ગાંધીનગરમાં બિન અનામત આયોગમાં ચેરમેન સહિતના હોદ્દા ખાલી પડ્યા છે તે ભરવા માંગ કરવામાં આવી છે. અત્રે જણાવીએ કે, ચેરમેન, વાઇસ ચેરમેન સહિત સમગ્ર બોર્ડમાં નિમણૂકો બાકી છે તે તમામ તાત્કાલિક નિમણૂકો કરવા રાજપૂત સમાજ અને પાટીદાર સમાજના કેટલાક અગ્રણીએ ગાંધીનગર પહોંચી માગ કરી છે.
પાટીદાર અને રાજપૂત સમાજના આગેવાનોએ રજૂઆત કરી
પાટીદાર અને રાજપૂત સમાજના આગેવાનો ગાંધીનગર પહોચ્યાં હતા તેમજ મુખ્યંત્રી સહિતના નેતાઓને મળી રજૂઆત કરી છે. વહેલી તકે નિમણૂકો કરવા અને વિધાર્થીઓને લાભ આપવા માગણી કરી છે. સાથો સાથ 25 ઓગસ્ટ સુધીમાં પદો નહીં ભરાય તો આંદોલનની ચીમકી ઉચ્ચારી છે
રાજપૂત એકતા મંચના કન્વીનરે શું કહ્યું?
રાજપૂત એકતા મંચના કન્વીનર સહદેવસિંહ ચુડાસમાંએ કહ્યું કે, ''અમારી મુખ્ય માગ એ છે કે, સરકાર જે બિન અનામત આયોગનું ગઠન કર્યું છે, તે ખુબ સારી વાત છે, પરંતુ છેલ્લા ત્રણ વર્ષથી આ આયોગમાં ચેરમેન, વાઈસ ચેરમેન સહિતના હોદ્દાઓ ખાલી છે. સાથો સાથ હાલ જે એમડી છે તે પણ ચાર્જમાં છે તેથી સહાયની યોજનાનો વિદ્યાર્થીઓને પુરતો લાભ મળી શકતો નથી, ત્યારે આ નિમણૂકો વહેલી તકે કરવામાં આવે તેવી અગાઉ પાટીદાર સમાજે રજૂ કરી પણ હતી. તેમના સમર્થનમાં અમે પણ રજૂઆત કરી છે''.






