Home Gujarat Preparations For Local Body Elections In Gujarat In Full Swing Amc Bjp Congress Aap

Local Elections; ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તૈયારીઓ તેજ : 348 પાલિકા-પંચાયત માટે આ તારીખ સુધીમાં થઈ શકે છે ચૂંટણીઓની જાહેરાત

Local Elections; ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તૈયારીઓ તેજ
Published by: OBS Bureau
Last Updated: Mar 16, 2026, 07:10 AM IST

Gujarat Local Body Elections: આ વખતે ગુજરાતમાં ચૂંટણીઓ દરમિયાન દરેક બેઠકો જામશે ત્રિ-પાંખિયો જંગ. કારણકે, અત્યાર સુધી ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસ આ બે જ મોટા રાજકીય પક્ષો ચૂંટણીમાં મેદાને ઉતરતા હતા. આ વખતે ચૂંટણીમાં આમ આદમી પાર્ટી પણ દરેક બેઠકો પર પોતાના ઉમેદવારો ઉતારવાની તૈયારીઓ કરી રહી છે. એવામાં આગામી દિવસોમાં યોજાનારી પાલિકા-પંચાયતો સહિતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં દરેક બેઠકો પર ભારે રસાકસી જોવા મળી શકે છે.

હાલ દરેકના મનમાં એક જ સવાલ આવી રહ્યો છેકે, આખરે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જાહેર ક્યારે થશે. રાજકીય પક્ષો અને ચૂંટણીમાં ઝંપલાવવા માંગતા ઉમેદવારો પણ ચૂંટણી પંચ દ્વારા તારીખોની જાહેરાતની રાહ જોઈ રહ્યાં છે. ત્યારે હવે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ સંસ્થાઓની ચૂંટણીને લઈને રાજ્ય ચૂંટણી પંચે પણ તૈયારીઓ તેજ કરી દીધી છે. ટૂંક સમયમાં રાજ્યભરમાં કુલ 348 પાલિકા અને પંચાયતોમાં ચૂંટણી યોજાવાની શક્યતા છે.

રાજકીય સૂત્રોની માનીએ તો આગામી 26 માર્ચ સુધીમાં એટલેકે, આગામી 10 દિવસોમાં ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો ચૂંટણી પંચ દ્વારા સત્તાવાર જાહેરાત થઈ શકે છે. ચૂંટણી જાહેર થતાની સાથે જ આદર્શ આચાર સંહિતા પણ અમલમાં આવી જશે. એવામાં જે વિકાસકામો બાકી છે તેને પણ ઝડપથી પતાવવા તંત્ર દ્વારા કવાયત તેજ કરવામાં આવી છે. સત્તાપક્ષ પણ પોતે કરેલા વિકાસકામોની યાદીને આગળ ધરીને બીજા પાંચ વર્ષ માટે શાસનની ધૂરા પોતાના હાથમાં માંગવા મતદારોને અપીલ કરશે. જ્યારે વિપક્ષ આ વખતે પોતાને તક મળે તે માટે નારાજ મતદારોને પોતાની તરફ આકર્ષવા પ્રયાસ કરશે.

ઉલ્લેખનીય છેકે, અત્યાર સુધી ભાજપ અને કોંગ્રેસ જે મુખ્ય પક્ષો ચૂંટણીઓમાં સામસામે દેખાતા હતા. આ વખતે આમ આદમી પાર્ટી પણ લોકલ ઈલેક્શનમાં કેન્દ્ર સ્થાને રહેશે. ત્યારે આ પરિસ્થિતિની વચ્ચે ભાજપે પણ ગઢ બચાવવા કવાયત તેજ કરી દીધી છે. ઉલ્લેખનીય છેકે, અમદાવાદ સહિત રાજ્યની છ મહાનગરપાલિકાની વર્તમાન ટર્મ પૂર્ણ થતાં વહીવટદારોની નિમણૂક કરવામાં આવી છે. તેમાં અધિકારીઓની બદલીના આદેશો પણ બહાર પાડવામાં આવ્યા છે. આ પરિસ્થિતિને જોતા, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત ક્યારે પણ થઈ શકે છે અને તે રાજકીય પ્રવૃત્તિમાં તેજી લાવી શકે છે. રાજ્યના રાજકીય દ્રશ્યને જોતા, આગામી મહિને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે તમામ પાર્ટીઓના સક્રિય બનવાના પ્રકારે, ગુજરાતમાં રાજકીય હલચલ વધુ તીવ્ર બની શકે છે.

રાજકીય પક્ષો માટે કેમ મહત્વની છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી?

વર્ષ 2027માં ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ યોજાશે. ત્યારે વિધાનસભાની ચૂંટણીઓ પહેલાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ એ વિવિધ રાજકીય પક્ષો માટે ફાઇનલ પહેલાંની સેમિફાઇનલ સમાન છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના પરિણામો પરથી રાજકીય પક્ષોને આગામી વિધાનસભા ચૂંટણીઓમાં પ્રજાનો મિજાઝ કેવો છે તેનો અંદાજ મળી જશે. ખાસ કરીને અર્બન અને ગ્રામિણ બન્ને મતદારો આ ચૂંટણીમાં રાજકીય પક્ષો અને ઉમેદવારોનો લિટમસ ટેસ્ટ કરશે. એ કારણસર સ્થાનિક સ્વરાજની આવનારી ચૂંટણી રાજકીય રીતે મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.

348 પાલિકા-પંચાયત માટે ચૂંટણીની તૈયારી:

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ સંસ્થાઓમાં અનેક પાલિકા અને પંચાયતોની કાર્યકાળ પૂર્ણ થવાની હોવાથી ચૂંટણી યોજાવાની છે. રાજ્ય ચૂંટણી પંચ દ્વારા અંદાજે 348 પાલિકા અને પંચાયત માટે ચૂંટણી યોજવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. ચૂંટણી કાર્યક્રમ જાહેર થયા બાદ ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા, ઉમેદવારી ચકાસણી અને પ્રચાર તબક્કો શરૂ થશે. ચૂંટણીને ધ્યાનમાં રાખીને સ્થાનિક રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. વિવિધ રાજકીય પક્ષો તેમજ સંભવિત ઉમેદવારો પોતાના વિસ્તારમાં મતદારો સાથે સંપર્ક વધારી રહ્યા છે.

ઉમરેઠ બેઠક પર પેટાચૂંટણીની જાહેરાતઃ

સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલાં આણંદ જિલ્લાના ઉમરેઠ વિધાનસભા બેઠક પર પેટાચૂંટણી યોજાશે. આ બેઠક પર 23 એપ્રિલે મતદાન થશે જ્યારે 4 મેના રોજ મતગણતરી કરવામાં આવશે. ઉમરેઠ બેઠક ખાલી થવાનું કારણ પૂર્વ ધારાસભ્ય ગોવિંદ પરમારના નિધનને કારણે છે. તેમના અવસાન બાદ આ બેઠક ખાલી પડી હતી અને હવે રાજ્ય ચૂંટણી પંચે અહીં પેટાચૂંટણીની જાહેરાત કરી છે.

મહત્ત્વનું છેકે, રાજ્ય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીઓનું પુનઃસંશોધન, મતદાન કેન્દ્રોની વ્યવસ્થા અને ચૂંટણી સ્ટાફની નિમણૂક જેવી પ્રક્રિયાઓ ઝડપી ગતિએ હાથ ધરવામાં આવી રહી છે. સ્થાનિક સ્વરાજ સંસ્થાઓની ચૂંટણીને ધ્યાનમાં રાખીને રાજકીય પક્ષોએ પણ સંગઠનાત્મક તૈયારીઓ શરૂ કરી દીધી છે. ચૂંટણી કાર્યક્રમ જાહેર થયા બાદ રાજ્યભરમાં રાજકીય પ્રવૃત્તિઓ વધુ તેજ થવાની શક્યતા છે. સ્થાનિક સ્તરે વિકાસના મુદ્દાઓ, પાણી-રસ્તા જેવી સુવિધાઓ અને સ્થાનિક સમસ્યાઓ ચૂંટણીના મુખ્ય મુદ્દા બની શકે છે. આવતા દિવસોમાં રાજ્ય ચૂંટણી પંચ દ્વારા ચૂંટણીની સત્તાવાર જાહેરાત થયા બાદ સમગ્ર રાજ્યમાં રાજકીય માહોલ વધુ ગરમ બનવાની શક્યતા છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now