Narmada Politics: નર્મદા જિલ્લામાં આમ આદમી પાર્ટી (AAP) અને ભારતીય જનતા પાર્ટી (BJP) વચ્ચે રાજકીય ગરમાટ વધુ તીવ્ર બની છે. તાજેતરમાં AAPના જિલ્લા પ્રમુખ નિરંજન વસાવાના ભાઈ વીરભદ્રસિંહ (ભદ્રેશ) વસાવા દારૂની 11 બોટલ સાથે ઝડપાયા હતા. આ ઘટનાએ સ્થાનિક રાજકારણમાં ખળભળાટ મચાવી દીધો છે અને બંને પક્ષો વચ્ચે આક્ષેપોનો દોર શરૂ થયો છે. નિરંજન વસાવાએ સોશિયલ મીડિયા પર BJP જિલ્લા પ્રમુખ નીલ રાવ, સાંસદ મનસુખ વસાવા તથા અન્ય કાર્યકરો પર આરોપો લગાવ્યા હતા, જેના જવાબમાં BJPએ તીખી પ્રતિક્રિયા આપી છે. 9 નવેમ્બર 2025ના રોજ બાતમીના આધારે LCBએ રેડ કરી હતી. ભદ્રેશ વસાવા પાસેથી 11 દારૂની બોટલો મળી હતી. આ પહેલાં પણ ભદ્રેશ વસાવા દારૂની હેરાફેરીમાં જોડાયેલા હોવાના આરોપો હેઠળ પકડાયા હતા.
શું કહ્યું સાંસદ મનસુખ વસાવાએ
સાંસદ મનસુખ વસાવાએ આ મુદ્દે પ્રતિક્રિયા આપતાં કહ્યું કે, "દારૂની ભલે 11 બોટલો જપ્ત થઈ હોય, પરંતુ 5 પેટીઓને સગેવગે કરી દેવામાં આવી હતી. આ AAPના નેતૃત્વની વાસ્તવિકતા દર્શાવે છે." આ ઘટના પછી નિરંજન વસાવાએ સોશિયલ મીડિયા પોસ્ટમાં BJP નેતાઓ પર ભ્રષ્ટાચાર અને રાજકીય દબાણના આરોપો લગાવ્યા. જવાબમાં BJP જિલ્લા પ્રમુખ નીલ રાવે કહ્યું કે, "નિરંજન વસાવા પર અગાઉ 10 કેસો નોંધાયા છે. તેઓ ડિગ્રી ચોર અને વીજળી ચોર છે. ભૂતકાળમાં તેઓ અનાજ ચોરી કરતા રંગે હાથે પકડાયા હતા, જેના કારણે BJPમાંથી સસ્પેન્ડ થયા હતા. હવે તેઓ આપમાં જોડાઈને અમારા કાર્યકરો પર આક્ષેપો કરે છે." રાવે વધુમાં કહ્યું કે, "નિરંજન વસાવાને માનહાનિની નોટિસ મોકલી છે. તેમના જેવા ગુનાહિત પ્રવૃત્તિઓ કરનારને AAPના પ્રમુખ ઈસુદાન ગઢવી, ગોપાલ ઈટાલિયા અને ચૈતર વસાવા સસ્પેન્ડ કરશે?"
નિરંજન વસાવાએ જાહેર ડિબેટની માંગ કરી
આ વચ્ચે નિરંજન વસાવાએ વીડિયો પોસ્ટ કરીને જાહેર ડિબેટની માંગ કરી છે. જેના જવાબમાં નીલ રાવે કહ્યું કે, "આપણા કાર્યકરો કોઈપણ દિવસ દબાવવાના નથી. જાહેરમાં ડિબેટ કરવા તૈયાર છીએ." રાવે વધુમાં નિરંજન વસાવા પર રેલવે જમીનમાં દબાણ કરવાનો આરોપ લગાવ્યો અને જો તેમની સામે કાર્યવાહી નહીં થાય તો ગાંધીમાર્ગે આંદોલન કરવાની ચીમકી આપી છે. નિરંજન વસાવાના પરિવાર પરના આરોપોમાં તેમના બીજા ભાઈ હાર્દિક વસાવા પર પણ 2015માં રાજપીપળામાં 4.5 લાખ રૂપિયાના દારૂના કેસમાં ફરિયાદ નોંધાઈ હતી. આ ઉપરાંત ભદ્રેશ વસાવા સામે પણ અનેક ફરિયાદો પેન્ડિંગ છે. AAPના સ્થાનિક કાર્યકર્તાઓએ આ આરોપોને રાજકીય ષડયંત્ર ગણાવ્યા છે, જ્યારે BJP કાર્યકર્તાઓએ તેને AAPની વ્યવસ્થાની નિષ્ફળતા ગણાવી છે. આ રાજકીય ગરમાવાથી નર્મદા જિલ્લાના લોકોમાં અસ્વસ્થતા વ્યાપી છે. બંને પક્ષો વચ્ચેની આ ટક્કર આગામી ચૂંટણીઓને અસર કરી શકે છે. જિલ્લા પોલીસે તપાસ ઝડપી કરવાની વાત કરી છે, પરંતુ રાજકીય વાતાવરણ વધુ ગરમાયું છે.






