Home National Punjab Patiala Railway Track Blast Shambhu Ambala Body Found News

પટિયાલામાં માલગાડીના ટ્રેક પર પ્રચંડ વિસ્ફોટ : ઘટનાસ્થળેથી મળેલા પુરાવાઓએ પોલીસને ચોંકાવ્યા

Punjab Railway Track Blast
Published by: Nirali Gohil
Last Updated: Apr 28, 2026, 03:52 AM IST

Punjab Railway Track Blast: પંજાબના પટિયાલામાં સોમવારે મોડી રાત્રે એક સનસનાટીભરી ઘટના સામે આવી છે. શંભુ-અંબાલા રેલવે સેક્શન પર એકાએક થયેલા વિસ્ફોટને કારણે સમગ્ર વિસ્તારમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. આ બ્લાસ્ટ એટલો શક્તિશાળી હતો કે રેલવે ટ્રેકને પણ નુકસાન પહોંચ્યું છે. ચોંકાવનારી વાત એ છે કે, વિસ્ફોટના સ્થળ પાસેથી એક અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો છે, જેના કારણે સુરક્ષા એજન્સીઓ અને સ્થાનિક પોલીસમાં દોડધામ મચી ગઈ છે.

રાત્રિના સમયે ધડાકાથી ગુંજી ઉઠ્યો વિસ્તાર

ઘટનાની વિગત મુજબ, સોમવારે રાત્રે આશરે 10 વાગ્યાની આસપાસ માલગાડીઓ માટે આરક્ષિત ડેડિકેટેડ ટ્રેક પાસે આ ધડાકો થયો હતો. વિસ્ફોટના અવાજથી આસપાસના લોકો ફફડી ઉઠ્યા હતા. બનાવની જાણ થતા જ પટિયાલાના SSP વરુણ શર્મા, DIG સહિતના ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF) અને ગવર્મેન્ટ રેલવે પોલીસ (GRP) એ તાત્કાલિક અસરથી સમગ્ર વિસ્તારને ઘેરી લઈને તપાસ હાથ ધરી છે.

ટ્રેકને નુકસાન, પોલીસ દ્વારા તપાસ તેજ

પટિયાલાના SSP વરુણ શર્માએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે, વિસ્ફોટને કારણે રેલવે ટ્રેકને થોડું નુકસાન થયું છે. જોકે, પ્રાથમિક તપાસમાં આ 'લો-ઈન્ટેન્સિટી' (ઓછી તીવ્રતાનો) વિસ્ફોટ હોવાનું જણાવાઈ રહ્યું છે. ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL) ની ટીમે ઘટનાસ્થળેથી નમૂનાઓ એકત્ર કર્યા છે, જેથી એ જાણી શકાય કે કયા પ્રકારના વિસ્ફોટકોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: આજે 28 એપ્રિલ : બાજીરાવ પેશ્વાની પૃણ્યતિથિ, જાણો આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ

રહસ્યમય મૃતદેહ મળતા અનેક તર્ક-વિતર્ક

વિસ્ફોટના સ્થળથી થોડે જ દૂર એક વ્યક્તિનો મૃતદેહ મળી આવતા આ કેસ વધુ ગંભીર બન્યો છે. પોલીસ તપાસ કરી રહી છે કે આ વ્યક્તિ આ વિસ્ફોટમાં સામેલ હતો કે પછી તેનું મૃત્યુ કોઈ અન્ય કારણોસર થયું છે. મૃતકની ઓળખ હજુ સુધી થઈ શકી નથી. SSPએ ઉમેર્યું કે, "મૃતદેહ અને વિસ્ફોટ વચ્ચે કોઈ સીધો સંબંધ છે કે કેમ તે પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને તપાસ બાદ જ સ્પષ્ટ થશે."

જાન્યુઆરીમાં પણ આવી જ ઘટના બની હતી

નોંધનીય છે કે, પંજાબમાં રેલવે ટ્રેકને નિશાન બનાવવાની આ વર્ષની બીજી ઘટના છે. અગાઉ જાન્યુઆરી મહિનામાં ફતેહગઢ સાહિબ જિલ્લાના સરહિંદમાં પણ ફ્રેઈટ કોરિડોર પર વિસ્ફોટ થયો હતો. તે સમયે એન્જિનને નુકસાન થયું હતું અને લોકો પાઈલટ ઈજાગ્રસ્ત થયો હતો. વારંવાર બનતી આવી ઘટનાઓને પગલે રેલવે સુરક્ષા અને આતંકી કાવતરાના પાસાઓ પર પણ તપાસ કેન્દ્રિત કરવામાં આવી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now