લોકસભામાં મહિલાઓના આરક્ષણ બિલને લઈને ભારે રાજકીય હલચલ વચ્ચે કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી વડ્રાએ કેન્દ્ર સરકાર પર સીધી ટકોર કરી છે. બિલ નિષ્ફળ ગયા બાદ યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં તેમણે કહ્યું કે આ સમગ્ર મુદ્દો મહિલાઓના અધિકાર વિશે નહોતો. આ મુદ્દો લોકશાહી અને દેશના બંધારણને લઈને ગંભીર ચિંતાઓ ઉભી કરે છે. આ નિવેદનથી દેશની રાજનીતિમાં નવી ચર્ચા શરૂ થઈ ગઈ છે.
પ્રિયંકા ગાંધીની પ્રેસ કોન્ફરન્સનાં મુખ્ય મુદ્દા
પ્રિયંકા ગાંધી વડ્રાએ કહ્યું, આ મહિલાઓના આરક્ષણનો પ્રશ્ન નહોતો, પરંતુ લોકશાહીનો પ્રશ્ન હતો. સરકાર મહિલાઓના નામે રાજકીય ફાયદો લેવા માંગતી હતી. ડિલિમિટેશન સાથે બિલ જોડવું બંધારણીય રીતે ખતરનાક છે આ નિર્ણય 'લોકશાહીની જીત' છે તેમણે સ્પષ્ટ રીતે કહ્યું કે વિરોધ પક્ષ મહિલાઓના આરક્ષણના વિરોધમાં નથી, પરંતુ જે રીતે સરકાર તેને રજૂ કરી રહી હતી તે સ્વીકાર્ય નહોતું.
શું છે સમગ્ર વિવાદ?
2026માં રજૂ કરાયેલા Constitution Billનો મુખ્ય ઉદ્દેશ્ય લોકસભા અને રાજ્ય વિધાનસભાઓમાં મહિલાઓને 33ટકા આરક્ષણ આપવાનો હતો. આ બિલને ડિલિમિટેશન સાથે જોડવામાં આવ્યું. જેના કારણે ભારે વિરોધ થયો. લોકસભામાં બિલ પાસ થવા માટે બે તૃતિયાંશ બહુમતી જરૂરી હતી પરંતુ સરકાર તે મેળવી શકી નહીં. મતદાનમાં લગભગ 298 સભ્યો સમર્થનમાં અને 230 વિરોધમાં હતા, જેના કારણે બિલ નિષ્ફળ રહ્યું. આ નિષ્ફળતા માત્ર કાયદાકીય મુદ્દો નહીં પરંતુ રાજકીય રીતે પણ મોટો ઝટકો માનવામાં આવી રહ્યો છે.
આ પણ વાંચો: લોકસભા ટેસ્ટમાં કેન્દ્ર સરકાર 'ફેલ' : મહિલાઓ માટે 33% આરક્ષણનો માર્ગ અટક્યો: સદનમાં કેમ પાસ ન થયું બિલ?
ડિલિમિટેશન મુદ્દે કેમ વધ્યો વિવાદ
મહિલા આરક્ષણ બિલ સાથે ડિલિમિટેશન જોડવાથી અનેક રાજ્યો, ખાસ કરીને દક્ષિણ ભારતના રાજ્યોમાં ચિંતા વધી. મતવિસ્તારોની સંખ્યા વધારવાની યોજના હતી લોકસભાની બેઠકો 543થી વધીને 850 સુધી જઈ શકે તેવી ચર્ચા હતી આ કારણે વિરોધ પક્ષે આરોપ લગાવ્યો કે સરકાર મહિલાઓના અધિકારના નામે રાજકીય સમીકરણ બદલવા માંગે છે.
મહિલાઓના આરક્ષણનો લાંબો સંઘર્ષ
ભારતમાં મહિલાઓના આરક્ષણ માટેની માંગ નવી નથી.
1996થી અલગ અલગ સરકારો આ પ્રયાસ કરી ચૂકી છે. 2010માં રાજ્યસભામાં બિલ પાસ થયું પરંતુ લોકસભામાં અટકી ગયું હતું. 2023માં “નારી શક્તિ વંદન અધિનિયમ” પસાર થયો પરંતુ અમલ જનગણના અને ડિલિમિટેશન સાથે જોડાયો. આ લાંબો ઈતિહાસ દર્શાવે છે કે મહિલાઓના રાજકીય પ્રતિનિધિત્વનો મુદ્દો વર્ષોથી ચર્ચામાં છે, પરંતુ અમલીકરણ હજી અધૂરું છે.
ભારતમાં લોકસભામાં મહિલાઓનું પ્રમાણ હજુ લગભગ 14% આસપાસ છે, જે ખૂબ ઓછું છે. ડિલિમિટેશન સાથે બિલ જોડવાથી કેન્દ્ર-રાજ્ય સંબંધો પર અસર પડી શકે. 2029ની લોકસભા ચૂંટણી માટે આ મુદ્દો મુખ્ય રાજકીય એજન્ડા બની શકે છે.





