Home Sports Psl 2026 Mascot Fight Empty Stadium Controversy

રાઈવલરીના નામે PSL માં આ શું થયું? : વિદેશી ખેલાડીઓની હાજરીમાં થઈ 'ઇન્ટરનેશનલ ફજેતી'

PSL 2026
Published by: Aryan Shah
Last Updated: Apr 24, 2026, 06:30 AM IST

PSL 2026 : પાકિસ્તાન સુપર લીગ (PSL) ની શરૂઆત પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ દ્વારા ભારતની IPL ની સફળતાને જોઈને કરવામાં આવી હતી. જોકે, આ લીગ હંમેશા તેની રમત કરતાં ખરાબ વ્યવસ્થા અને વિચિત્ર ઘટનાઓને કારણે વધુ ચર્ચામાં રહે છે. વર્ષ 2026 ની સિઝન પણ આમાંથી બાકાત નથી. હાલમાં જ લાહોર અને કરાચી વચ્ચેની હાઇ-વોલ્ટેજ મેચ પહેલા કંઈક એવી ઘટના બની જેણે પાકિસ્તાન ક્રિકેટની વૈશ્વિક સ્તરે ફજેતી કરાવી છે. વિદેશી સ્ટાર ખેલાડીઓની હાજરીમાં મેદાન પર જે પ્રકારના દ્રશ્યો સર્જાયા, તેનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે.

મેદાન પર માસ્કોટ વચ્ચેની લડાઈ અને તમાશો

પાકિસ્તાન સુપર લીગની 35 મી મેચ લાહોરના ઐતિહાસિક ગદ્દાફી સ્ટેડિયમમાં રમાવાની હતી. મેચ પહેલા જ્યારે ટોસનો સમય થયો, ત્યારે મેદાન પર આશ્ચર્યજનક દ્રશ્યો જોવા મળ્યા હતા. લાહોર કલંદર્સના કેપ્ટન શાહીન આફ્રિદી અને કરાચી કિંગ્સના કેપ્ટન ડેવિડ વોર્નર ટોસ માટે તૈયાર હતા. તેમની સાથે બંને ટીમોના સત્તાવાર માસ્કોટ (ટીમના પ્રતીક રૂપે પહેરેલા પોશાકવાળા પાત્રો) પણ હાજર હતા. સામાન્ય રીતે માસ્કોટ દર્શકોના મનોરંજન માટે હોય છે, પરંતુ અહીં બંને માસ્કોટ 'રાઈવલરી' બતાવવાના નામે એકબીજા સાથે ખરેખર ઝપાઝપી કરવા લાગ્યા હતા. આ લડાઈ એટલી હદે વધી ગઈ કે, આસપાસ ઉભેલા લોકો પણ થોડીવાર માટે સ્તબ્ધ થઈ ગયા હતા.

વિદેશી ખેલાડીઓ અને પ્રેઝન્ટરની હાલત

જ્યારે આ બધો તમાશો ચાલી રહ્યો હતો, ત્યારે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના પૂર્વ અધ્યક્ષ અને જાણીતા કોમેન્ટેટર રમીઝ રાજા પ્રેઝન્ટર તરીકે ટોસની પ્રક્રિયા સંભાળી રહ્યા હતા. તેમની એકદમ નજીક જ આ બંને માસ્કોટ લડી રહ્યા હતા. ઓસ્ટ્રેલિયન દિગ્ગજ ખેલાડી ડેવિડ વોર્નર, જે પ્રથમ વખત આ લીગનો ભાગ બન્યો છે, તે આ દ્રશ્ય જોઈને હેરાન રહી ગયો હતો. શાહીન આફ્રિદી અને વોર્નરના ચહેરા પરના હાવભાવ સાફ કહી રહ્યા હતા કે, તેઓ સમજી શકતા નહોતા કે આ કોઈ મજાક છે કે પ્રોફેશનલ ક્રિકેટના મેદાન પર કોઈ ગંભીર અસભ્યતા. સોશિયલ મીડિયા યુઝર્સ આ ઘટનાને પાકિસ્તાનની 'ઇન્ટરનેશનલ ફજેતી' ગણાવી રહ્યા છે.

ખાલી સ્ટેડિયમ પાછળનું મોટું કારણ

PSL 2026 ની સૌથી ચિંતાજનક બાબત એ છે કે, સ્ટેડિયમમાં ખુરશીઓ ખાલી જોવા મળી રહી છે. પાકિસ્તાન અત્યારે તેના ઇતિહાસના સૌથી ખરાબ આર્થિક અને ઈંધણ સંકટમાંથી પસાર થઈ રહ્યું છે. પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધ અને સંઘર્ષને કારણે પાકિસ્તાનમાં ઇંધણનો પુરવઠો ખોરવાઈ ગયો છે. ટ્રાન્સપોર્ટની સુવિધા ન હોવાને કારણે અને સરકારે લોકોને ઘરે રહેવાની અપીલ કરી હોવાથી સ્ટેડિયમમાં ફેન્સ આવી શકતા નથી. પરિણામે, બોર્ડ દ્વારા ફેન્સને મનોરંજન પૂરું પાડવા માટે આવા વિચિત્ર કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે, જે ઉલટાનું મજાકનું કારણ બની રહ્યા છે.

મેચમાં કરાચી કિંગ્સનો દબદબો

જો મેચના પરિણામ પર નજર કરીએ તો, કરાચી કિંગ્સે આ મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. કરાચીએ ટોસ જીતીને પહેલા બોલિંગ પસંદ કરી હતી. લાહોર કલંદર્સે ફખર ઝમાન અને અબ્દુલ્લા શફીકની શાનદાર હાફ-સેન્ચુરીની મદદથી 20 ઓવરમાં 199 રનનો મોટો સ્કોર બનાવ્યો હતો. જોકે, કરાચીના બેટ્સમેનોએ આ લક્ષ્યાંકને સરળ બનાવી દીધો હતો. કેપ્ટન ડેવિડ વોર્નરે જવાબદારીપૂર્વક બેટિંગ કરતાં નોટઆઉટ 63 રન બનાવ્યા હતા. અંતિમ ઓવરોમાં ખુશદિલ શાહે માત્ર 14 બોલમાં 44 રનની વિસ્ફોટક ઇનિંગ રમીને કરાચીને 18.4 ઓવરમાં જ 5 વિકેટે જીત અપાવી દીધી હતી.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now