કતારમાં થયેલી ઔદ્યોગિક દુર્ઘટનાએ ગુજરાતના એક પરિવારને ગમગીન કરી દીધો છે. સુરત જિલ્લાના ભીમપર ગામના મૂળ રહેવાસી સની પટેલનું કતારમાં થયેલા બ્લાસ્ટમાં મોત નીપજ્યું હોવાનું સામે આવતા પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. વિદેશમાં મહેનત કરીને પરિવારનું ભવિષ્ય ઉજ્જવળ બનાવવા ગયેલા સની પટેલના અચાનક અવસાનના સમાચાર મળતાં પરિવારજનો, સગાસંબંધીઓ અને સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.
મળતી માહિતી મુજબ, કતારના એક મોટા ગેસ ઉત્પાદન અને નિકાસ કેન્દ્રમાં રવિવારે થયેલી દુર્ઘટના બાદ સની પટેલ સાથેનો સંપર્ક તૂટી ગયો હતો. ઘટના બાદ પરિવાર સતત તેમની માહિતી મેળવવા પ્રયાસ કરી રહ્યો હતો. શરૂઆતમાં પરિવારને આશા હતી કે સની સુરક્ષિત હશે, પરંતુ દિવસો સુધી કોઈ સંપર્ક ન થતાં ચિંતા વધી રહી હતી.
ભાઈએ કરી મૃતદેહની ઓળખ
દુર્ઘટના બાદ સ્થાનિક સત્તાધિકારીઓ અને સંબંધિત એજન્સીઓ દ્વારા ઓળખ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. અંતે સની પટેલના ભાઈએ મૃતદેહની ઓળખ કરતા દુઃખદ હકીકત સામે આવી હતી. આ સમાચાર મળતાં પરિવારની તમામ આશાઓ તૂટી પડી હતી. હાલ ભારતના દૂતાવાસની મદદથી મૃતદેહને વતન મોકલવાની પ્રક્રિયા ચાલી રહી છે. મળતી માહિતી અનુસાર સની પટેલનો મૃતદેહ 25 જૂને કતારથી અમદાવાદ લાવવામાં આવશે અને ત્યારબાદ અમદાવાદથી સુરત ખસેડવામાં આવશે. પરિવારજનો હવે અંતિમ દર્શન અને અંતિમવિધિ માટે મૃતદેહ વતનમાં પહોંચે તેની રાહ જોઈ રહ્યા છે.
આ પણ વાંચો: જૂનાગઢમાં સિંહબાળનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળતા ચકચાર : વન વિભાગે શરૂ કરી તપાસ
પરિવારનો આધારસ્તંભ હતો સની પટેલ
સની પટેલ માત્ર પરિવારનો કમાઉ સભ્ય જ નહોતો, પરંતુ પરિવારના ભવિષ્ય સાથે જોડાયેલા અનેક સપનાઓ અને જવાબદારીઓનો આધાર પણ હતો. પરિવાર પર અગાઉથી જ અનેક આઘાતો આવી ચૂક્યા હતા. પિતા અને મોટા ભાઈના અવસાન બાદ પરિવારની જવાબદારી અન્ય સભ્યોના ખભા પર આવી હતી. આર્થિક સ્થિતિ સુધારવા અને પરિવારને વધુ સારું જીવન આપવા માટે સની પટેલ વિદેશમાં રોજગારી માટે ગયા હતા. તેમના પર પરિવારની અનેક આશાઓ ટકેલી હતી. તેમના નિધનથી પરિવારને માત્ર ભાવનાત્મક નહીં પરંતુ આર્થિક રીતે પણ મોટો ફટકો પડ્યો હોવાનું નજીકના લોકો જણાવી રહ્યા છે.
છેલ્લો ફોન હવે યાદોમાં જ રહી ગયો
પરિવારજનોના જણાવ્યા અનુસાર સની પટેલનો એક નિયમ હતો. તેઓ રોજ ફરજ પર જતાં પહેલાં અને કામ પૂર્ણ કરીને પરત ફર્યા બાદ પત્ની સાથે વાતચીત કરતા હતા. દુર્ઘટનાના દિવસે પણ તેમણે પત્નીને ફોન કરીને પોતાની ફરજ પર જવા અંગે જાણ કરી હતી. પરંતુ તે ફોન કોલ બાદ તેમનો કોઈ સંપર્ક થયો નહોતો. શરૂઆતમાં સામાન્ય ટેકનિકલ સમસ્યા હોવાનું માનવામાં આવ્યું હતું, પરંતુ સમય જતાં પરિવારની ચિંતા વધતી ગઈ હતી. હવે એ છેલ્લી વાતચીત પરિવાર માટે એક અમૂલ્ય સ્મૃતિ બની ગઈ છે.
આ પણ વાંચો: સાવધાન ગુજરાત! : આ જિલ્લાઓમાં 50 કિમીની ઝડપે પવન સાથે ધબાધબ તૂટી પડશે વરસાદ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત માટે મોટી આગાહી
વિદેશી રોજગાર સાથે જોડાયેલા જોખમો ફરી ચર્ચામાં
આ દુઃખદ ઘટના ફરી એકવાર વિદેશમાં કામ કરતા ભારતીય કામદારોની સુરક્ષા અને કાર્યસ્થળ પરના જોખમો અંગે ચર્ચા ઊભી કરી રહી છે. ગુજરાત સહિત દેશના હજારો યુવાનો પરિવારની આર્થિક સ્થિતિ સુધારવા માટે મધ્ય પૂર્વના દેશોમાં રોજગારી માટે જાય છે. આવા સંજોગોમાં કોઈ દુર્ઘટના બને ત્યારે પરિવારને ભારે માનસિક અને આર્થિક સંકટનો સામનો કરવો પડે છે. સની પટેલના અવસાનથી ભીમપર ગામ સહિત સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે. પરિવારજનો અને ગામલોકો હવે તેમના પાર્થિવ દેહના વતન આગમનની રાહ જોઈ રહ્યા છે, જેથી અંતિમવિધિની પ્રક્રિયા પૂર્ણ કરી શકાય.





