Home National Priyanka Gandhi Parliament Statement Neet Protest Pm Modi Dharmendra Pradhan

પત્રકારો પર ગયો કોંગ્રેસના સાંસદ પ્રિયંકા ગાંધીનો પિત્તો : "મને સવાલ પૂછવાને બદલે ધર્મેન્દ્ર પ્રધાનને પૂછો, ક્યારે રાજીનામું આપશે"

Priyanka Gandhi Parliament Statement
Image Credit: x
Published by: Nirali Gohil
Last Updated: Jul 23, 2026, 11:13 AM IST

Priyanka Gandhi Parliament Statement: સંસદના ચોમાસુ સત્ર દરમિયાન NEET પેપર લીક અને વિદ્યાર્થીઓના આંદોલનને લઈને સરકાર અને વિપક્ષ વચ્ચેનો રાજકીય સંઘર્ષ વધુ તીવ્ર બન્યો છે. સંસદની કાર્યવાહી સતત અવરોધિત થઈ રહી છે, જ્યારે બહાર વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શન પણ યથાવત છે. આવી સ્થિતિમાં કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધી વાડ્રાએ સરકાર પર આકરા પ્રહારો કર્યા અને મીડિયાને પણ સરકારને કડક સવાલ પૂછવાની અપીલ કરી. સંસદ પરિસરમાં પત્રકારો સાથે વાતચીત દરમિયાન પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, મીડિયાએ સતત વિપક્ષને સંસદ કેમ નથી ચાલી રહી તેવા સવાલો પૂછવાને બદલે સરકાર પાસે વિદ્યાર્થીઓના પ્રશ્નોના ઉકેલ અંગે જવાબ માંગવો જોઈએ. તેમણે આરોપ લગાવ્યો કે સરકારના મંત્રીઓ તો મીડિયા સમક્ષ આવી રહ્યા છે, પરંતુ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હજુ સુધી સંસદમાં આવીને દેશના યુવાનો અને ચાલી રહેલા આંદોલન અંગે કોઈ નિવેદન આપ્યું નથી.

'સરકારને સવાલ પૂછો, અમને નહીં'

પ્રિયંકા ગાંધીએ મીડિયાને સંબોધતા કહ્યું કે, તેઓ એવા પ્રશ્નો પૂછે છે જે સરકાર ઇચ્છે છે. તેમણે કહ્યું કે સંસદ કેમ નથી ચાલી રહી તે પૂછવાને બદલે સરકારે વિદ્યાર્થીઓની માંગણીઓ પર શું પગલાં લીધાં છે તે પૂછવું જોઈએ. તેમણે જણાવ્યું કે, દેશભરના હજારો યુવાનો રસ્તા પર ઉતરીને વિરોધ કરી રહ્યા છે, છતાં પ્રધાનમંત્રી દ્વારા સંસદમાં આ મુદ્દે કોઈ નિવેદન આપવામાં આવ્યું નથી. તેમના મતે આ મુદ્દો માત્ર રાજકીય નથી, પરંતુ દેશના લાખો વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે જોડાયેલો છે.

પ્રધાનમંત્રીની ગેરહાજરી પર ઉઠાવ્યા સવાલ

કોંગ્રેસ સાંસદે કહ્યું કે જ્યારે સમગ્ર દેશમાં વિદ્યાર્થીઓનું મોટું આંદોલન ચાલી રહ્યું છે ત્યારે પ્રધાનમંત્રી સંસદમાં આવીને પોતાનું વલણ સ્પષ્ટ કેમ નથી કરતા? તેમણે કહ્યું કે, સંસદ દેશનું સર્વોચ્ચ લોકશાહી મંચ છે અને આવા મહત્વના મુદ્દે સરકારનું મૌન અનેક પ્રશ્નો ઊભા કરે છે. તેમના મતે વિદ્યાર્થીઓને વિશ્વાસમાં લેવા માટે પ્રધાનમંત્રીએ સંસદમાં નિવેદન આપવું જોઈએ.

આ પણ વાંચો: 'દરેક પડકાર સામે લડીશું...' : ખડગેએ કવિતા વાંચતા જ ભડક્યા કિરણ રિજિજૂ, રાજ્યસભામાં સર્જાયો તંગદિલીનો માહોલ

ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા અંગે પણ કર્યો ઉલ્લેખ

પ્રિયંકા ગાંધીએ મીડિયાને પ્રશ્ન કરતાં કહ્યું કે શું તેમણે ક્યારેય કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનને પૂછ્યું છે કે, તેઓ રાજીનામું ક્યારે આપશે? તેમણે જણાવ્યું કે, વિપક્ષ સતત શિક્ષણમંત્રીની જવાબદારીનો મુદ્દો ઉઠાવી રહ્યો છે, પરંતુ સરકાર તરફથી હજુ સુધી આ અંગે સ્પષ્ટ જવાબ આપવામાં આવ્યો નથી.

પોલીસ કાર્યવાહી અને વિદ્યાર્થીઓની સુરક્ષા અંગે પણ સવાલ

પ્રિયંકા ગાંધીએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને લઈને પણ અનેક પ્રશ્નો ઉઠાવ્યા. તેમણે પૂછ્યું કે, વિરોધ દરમિયાન વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ કેમ કરવામાં આવ્યો અને ઘણા વિદ્યાર્થીઓ હોસ્પિટલમાં કેમ પહોંચ્યા? તેમણે એવો પણ સવાલ કર્યો કે, વિરોધ પ્રદર્શન દરમિયાન કેટલાક વિસ્તારોમાં ઇન્ટરનેટ સેવા બંધ કેમ કરવામાં આવી, જેના કારણે વિદ્યાર્થીઓ પોતાના પરિવારજનો સાથે પણ સંપર્ક કરી શક્યા નહોતા.

NSA લાગુ કરવા પર પણ વ્યક્ત કર્યો વિરોધ

કોંગ્રેસ સાંસદે વિદ્યાર્થીઓ સામે રાષ્ટ્રીય સુરક્ષા કાયદા (NSA) લાગુ કરવાના મુદ્દે પણ સરકારને ઘેરી હતી. તેમણે પૂછ્યું કે, શું વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓને આતંકવાદી સમાન ગણવામાં આવી રહ્યા છે? તેમણે કહ્યું કે, શાંતિપૂર્ણ રીતે પોતાની માંગણીઓ રજૂ કરતા વિદ્યાર્થીઓ સામે કડક કાયદાનો ઉપયોગ શા માટે કરવામાં આવ્યો તે અંગે સરકારને સ્પષ્ટતા કરવી જોઈએ.

આ પણ વાંચો: "સમય તમારો, સ્થળ તમારું...અમે વાતચીત માટે તૈયાર" : વિદ્યાર્થીઓને 4 વખત ચર્ચાનું આમંત્રણ મોકલ્યું હોવાનો સરકારનો દાવો

રાજકીય ઘર્ષણ વચ્ચે વિદ્યાર્થીઓનો મુદ્દો કેન્દ્રમાં

NEET પેપર લીક અને પરીક્ષા વ્યવસ્થામાં પારદર્શિતા અંગે ચાલી રહેલા આંદોલન વચ્ચે સંસદનું ચોમાસુ સત્ર સતત હોબાળાનો સાક્ષી બની રહ્યું છે. વિપક્ષ સરકાર પાસેથી જવાબદારી નક્કી કરવાની અને શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ કરી રહ્યો છે, જ્યારે સરકાર પરીક્ષા ગેરરીતિના કેસોમાં તપાસ અને જરૂરી કાર્યવાહી ચાલી રહી હોવાનું જણાવી રહી છે. આ દરમિયાન પ્રિયંકા ગાંધીના નિવેદનથી રાજકીય ચર્ચા વધુ ગરમાઈ છે. હવે આગામી દિવસોમાં સરકાર આ મુદ્દે સંસદમાં વિગતવાર જવાબ આપે છે કે નહીં અને વિદ્યાર્થીઓના પ્રશ્નોના ઉકેલ માટે શું પગલાં લેવાય છે તેના પર સમગ્ર દેશની નજર રહેશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now