Home International Putin On Pm Modi India Russia Relations

અમેરિકાનું પીએમ મોદી પર દબાણ લાવવું નિરર્થક : વ્લાદિમીર પુતિન

US pressure on India is futile: Vladimir Putin
Published by: Vaishnavi Pathak
Last Updated: Jun 05, 2026, 03:21 AM IST

અમેરિકાનું પીએમ મોદી પર દબાણ લાવવું નિરર્થક: વ્લાદિમીર પુતિન

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ભારત અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જોરદાર વખાણ કર્યા છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે, અમેરિકા અને અન્ય પશ્ચિમી દેશો દ્વારા ભારત પર રશિયા સાથેના સંબંધો ઘટાડવા માટે દબાણ લાવવાના તમામ પ્રયાસો નિરર્થક સાબિત થશે. ભારત એક મહાન અને સાર્વભૌમ દેશ છે, જે હંમેશા પોતાના રાષ્ટ્રીય હિતોને પ્રાથમિકતા આપે છે.

સેન્ટ પીટર્સબર્ગમાં PTI સહિત વિશ્વની અગ્રણી ન્યૂઝ એજન્સીઓના વડાઓ સાથેની ખાસ વાતચીતમાં પુતિને આ ટિપ્પણી કરી હતી. તેમણે ઉમેર્યું કે, રશિયા ભારતને પોતાનો એક અત્યંત ભરોસાપાત્ર ભાગીદાર માને છે.

ભારત-યુએસ નિકટતાથી રશિયાને કોઈ વાંધો નથી

રશિયન રાષ્ટ્રપતિએ જણાવ્યું કે, ભારત પોતાના હિતમાં જે પણ દેશો સાથે સંબંધો વધારવા માંગે તેનાથી રશિયાને કોઈ સમસ્યા નથી. અમેરિકા સાથે ભારતના વધી રહેલા સંબંધોની અસર ભારત-રશિયાની વર્ષો જૂની અને મજબૂત ભાગીદારી પર ક્યારેય નહીં પડે. પશ્ચિમી દેશો હવે સમજી ગયા છે કે વડાપ્રધાન મોદી અને ભારત જેવા મહાન લોકશાહી દેશ પર દબાણ લાવવું આંતરરાષ્ટ્રીય સંબંધો માટે નુકસાનકારક છે.

દ્વિપક્ષીય વેપાર 100 અબજ ડોલર સુધી પહોંચશે

આર્થિક મોરચે ભારતની પ્રગતિની પ્રશંસા કરતા પુતિને કહ્યું કે, ભારત અત્યારે વિશ્વની સૌથી મોટી અને સૌથી ઝડપથી વિકાસ પામતી અર્થવ્યવસ્થાઓમાં સામેલ છે. આ સફળતા અચાનક નથી મળી, પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સરકારની સાતત્યપૂર્ણ નીતિઓ અને સખત મહેનતનું પરિણામ છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આગામી વર્ષોમાં ભારત અને રશિયા વચ્ચેનો પરસ્પર વેપાર 100 અબજ ડોલરના આંકડાને પાર કરી જશે.

પીએમ મોદી અને પુતિનની મુલાકાતોનો કાર્યક્રમ

વ્લાદિમીર પુતિન આગામી 12 અને 13 સપ્ટેમ્બરના રોજ નવી દિલ્હીમાં યોજાનારી BRICS સમિટમાં ભાગ લેવા માટે ભારત આવી શકે છે, કારણ કે આ વર્ષે BRICSની અધ્યક્ષતા ભારત કરી રહ્યું છે. આ સિવાય, વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આ જ વર્ષે રશિયાની મુલાકાતે જવાના છે.

આ અગાઉ, યુક્રેન યુદ્ધ શરૂ થયા બાદ પુતિન 4 ડિસેમ્બર 2025ના રોજ 23મી ભારત-રશિયા વાર્ષિક શિખર સંમેલનમાં ભાગ લેવા ભારત આવ્યા હતા, જે 2021 પછી તેમની પહેલી ભારત મુલાકાત હતી.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now