અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા લાદવામાં આવેલા વધારાના 25% ટેરિફનો અમલ આવતીકાલથી થવાનો છે. આ સાથે અમેરિકા ભારત પાસેથી કુલ 50% ટેરિફ વસૂલશે. અમેરિકા દ્વારા સત્તાવાર નોટિફિકેશન જાહેર થયા બાદ ભારત સરકાર હરકતમાં આવી છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આજે પીએમઓ ખાતે ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી. બેઠકમાં ગૃહ મંત્રી, વાણિજ્ય મંત્રી સહિતના કેબિનેટ મંત્રીઓ હાજર રહ્યા હતા. ચર્ચા દરમિયાન અમેરિકાના નવા ટેરિફથી ભારતીય નિકાસ પર થનારી અસરો તથા રાહત ઉપાયો પર વિચારણા કરવામાં આવી.
નિકાસકારોની ચિંતા
વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે નિકાસકારો તેમજ નિકાસ પ્રોત્સાહન સમિતિઓ સાથે બેઠક યોજી હતી. નિકાસકારોએ કોલેટરલ-ફ્રી ઇમરજન્સી ક્રેડિટ લાઇન ગેરેંટી સ્કીમની માગણી કરી હતી. જોકે અધિકારીઓનું માનવું છે કે સેક્ટર-આધારિત સહાય વધુ અસરકારક રહેશે.
સરકાર તરફથી રાહત પેકેજની અપેક્ષા
બેઠક બાદ એવી અટકળો છે કે સરકાર નિકાસકારોને રાહત આપવા માટે વિશેષ આર્થિક પેકેજની જાહેરાત કરી શકે છે. સાથે જ વૈકલ્પિક બજારો શોધવાના પ્રયત્નો પણ તેજ કરવામાં આવશે. વડાપ્રધાન મોદી આ મહિનાના અંતે જાપાન અને ચીનની મુલાકાતે જવાના હોવાથી આ મુદ્દે આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ચર્ચા થવાની સંભાવના છે.
55% ઉત્પાદન ક્ષેત્રોને ઝટકો
નિષ્ણાતોના મતે ટ્રમ્પ સરકારના નવા ટેરિફથી ભારતના લગભગ 55% ઉત્પાદન ક્ષેત્રો સીધી અસર હેઠળ આવશે. તેમાં કપડાં, ઘરેણાં, ચામડાના ઉત્પાદનો, રમકડાં, રસાયણો, મશીન ટૂલ્સ, પ્લાસ્ટિક અને દરિયાઈ ઉત્પાદનોનો સમાવેશ થાય છે.
આ તમામ ક્ષેત્રોમાં મોટી સંખ્યામાં લોકો રોજગાર સાથે જોડાયેલા હોવાથી કામદારોની સુરક્ષાને લઈને ચિંતા વધી છે.
વૈશ્વિક સ્પર્ધા કઠિન
ટેરિફને કારણે ભારતીય ઉત્પાદનો હવે અમેરિકી બજારમાં બિનસ્પર્ધાત્મક બની જશે. ચીન, વિયેતનામ અને બાંગ્લાદેશ જેવા દેશો ઓછા દરે સમાન પ્રોડક્ટ્સ સપ્લાય કરે છે, જેના કારણે ભારત માટે યુએસ બજારમાં ટકી રહેવું મુશ્કેલ બનશે.





