મેરિકાનું રાષ્ટ્રપતિ પદ એટલે વિશ્વનું સૌથી શક્તિશાળી પદ, જે અતંર્ગત રાષ્ટ્રપતિને અનેક સુવિધાઓ સરકાર તરફથી પ્રદાન કરવામાં આવે છે. આ જોઈને લોકોને એમ લાગે છે કે રાષ્ટ્રપતિનું જીવન ખુબ આરામદાયક છે. પરંતુ વાસ્તવમાં અમેરિકી રાષ્ટ્રપતિ પર કેટલાક પ્રતિબંધ પણ હોય છે. સામાન્ય વ્યક્તિની જેમ રાષ્ટ્રપતિ જે મનમાં આવે તે નથી કરી શક્તા. આજે એ જાણીએ કે અમેરિકી રાષ્ટ્રપતિ શું શું નથી કરી શક્તા.
ડ્રાઈવિંગ
અમેરિકી રાષ્ટ્રપતિ જાતે ડ્રાઈવિંગ ના કરી શકે. માત્ર રાષ્ટ્રપતિ જ નહીં પરંતુ ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ તેમજ ઉપરાષ્ટ્રપતિઓ પણ વાહન નથી ચલાવી શક્તા. પૂર્વ રાષ્ટ્રપતિને સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે સિક્રેટ સર્વિસ તરફથી સુરક્ષા પ્રદાન કરવામાં આવે છે.
ઇલેક્ટ્રોનિક ડિવાઈસનો ઉપયોગ
સુરક્ષાના કારણોસર પર્સનલ સેલફોન તેમજ ઈલેક્ટ્રોનિક ઉપકરણોને લગતા નિયંત્રણો છે. બરાક ઓબામા જેવા રાષ્ટ્રપતિઓ પાસે મોબાઈલ ફોન નહોતા. પરંતુ ઓબામા ગેજેટ્સના ઘણા શોખીન છે. 2009માં જ્યારે ઓબામા રાષ્ટ્રપતિ બન્યા ત્યારે તેઓ સેલફોનનો ઉપયોગ કરી શક્તા નહોતા. જે પછી તેઓને એક વિશેષ iPad મળ્યું, જે વધુ સુરક્ષિત અને કસ્ટમ-મેડ એડિશનનું હતું. તેને ઓબામા પેડ પણ કહેવાતું. જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પે 2017માં રાષ્ટ્રપતિ પદ સંભાળ્યું ત્યારે તેમણે અનેક 'બર્નર' ફોનનો ઉપયોગ કર્યો હતો. જે પછી સુરક્ષા કારણોસર બદલવામાં આવ્યો.
કલચરલ પરફોર્મન્સ સ્પોર્ટ્સ ઈવેન્ટ્સ
અમેરિકી રાષ્ટ્રપતિ બાળકોના શાળાના પરફોર્મન્સ અથવા સ્પોર્ટ્સ ઈવેન્ટ્સમાં હાજર ના રહી શકે. જો રાષ્ટ્રપતિના બાળકો, ભત્રીજા અથવા ભત્રીજી હોય, તો તેમના માટે તેમની શાળાઓમાં જઈને પ્રદર્શન જોવાનું શક્ય નથી. જો તેઓ જવા માંગતા હોય તો પણ એટલી બધી સુરક્ષા વ્યવસ્થા કરવી પડે છે કે તે શક્ય નથી.
સોશિયલ મીડિયા પર લોકોને બ્લોક કરવા
2018માં ન્યાયાધીશના નિર્ણય અનુસાર રાષ્ટ્રપતિ કોઈને પણ સોશિયલ મીડિયામાં બ્લોક ના કરી શકે.
પ્રાઈવેટ એરલાઇન્સનો ઉપયોગ
જો અમેરિકન રાષ્ટ્રપતિ અમેરિકન એરલાઇન્સની ફ્લાઇટમાં આરામથી ફરવા માંગતા હોય, તો તેમની સિક્રેટ સર્વિસ જવાબ આપશે, 'માફ કરશો, તે શક્ય નથી.' આ અંગે સાયબર સિક્યોરિટી ઈન્સ્ટ્રક્ટર કાર્લા માસ્ટ્રાચિયો કહે છે કે એવી કેટલીક બાબતો છે જે રાષ્ટ્રપતિ કરી શક્તા નથી. જોકે રાષ્ટ્રપતિ પાસે એરફોર્સ વન છે, જે ખુબ આરામદાયક છે.
બારી ખોલવા પર પ્રતિબંધ
અમેરિકન રાષ્ટ્રપતિની સુરક્ષા વ્યવસ્થા પર એટલી ઝીણવટભરી નજર રાખવામાં આવે છે કે કોઈ બેદરકારી ના રાખી શકાય. રાષ્ટ્રપતિને વ્હાઇટ હાઉસ અને કારની બારી ખોલવાની મનાઈ છે, તેઓ આવું કરી શકતા નથી.





