Home Utilities Prices Of Cars Tvs And Acs Will Increase From April 1 Know Why These Things Are Becoming Expensive

1 એપ્રિલથી કાર, TV અને AC ના ભાવમાં થશે વધારો! : જાણો શા માટે આ વસ્તુઓ મોંઘી થઈ રહી છે

1 એપ્રિલથી કાર, TV અને AC ના ભાવમાં થશે વધારો!
Published by: OBS Bureau
Last Updated: Mar 17, 2026, 06:27 AM IST

એપ્રિલથી ઘણી આવશ્યક વસ્તુઓ મોંઘી થઈ શકે છે. આ લિસ્ટમાં કાર, ટુ-વ્હીલર, ટીવી, રેફ્રિજરેટર અને AC જેવી રોજિંદા ઉપયોગની વસ્તુઓનો સમાવેશ થાય છે. આવું એટલા માટે થઈ રહ્યું છે કારણ કે, આ વસ્તુઓ બનાવવા માટે વપરાતા કાચા માલના ભાવ ઝડપથી વધી રહ્યા છે. આ સાથે, પરિવહન અને શિપિંગ ખર્ચમાં પણ વધારો થયો છે. રિપોર્ટ્સ અનુસાર, આ વસ્તુઓના ભાવમાં આશરે 5 થી 6 ટકાનો વધારો થઈ શકે છે. આનો અર્થ એ છે કે, એપ્રિલથી, તમારે આ વસ્તુઓ ખરીદવા માટે પહેલા કરતાં વધુ પૈસા ખર્ચવા પડી શકે છે.

કાચા માલના ભાવમાં વધારો

રિપોર્ટ્સ અનુસાર, ઘણી કંપનીઓ તેમના પ્રોડક્ટસના ભાવમાં વધારો કરવાની તૈયારી કરી રહી છે. તેનું મુખ્ય કારણ પ્લાસ્ટિક, રેઝિન અને પોલિમર જેવા કાચા માલના ભાવમાં અચાનક વધારો છે. આ કાચા માલનો ઉપયોગ ઇલેક્ટ્રોનિક સામાન અને ઓટોમોબાઈલના પ્રોડક્શનમાં વ્યાપકપણે થાય છે. વધુમાં, આંતરરાષ્ટ્રીય નૂર દરમાં પણ વધારો થયો છે. હાલના વર્ષોમાં, નૂર દરમાં આશરે 7 થી 10 ટકાનો વધારો થયો છે. જ્યારે કંપનીઓ માલના પ્રોડક્શન અને ડિલિવરીમાં વધુ ખર્ચ કરે છે, ત્યારે તેઓ તે ખર્ચને પ્રોડક્ટની કિંમતમાં ઉમેરે છે, જેના પરિણામે ગ્રાહકો માટે કિંમતો વધી શકે છે.

કાર થશે વધુ મોંઘી

રિપોર્ટ્સ અનુસાર, ઘણા કાર મેન્યુફેક્ચર કંપનીઓ આશરે 2 થી 3 ટકાના ભાવ વધારા પર વિચાર કરી રહ્યા છે. મર્સિડીઝ-બેન્ઝ અને ઓડી જેવી કેટલીક લક્ઝરી કાર કંપનીઓએ પહેલેથી જ જાહેરાત કરી દીધી છે કે, તેઓ 1 એપ્રિલથી તેમની કારના ભાવમાં આશરે 2 ટકાનો વધારો કરશે. સાથે જ, માસ-માર્કેટ કાર મેન્યુફેક્ચર કંપનીઓ પણ તેમની નવી કિંમતોને અંતિમ સ્વરૂપ આપવાની પ્રક્રિયામાં છે.

ટીવી અને રેફ્રિજરેટર પણ મોંઘા થઈ શકે છે.

માત્ર કાર જ નહીં, પરંતુ ટીવી, રેફ્રિજરેટર અને AC જેવા અન્ય ઘરગથ્થુ ઇલેક્ટ્રોનિક્સ પ્રોડક્ટસ પણ મોંઘા થઈ શકે છે. કારણ કે આ પ્રોડક્ટસમાં પ્લાસ્ટિક આધારિત ભાગોનો ઘણો ઉપયોગ થાય છે, જેના કારણે કંપનીઓ તેમના ભાવમાં આશરે 5 થી 6 ટકાનો વધારો કરી શકે છે.

બીજું શું મોંઘુ થશે?

આ લિસ્ટ અહીં પૂરી થતી નથી. ઘર વપરાશના ચંપલ, સિન્થેટિક ફાઈબરમાંથી બનેલા કપડાં અને ઘરને સજાવવા માટે વપરાતા ડેકોરેટિવ પેઇન્ટના ભાવમાં પણ 9 થી 10 ટકાનો મોટો વધારો જોવા મળી શકે છે. એટલે કે, નવું ઘર બનાવવું કે ઘરનું રિનોવેશન કરવું પણ હવે મોંઘું પડશે.

રૂપિયાનું અવમૂલ્યન અને તેની અસર

ભારતીય રૂપિયો અમેરિકન ડોલરની સરખામણીમાં આશરે 2 ટકા નબળો પડ્યો છે. જ્યારે રૂપિયો નબળો પડે છે, ત્યારે વિદેશથી આયાત કરવામાં આવતા પાર્ટ્સ અને સામાન મોંઘા થઈ જાય છે. આની સીધી અસર કંપનીઓના ખર્ચ પર પડે છે. અને એ આયાત ખર્ચ વધવાને કારણે અંતે તો ગ્રાહકોએ જ વધુ કિંમત ચૂકવવી પડે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now