદાન થયાનો કર્યો આક્ષેપ : બૂથ વાઈઝ લિસ્ટ આપવા માંગ

રાજ્યસભામાં સમીકરણો બદલાયા

રાઘવ ચઢ્ઢા, ડો. સંદીપ પાઠક, અશોક મિત્તલ, હરભજન સિંહ, સ્વાતિ માલીવાલ, વિક્રમજીત સાહની અને રાજિંદર ગુપ્તા હવે સત્તાવાર રીતે ભાજપના સાંસદ બની ગયા છે. બંધારણની દસમી અનુસૂચિ મુજબ, જો બે-તૃતીયાંશ સભ્યો પક્ષ છોડે તો તે વિલીનીકરણ ગણાય છે અને તેમની સદસ્યતા રદ થતી નથી. આ ટેકનિકલ કારણોસર AAP માટે આ સાંસદોને ગેરલાયક ઠેરવવા મુશ્કેલ બનશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now