પશ્ચિમ તુર્કીના બાલિકેસિર પ્રાંતમાં સોમવારે રાત્રે 10:48 વાગ્યે 6.1 તીવ્રતાનો જોરદાર ભૂકંપ આવ્યો, જેનું કેન્દ્ર સિંદિરગી શહેરમાં માત્ર 5.99 કિલોમીટર ઊંડાઈએ હતું. આ ભૂકંપથી અગાઉના ભૂકંપમાં નુકસાન પામેલી ઓછામાં ઓછી ત્રણ ખાલી ઇમારતો અને એક બે માળની દુકાન ધરાશાયી થઈ ગઈ. ડિઝાસ્ટર એન્ડ ઇમરજન્સી મેનેજમેન્ટ એજન્સી (AFAD)ના જણાવ્યા અનુસાર, ભૂકંપની અસર ઇસ્તંબુલ, બુર્સા, મનીસા અને ઇઝમિર સુધી અનુભવાઈ, જ્યાં અનેક આફ્ટરશોક્સ નોંધાયા.
આફ્ટરશોક્સના ભય
ભૂકંપની તીવ્રતા એટલી વધુ હતી કે લોકો ઘરોમાંથી બહાર દોડી આવ્યા અને ઘણા રાતભર ખુલ્લામાં રહ્યા, કારણ કે આફ્ટરશોક્સના ભયથી ઘરે પરત ફરવાની હિંમત ન થઈ. હેબર્ટુર્ક ટેલિવિઝનના અહેવાલ મુજબ, લોકોમાં દહેશતનો માહોલ છવાયો હતો.
ગૃહમંત્રીનું નિવેદન: જાનહાનિ નહીં, પરંતુ ગભરાટથી ઈજા
ગૃહમંત્રી અલી યેરલિકાયાએ જણાવ્યું કે, "સિંદિરગીમાં ત્રણ ખાલી ઇમારતો અને એક બે માળની દુકાન ધરાશાયી થઈ છે, જે અગાઉના ભૂકંપમાં નુકસાનગ્રસ્ત હતી. ગભરાટમાં પડી જવાથી બે વ્યક્તિઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે." તાત્કાલિક જાનહાનિના કોઈ અહેવાલ નથી.સિંદિરગી જિલ્લા પ્રશાસક ડોગુકન કોયુન્કુએ કહ્યું, "અમને હજુ સુધી જાનહાનિના કોઈ સમાચાર મળ્યા નથી, પરંતુ નુકસાનનું મૂલ્યાંકન ચાલુ છે.
ઓગસ્ટમાં પણ આવ્યો હતો સમાન તીવ્રતાનો ભૂકંપ
નોંધનીય છે કે આ વર્ષે ઓગસ્ટમાં પણ સિંદિરગીમાં 6.1 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેમાં એક વ્યક્તિનું મોત થયું હતું અને ડઝનેક લોકો ઘાયલ થયા હતા. ત્યારથી આ વિસ્તારમાં નાના ભૂકંપની શ્રેણી ચાલુ છે.
તુર્કીની ભૂકંપીય સ્થિતિ: મોટી ફોલ્ટ લાઇન પર આવેલું દેશ
તુર્કી મોટી ફોલ્ટ લાઇન પર આવેલું હોવાથી વારંવાર ભૂકંપનો ભોગ બને છે. 2023માં આવેલા 7.8 તીવ્રતાના વિનાશક ભૂકંપમાં 53,000થી વધુ લોકો માર્યા ગયા હતા, જેમાં 11 દક્ષિણ અને દક્ષિણપૂર્વ પ્રાંતોમાં લાખો ઇમારતો નષ્ટ અથવા નુકસાનગ્રસ્ત થઈ હતી. પડોશી સીરિયામાં પણ 6,000 લોકોના મોત થયા હતા.






